કહેવાય છે કે કર્મ ક્યારેય તમારો પીછો છોડતું નથી. ગઈ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટને નિયમોમાં રહીને પણ ખેલભાવના વિરુદ્ધ કર્મ કર્યું તેનું ફળ આજે તેણે ભોગવવું પડ્યું હતું..

કોલકાતા નાઈટ રાઈડર્સ ગઈ મેચમાં સન રાઈઝર્સ હૈદરાબાદ સામે આન્દ્રે રસલની ધમાકેદાર ઇનિંગને લીધે હારેલી બાજી જીતી ગયા હતા. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ રાજસ્થાન રોયલ્સ સામે વિવાદાસ્પદ સંજોગીમાં જીત્યા હતા. ઈડન ગાર્ડન્સની બેટિંગ પીચ પર KXIPએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી. ક્રિસ લીન આજે પણ નિષ્ફળ નીવડ્યો હતો પરંતુ ગઈ મેચમાં ઈજાગ્રસ્ત થયેલા સુનીલ નારાયણે તેના જૂના અંદાજમાં બેટિંગ કરતા માત્ર 9 બોલમાં 22 રન કર્યા હતા. બંને ઓપનર્સના આઉટ થયા બાદ રોબિન ઉથપ્પા અને નીતીશ રાણાએ આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી.
નીતીશ રાણાએ માત્ર 24 બોલમાં આકર્ષક 63 રન કર્યા હતા. તેના આઉટ થયા બાદ ગઈ મેચનો હીરો આન્દ્રે રસલને બેટિંગ કરતા શરૂઆતમાં તકલીફ પડી રહી હતી. ખાસકરીને મોહમ્મદ શમીની બોલિંગમાં. રસલ જ્યારે 3 રન પર હતો ત્યારે શમીએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો, પરંતુ અમ્પાયરે 30 યાર્ડના સર્કલની અંદર માત્ર ત્રણ જ ફિલ્ડર હોવાને લીધે નો બોલ આપ્યો હતો. આમ આન્દ્રે રસલને જીવનદાન મળ્યું હતું અને ત્યારબાદ તેણે બીજા 45 રન ઉમેર્યા હતા.
આન્દ્રે રસલ, નીતીશ રાણાની આક્રમક અને રોબિન ઉથપ્પાની સમજદારી વાળી બેટિંગને લીધે KKRએ તેનો હાઈએસ્ટ સ્કોર 218 બનાવ્યા હતા. કોલકાતાના આ વિશાળ સ્કોર બનાવવા પાછળ પંજાબની ખરાબ બોલિંગ પણ એટલીજ જવાબદાર હતી.
પહેલા જ બોલથી 10 રન પ્રતિ ઓવરની રેટથી રમવું કોઇપણ ટીમ માટે સહેલું નથી હોતું. જો તમારી ટીમમાં ક્રિસ ગેલ જેવો બેટ્સમેન હોય તો પણ તમારે તેની પાસેથી તત્કાલ ફટકાબાજીની આશા રાખવી જોઈએ અને તે ઓછામાં ઓછી દસ ઓવર રમે તેની અપેક્ષા રાખવી જોઈએ. કમનસીબે KXIP માટે આ બંનેમાંથી કશુંજ ન થયું. શરૂઆતના શોટ્સ બાદ ક્રિસ ગેલ આઉટ થઇ ગયો.
ત્યારબાદ જરૂરી રન રેટ સતત વધી રહ્યો હતો અને એક સમયે તે 12 સુધી પહોંચી ગયો હતો. જ્યારે ડેવિડ મિલર અને મયંક અગ્રવાલ ક્રીઝ પર હતા ત્યારે તેમણે રન રેટ વધારવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ તેમ છતાં સ્કોરબોર્ડનું પ્રેશર સતત તેમના પર રહ્યું અને છેવટે કિંગ્સ ઈલેવન પંજાબ પોતાના લક્ષ્યથી ઘણું દૂર રહી ગયું.
મેચનો ટર્નિંગ પોઈન્ટ તો એ જ રહ્યો હતો જ્યારે પંજાબનો કેપ્ટન અશ્વિન સર્કલમાં જરૂરી એવા ચાર ફિલ્ડરો છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું ભૂલી ગયો હતો અને આન્દ્રે રસલ આઉટ હોવા છતાં નો બોલને લીધે આગળ રમી શક્યો હતો અને મેચ કોલકાતાના પક્ષમાં નિર્ણાયક રીતે લઇ ગયો હતો. આમ ગઈ મેચમાં કરેલી હરકતને લીધે અશ્વિન માટે હાથના કર્યા હૈયે વાગ્યા જેવું થયું હતું.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 6 | કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. કિંગ્સ ઈલેવન પંજાબ
ઈડન ગાર્ડન્સ, કોલકાતા
ટોસ: કિંગ્સ ઈલેવન પંજાબ (બોલિંગ)
કોલકાતા નાઈટ રાઈડર્સ 218/4 (20) રન રેટ: 10.9
રોબિન ઉથપ્પા 67* (50)
નીતીશ રાણા 63 (34)
આન્દ્રે રસલ 48 (17)
હાર્ડ્સ વિલીયોન 1/36 (4)
એન્ડ્ર્યુ ટાય 1/37 (4)
કિંગ્સ ઈલેવન પંજાબ 190/4 (20) રન રેટ: 9.5
ડેવિડ મિલર 59* (40)
મયંક અગ્રવાલ 58 (34)
આન્દ્રે રસલ 2/21 (3.0)
પિયુષ ચાવલા 1/26 (3.0)
પરિણામ: કોલકાતા નાઈટ રાઈડર્સ 28 રને જીત્યા
મેન ઓફ ધ મેચ: આન્દ્રે રસલ (કોલકાતા નાઈટ રાઈડર્સ)
અમ્પાયરો: અનીલ કુમાર ચૌધરી અને વિનીત કુલકર્ણી | ક્રિસ ગેફની (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: વેન્ગાલી નારાયણ કુટ્ટી
પોઈન્ટ્સ ટેબલ
eછાપું