IPL 2019 | મેચ 3 | રિષભ પંતના તોફાન સામે મુંબઈ ઇન્ડિયન્સ લાચાર

0
160
Photo Courtesy: iplt20.com

મુંબઈ ઇન્ડિયન્સ સામે તેમના જ ઘરમાં નવું નામ પામેલી દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર રિષભ પંતે એવી તોફાની બેટિંગ કરી હતી કે MI તેની સામે લાચાર નજરે પડતું હતું.

Photo Courtesy: iplt20.com

મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં આજની બીજી મેચ હોમ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને નવું નામકરણ કરેલી દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. બેટિંગ પીચ પર મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. પૃથ્વી શો અને કેપ્ટન શ્રેયસ ઐયરના સસ્તામાં આઉટ થવાથી રોહિત શર્માનો આ નિર્ણય યોગ્ય લાગ્યો હતો. પરંતુ આ ઘટના તોફાન પહેલાની શાંતિ જેવી જ હતી.

પહેલા શિખર ધવન અને કોલિન ઇન્ગ્રામે દિલ્હી કેપિટલ્સને જરૂરી પ્લેટફોર્મ ઝડપી બેટિંગ કરીને આપ્યું પરંતુ તેમ છતાં એવું લાગતું હતું કે DC આ પીચ પર જરૂરી સ્કોર કરતા ઓછો સ્કોર કરી શકશે. પરંતુ ત્યારબાદ ભારતની ટેસ્ટ ટીમના વિકેટકીપર રિષભ પંતે જબરદસ્ત બેટિંગ શરુ કરી હતી. પંતના શોટ્સ ક્રિકેટ બુકની અંદર અને બહાર બંને પ્રકારના હતા.

પોતાની હાફ સેન્ચ્યુરી રિષભ પંતે માત્ર 18 બોલમાં જ પૂરી કરી હતી અને બાદમાં વધુને વધુ સ્ટ્રાઈક જાળવી રાખીને તેણે માત્ર 27 બોલમાં નોટ આઉટ 78 રન કર્યા હતા. આ ઇનિંગ્સમાં પંતે 7 બાઉન્ડ્રી અને 7 સિક્સર ફટકારી હતી. રિષભ પંતની કેટલીક સિક્સરો સ્ટેન્ડના ત્રીજા માળે જઈને પડી હતી. પોતાની 20 ઓવરમાં દિલ્હી કેપિટલ્સે 213 રન બનાવ્યા હતા.

બેટિંગ પીચ હોવા છતાં આટલો વિશાળ ટાર્ગેટનો પીછો કરવો મુંબઈ ઇન્ડિયન્સ માટે સહેજે સરળ ન હતું. એવામાં તેણે કેપ્ટન રોહિત શર્માને સાવ સસ્તામાં ઇશાંત શર્માની બોલિંગમાં ગુમાવ્યો હતો. IPLમાં ઇશાંતે બે સિઝન બાદ કોઈ વિકેટ લીધી હતી. ક્વિન્ટન ડી કોકે પોતાની આક્રમક સ્ટાઈલથી મુંબઈ ઇન્ડિયન્સને ઝડપથી રન આપવાની કોશિશ કરી હતી પરંતુ તે પણ તરત જ આઉટ થઇ જતા મુંબઈને મોટો ઝાટકો લાગ્યો હતો.

કાયરન પોલાર્ડ અને ઘણા સમય બાદ રમી રહેલા યુવરાજ સિંગે ફટાફટ 50 રનની પાર્ટનરશીપ કરી હતી પરંતુ પોલાર્ડની વિકેટ પડ્યા બાદ હાર્દિક પંડ્યા પણ તુરંત આઉટ થઇ જતા મુંબઈ ઇન્ડિયન્સની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. યુવરાજ પણ સ્પિનરો સામે જેટલા આત્મવિશ્વાસ સાથે શોટ્સ ફટકારતો હતો તેટલા ફાસ્ટ બોલર અથવા મિડીયમ પેસર સામે ફટકારતા તકલીફ અનુભવતો હતો.

યુવરાજ સાથે કૃણાલ પંડ્યાએ શોટ્સ લગાવીને MIને રમતમાં બનાવી રાખવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. યુવરાજે જોકે પોતાની હાફ સેન્ચુરી જરૂર પૂરી કરી હતી જે મુંબઈ ઇન્ડિયન્સ માટે આજની મેચમાં એક માત્ર આશ્વાસન કહી શકાય.

આ હાર સાથે મુંબઈ ઇન્ડિયન્સે 2012થી IPLની પોતાની પ્રથમ મેચ હારવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 3 | મુંબઈ ઇન્ડિયન્સ વિ. દિલ્હી કેપિટલ્સ

વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ

ટોસ: મુંબઈ ઇન્ડિયન્સ (બોલિંગ)

DC 213/6 (20) રન રેટ 10.65

રિષભ પંત 78* (27)

કોલિન ઇન્ગ્રામ 47 (32)

શિખર ધવન 43 (36)

માઈકલ મેક્લેનેગન 3/40 (4)

MI 176 ઓલ આઉટ (19.2) રન રેટ 9.16

યુવરાજ સિંગ 53 (35)

કૃણાલ પંડ્યા 32 (15)

કાગીસો રબાડા 2/23 (4)

ઇશાંત શર્મા 2/34 (4)

પરિણામ: દિલ્હી કેપિટલ્સ 37 રને જીત્યું.

મેન ઓફ ધ મેચ: રિષભ પંત (દિલ્હી કેપિટલ્સ)

અમ્પાયરો: એસ રવિ અને યશવંત બેરડે | નંદન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈયર

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here