હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (4) –માર્મિકની रविवार ची जत्रा

0
429
Photo Courtesy: thedemocraticbuzzer.com

બાળાસાહેબ ઠાકરેના જીવન પરની સિરીઝના ચોથા હિસ્સામાં આપણે જોઈશું કે કેવી રીતે બાળાસાહેબનું માર્મિક મરાઠી માણુસને તેમના અભિમાનને જાગૃત કરવામાં મદદરૂપ બન્યું.

Photo Courtesy: thedemocraticbuzzer.com

ગયા મંગળવારે આપણે વાંચ્યું કે કઈ રીતે ફ્રી પ્રેસ જર્નલની નોકરી છોડીને બાળાસાહેબે ‘માર્મિક’ સાપ્તાહિક શરૂ કરવાનો નિર્ણય લીધો. બાળાસાહેબને ‘માર્મિક’ નામ તેમના પિતાએ સૂચવેલું. પહેલા જ અંકમાં ‘મુદ્રક-પ્રકાશકઃ ઠાકરે બંધૂ’ અને ‘સંપાદકઃ બાળ ઠાકરે’ એવું લખવામાં આવ્યું. એ કાળમાં એક પણ મરાઠી વ્યંગચિત્ર સાપ્તાહિક નહોતું. ફક્ત મરાઠી જ નહીં, આખા ભારતમાં ‘શંકર્સ વિકલી’ (જે દિલ્હીથી પ્રકાશિત થતું) સિવાય એક પણ કાર્ટૂન સાપ્તાહિક નહોતું.

પણ કહેવાય છે ને કે સારા કામમાં સો વિઘ્ન. સાપ્તાહિકના ફંડની મુશ્કેલી બુવા ડાંગટે દૂર કરી તો છાપવાની મુશ્કેલી આવી. પ્રખ્યાત માસિક ‘ધનુર્ધારી’ના માલિક અને સંપાદક સગળેભાઈઓએ પોતાના છાપખાનામાં માર્મિક છાપવાની હા પાડી પણ પછી આ જવાબદારી માંથી છટકી ગયા. છેવટે ‘આવાજ’ નામની વ્યંગવાર્ષિકના માલિક મધુકર પાટકરે માર્મિકને છાપવાની જવાબદારી લીધી.

માર્મિકના પ્રકાશનનો દિવસ નક્કી થયો. 13 ઑગસ્ટ, 1960ના દિવસે દાદરના બાલમોહન વિદ્યાલયમાં તત્કાલીન મુખ્યમંત્રી યશવંતરાવ ચવ્હાણના હાથે માર્મિકનું ઉદઘાટન થયું. પોતાના ભાષણમાં યશવંતરાવ બોલ્યાઃ આજે હું એક મુખ્યમંત્રી તરીકે નહીં પણ બાળ ઠાકરેના એક ચાહક અને રસિક તરીકે ઉપસ્થિત રહ્યો છું. તેમના કાર્ટૂન હું હંમેશા શોખથી માણું છું. અનેકવાર હું પોતે પણ તેમનો વિષય બનતો આવ્યો છું. તેઓ પોતાની પીંછીની ચાબુક વડે જે ફટકા આપે છે એનાથી અમને અંતર્મુખ થવાની સંધિ મળે છે અને જનતાની પ્રતિક્રિયા પણ જાણવા મળે છે. તેમના આ નવા સાપ્તાહિકને મારી શુભેચ્છાઓ! (કર્ટસીઃ વિકીપિડીયા)

માર્મિક લોન્ચ થયાના થોડા જ દિવસોમાં પ્રબોધનકાર ઠાકરેની 77-એ, રાનડે રોડ, દાદર વાળી જગ્યામાં મોટી સંખ્યામાં યુવાનો આવવા લાગ્યા. પછીથી એ જ સરનામું માર્મિકની ઓફિસ તરીકે સ્થાપિત થયું. માર્મિકનો પ્રારંભિક ખર્ચ 1 રૂપિયો હતો. તે પછી 50 પૈસા કરવામાં આવ્યો. કટાક્ષથી ભરપૂર, મજેદાર, કોમેડી અને સેટાયરવાળું સાપ્તાહિક. પણ દરેક લેખમાં ઉગ્ર ભાષા લખાતી. કેટલાક ઉદાહરણો જોઈએઃ

1લી મે 1966ના માર્મિકમાં मराठी राज्यांत मराठी माणसांची ससेहोलपट (મરાઠી રાજ્યોમાં મરાઠી જનતાની દુર્ગતી) નામનો ઉગ્ર અને અગ્ર લેખ પ્રસિદ્ધ થયો. આ લેખમાં બાળાસાહેબે લખ્યું કે પ્રાંતહિત કે રાષ્ટ્રહિત – જ્યારે જ્યારે આવો પ્રશ્ન ઊઠશે ત્યારે રાષ્ટ્રહિત સામે પ્રાંતહિત ગૌણ માનવામાં આવશે. એટલે કે તેઓ શુદ્ધ રાષ્ટ્રવાદી છે. પણ વગર કારણે પ્રાંતના લોકોને અન્યાય થાય અને અમે રાષ્ટ્રવાદનો મુખવટો પહેરીને જોયા કરીએ એવો તર્ક અને અવ્યવ્હાર અમને મંજૂર નથી. આ જ લેખમાં તેમણે ચોખાની અછત બાબતે પણ લખેલું. “મહારાષ્ટ્રમાં અસંખ્ય લોકો ચોખા ખાય છે, પણ મહારાષ્ટ્રમાં ચોખાનો પૂરવઠો તદ્દન ઓછો છે. મહિનાઓ સુધી લોકોને ચોખાના દર્શન પણ નથી થતાં. કેરળ અને બંગાળના લોકો ચોખા માટે હુલ્લડો કરે છે અને મરાઠી માણૂસ શોષાતો રહે છે. અન્નની જેમ જ વસ્ત્રનો પણ પ્રશ્ન છે. મુંબઈમાં આવેલી કાપડની મિલો પરપ્રાંતીયોની છે એટલે એ જ્યારે બંધ થાય ત્યારે મરાઠી માણૂસે જ બેકારીનો ભોગ બનવો પડે છે.”

એક સણસણતો પ્રશ્ન પ્રગટ કર્યો – મહારાષ્ટ્રના સરકારી કારખાનાઓને મહારાષ્ટ્ર શાસનની જમીન, વીજળી અને પાણીની સગવડો મળી રહે છે. આ જ કારખાનાઓ ધમધમતાં થાય ત્યારે પરપ્રાંતીય, બિન-મરાઠી લોકોને રોજગાર અપાવવાની લાલચમાં મરાઠી જનતાની બેકારી અને ભૂખમરો વધે છે એ યોગ્ય છે?

1963માં, કેટલાક મરાઠી લોકોએ ઠાકરેને ફરિયાદ કરી કે, તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમની સાથે જાતિય ભેદભાવ થાય છે અને નોકરીઓમાં નકારી કાઢવામાં આવે છે. થોડા સમય પછી, ઠાકરેના મિત્ર શ્રીકાંત ગડકરીએ તેમને મુંબઈની ટેલિફોન ડિરેક્ટરી બતાવી. એમાં વિવિધ કંપનીઓમાં ટોચની સ્થિતિ પર બિન-મરાઠી લોકોની સંખ્યા જ વધુ હતી. ઠાકરે કહે છે કે આ જ તે પ્રસંગ છે જ્યાં પ્રથમ સ્પાર્ક થયો. મુંબઇને મહારાષ્ટ્રમાં સમાવવામાં આવ્યું હતું, પરંતુ મરાઠી માણૂસની ક્યાંય ગણતરી જ ન હતી. બહારના લોકો ટોચના હોદ્દાઓ પર હતાં એટલે એમનાં જ લોકોને જ લેવામાં આવતાં.

ઠાકરેએ માર્મિકમાં આ બધા નામોની સંપૂર્ણ યાદી वाचा आणि ठंड बसा (વાંચો અને શાંતિથી બેસી રહો) કોલમ હેઠળ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. એક મહિનો પસાર થયા પછી, લોકોએ વધુ નામોના લિસ્ટ મોકલવાનું શરૂ કર્યું. તેથી તેમણે કોલમનું નામ બદલીને वाचा आणि उठा (વાંચો અને ઊઠો) કરી નાખ્યું.

એકાદ અંકમાં ‘તૂર્ભેના ખાતરના કારખાનામાં પરપ્રાંતીયો જ મુખ્ય!’ એવા શિર્ષક હેઠળ એ કારખાનાના અધિકારીઓની એક યાદી પ્રકાશિત કરવામાં આવી. વિકીપિડીયા પ્રમાણે આ યાદી હતીઃ

જનરલ મૅનેજર – એસ. એમ. રામ, જનરલ કન્સ્ટ્રક્શન સુપરીટેંડંટ – એમ. એસ. એન. ભગવાન, ડેપ્યુટી ચીફ (અકાઉન્ટસ) ઓફિસર – ભિશન્ત લાલ, ડેપ્યુટી ચીફ પ્રોડક્શન ઈજનેર – વેંકટકૃષ્ણન, પર્ચેસ ઓફિસર – આર. પ્રસાદ, એક્ઝિક્યુટિવ ઈજનેર – ટી. એન. આર. ચંદ્રશેખરન, પ્લાન્ટ ઈજનેર – સી.કે. ટંડન, ચીફ ઈજનેર – આર.કે.ઘોષ, વગેરે વગેરે. આખી યાદીમાં ‘શેળકે’ એક જ મરાઠી નામ હતું. વધુ પડતાં પરપ્રાંતીય જ!

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3

એ જ પ્રમાણે પૂણેના પિંપરીમાં આવેલા એક કારખાનામાં દક્ષિણ ભારતીયોની ફોજ હતી. એ માટેના લેખનું શિર્ષક હતું: પિંપરીના કારખાનામાં બધાં યંડૂગુંડૂ! એમાં 14 અધિકારીઓના નામ સામેલ હતાઃ સુંદરમ, ગોપાલકૃષ્ણન, મોટુલુ, તિરુમલાચારી, સર્વોત્તમ, સુબ્રહ્મણ્યમ, રાજન વગેરે વગેરે. દરેક અધિકારી પરપ્રાંતીય. આ કારખાનું હતું પેનિસિલીનનું. એટલે ઠાકરેએ લખ્યું: દવાના કારખાનામાં પણ મરાઠી માણૂસ નથી એ વાતની મરાઠી પ્રશાસનને કોઈ લાજ-શરમ છે કે નહીં?

એમના વ્યંગચિત્રોમાં કટાક્ષનો ઉભરો રહેતો. 22 મે 1966ના દિવસે પ્રકાશિત થયેલા માર્મિકના પહેલા જ પાને ‘કાયમનું સૂર્યગ્રહણ’ એવું કાર્ટૂન છાપેલું. જેમાં મહારાષ્ટ્રના સૂરજને યંડૂગુંડૂં લોકોનું ગ્રહણ લાગેલું હોય એવું બતાવવામાં આવ્યું. અને મરાઠી માણૂસ તત્કાલીન મુખ્યમંત્રી વસંતરાવ નાઈકને પૂછે છેઃ આ ખગ્રાસ ગ્રહણ ક્યારે પૂર્ણ થશે?

3 જુલાઈ 1966ના અંકમાં ‘નાગ જેવું વળણ’ એવા શિર્ષક હેઠળ કોંગ્રેસના બળદને ફટકારતાં લખેલું: બળદ જ છે. એ થોડી સીધું મૂતરશે. નાગની જેમ વાંકૂચૂંકું જ મૂતરશે.

15 ઑગસ્ટ, 1965ના માર્મિકના અંકમાં છપાયેલા એક વ્યંગલેખનો અંશઃ (વિષયઃ જો દક્ષિણ-ભારતીયો મુંબઈ પર કબજો કરે તો…માદ્રે માટુંગમમાં ચીફ ગેસ્ટનું ઈન્ટરવ્યુ લેનાર શું બોલશે?)

રાતના શાંત વાતાવરણમાં, હું ગણપતિ મરાઠમના ઘરે ગયો અને તેમને નમસ્કાર કહ્યું. મેં તેમને જણાવ્યુ કે હું તેમની મુલાકાત લેવા આવ્યો છું. ગણપતિએ મને આશ્ચર્યથી જોયું અને કહ્યું: “ઓહો, ઘણા વર્ષો પછી જૂની મરાઠી ભાષા આજે ફરી સાંભળવા મળી. તમે આ ભાષા કેવી રીતે જાણો છો?” “મેં મારા Ph.D. માટે ‘ઓલ્ડ મરાઠી ભાષા’ વિષય લીધો હતો. – મે જવાબ આપ્યો. તેમણે હસતાં હસતાં કહ્યું, “આજકાલ આ ભાષા ક્યાંય સાંભળવામાં આવતી નથી. મારા બાળપણમાં, મરાઠીનું શુદ્ધ સ્વરૂપ બોલવામાં આવતું હતું; હવે તે શુદ્ધ ભાષા માત્ર ચંબલના લોકો જ બોલે છે. લગભગ સોએક વર્ષો પહેલાં મુંબઈમાં મદ્રાસી ગવર્નરો, મેયરો અને શેરિફોની નિમણૂંક કરવામાં આવી હતી. તે સમયના મરાઠી લોકો આ લોકોને ‘બહારના લોકો’ તરીકે ઓળખતા. આજે અહીં દરેક જણ લુંગી પહેરે છે. તાજેતરમાં જ એક ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં, એક ધોતિયું પહેરેલી વ્યક્તિને ગવર્નર તરફથી ઇનામ મળ્યું… ગવર્નર એવું કહેતાં હતાં – કેવો વિચિત્ર પહેરવેશ!”

માર્મિકની रविवार ची जत्रा (એટલે રવિવારનો મેળો) આવા અસંખ્ય કાર્ટૂનોને કારણે લોકોમાં અતિ પ્રસિદ્ધ થયો. આચાર્ય અત્રે સાથે બાળાસાહેબનું શીતયુદ્ધ ચાલુ હતું (જેના વિશે આવનારા લેખોમાં લખીશ) ત્યારે માર્મિકના વ્યંગચિત્રોને કારણે જ અત્રે નમ્યાં. એવું કહેવાય છે કે મહારાષ્ટ્ના મુખ્યમંત્રી એ વખતે સૌથી વધુ માર્મિકના વ્યંગચિત્રોથી ડરતાં. 9 જૂન, 1968ના માર્મિકમાં છપાયેલા યશવંતરાવ ચવ્હાણના કાર્ટૂન ખૂબ દિવસો સુધી ગાજતાં રહ્યાં.

માર્મિકના પહેલાં પાને એવું ધ્રુવવાક્ય હતું: खींचो न कमानको, न तलवार निकालो; जब तोप मुकाबिल है, तो अखबार निकालो

અને આ વાક્ય ખરેખર ઠાકરે માટે ફળ્યું. મરાઠી માણૂસને સત્તા અને પરપ્રાંતીયો વિરુદ્ધ ચઢાવવામાં માર્મિકે સારું એવું કામ કર્યું અને શિવસેનાની સ્થાપનાના એંધાણ પણ માર્મિકમાંથી જ દેખાતાં થયાં. માર્મિક વિશે ઠાકરે એવું બોલ્યાઃ મારા પિતાશ્રીએ મને શીખવ્યું છે કે એવી ભાષામાં લખવું અને બોલવું જે આમ-આદમીને સમજાય. એટલે જ માર્મિકમાં કોઈ પણ પ્રકારની હાઈ-લેવલની વાતું નહીં, કોઈ તત્વજ્ઞાનનો સંદર્ભ નહીં, કોઈ એનાલિસીસ નહીં.

1960 થી 1965 –  આ પાંચ વર્ષમાં માર્મિક અતિશય લોકપ્રિય થયું. એક કાર્ટૂન સાપ્તાહિક તરીકે જ નહીં પણ માર્મિકે મરાઠી માણૂસ માટે એક આશાનો સૂર્ય ઉગાડ્યો. માર્મિકના કાર્ટૂન અને ઉગ્ર લેખોએ મરાઠી જનતાના ખોવાયેલા સ્વાભિમાનને પાછા લાવવા માટેની એક ચિનગારી પ્રગટાવી. માર્મિકે યુવાન કાર્ટૂનિસ્ટના હાસ્યથી ભરપૂર કાર્ટૂન છાપ્યા અને મુંબઈના મધ્યમ અને કાર્યકારી વર્ગના યુવાનોના વિચારોને અભિવ્યક્તિ મળી.

પડઘોઃ

રાજકારણીય વ્યંગચિત્ર જગતના પિતા સમાન કાર્ટૂનિસ્ટ કે. શંકર પિલ્લાઈએ જ્યારે ૨૭ વર્ષ પછી ‘શંકર્સ વિકલી’ બંધ કરવાની જાહેરાત કરી ત્યારે ઈંદિરા ગાંધીએ એક પત્ર લખીને શંકરને કહ્યુંઃ મેં થોડા દિવસ પહેલા ‘શંકર્સ વિકલી’ સાપ્તાહિક બંધ કરવાના નિર્ણય વિશે જાણ્યું…. વર્ષોની મહેનત વડે જે કંઇક બનાવ્યું છે તેને બંધ કરવા માટે ખૂબ બધી માનસિક તાકાત જોઈએ. તમે કાર્ટૂનિસ્ટ જ નથી પણ શ્રેષ્ઠ જજ છો. તમે એક ઈન્સ્ટીટ્યુટ (સંસ્થા) છો. અમે જર્નલને મીસ કરીશું.

વાચકમિત્રો, માર્મિકના કેટલાક કાર્ટૂનો આ લિંક પર માણી શકો છોઃ

https://www.thequint.com/lifestyle/different-strokes-of-bal-thackrey-the-cartoonist

https://www.indiatoday.in/india/photo/bal-thackerays-cartoons-369013-2013-01-04

eછાપું 

તમને ગમશે: નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓથી ભારતને થતા દેખીતા ફાયદાઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here