IPL 2019 | મેચ 10 | પૃથ્વી અને સુપર ઓવરનો સુપર્બ ‘SHAW’

0
249
Photo Courtesy: iplt20.com

એક ટ્વેંટી20 મેચમાં તમને શું જોઈએ? ઉંચો સ્કોર? બંને ટીમોની જબરદસ્ત ફટકાબાજી? એકાદા બોલરની સારી બોલિંગ? અને….? છેલ્લે એક સુપર ઓવર! આ બધું જ આ મેચમાં હાજર હતું.

Photo Courtesy: iplt20.com

જો શનિવારની પહેલી મેચ જે કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી તે વગર કોઈ આરોહ કે અવરોહે રમાઈ ગઈ હતી તો આ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની દિવસની બીજી મેચ ટ્વેંટી20 ક્રિકેટના તમામ જરૂરી મસાલાઓ ધરાવતી હતી.

ફિરોઝશાહ કોટલાની વિકેટ આપણે અગાઉની મેચમાં પણ જોયું તેમ ધીમી અને નીચી રહેતી હોય છે અને KKR આ સિઝનમાં પહેલીવાર ઈડન ગાર્ડન્સની બહાર જઈને રમી રહ્યા હતા તે તેમની બેટિંગ પરથી દેખાઈ આવ્યું હતું કારણકે તેમની ઘરની પીચ સારો બાઉન્સ અને પેસ ધરાવતી હતી જે અહીં ઉપલબ્ધ ન હતા. આ પીચ પર તાલ મેળવતા મેળવતા કોલકાતાએ માત્ર 61 રને પોતાની 5 વિકેટો ગુમાવી દીધી અને હજી તો 10 ઓવરો પણ પતી ન હતી.

ત્યારબાદ આ IPLનો અત્યારસુધીનો ખતરનાક બેટ્સમેન આન્દ્રે રસલ જે ‘Dre Russ’ ના ઉપનામથી પ્રખ્યાત થઇ ગયો છે તેણે અને કેપ્ટન કાર્તિકે બાજી સાંભળી હતી. રસલે પોતાની બેટિંગ સ્ટાઈલમાં જરાપણ ફેરફાર કર્યા વગર કેટલીક જબરદસ્ત સિક્સરો મારી હતી. તો કાર્તિકે તેનો બરોબર સાથ આપ્યો હતો. આ બંનેએ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આટલું બધું દબાણ હોવા છતાં ફક્ત 54 બોલમાં 95 રન જોડી દીધા હતા. આ પાર્ટનરશીપને લીધે જ KKR 185નો સંતોષકારક સ્કોર બનાવી શક્યું હતું.

દિલ્હી સામે લક્ષ્ય હવે કઠીન હતું કારણકે આ પીચ પર ચેઝ કરવો અને તેમાં પણ કુલદીપ યાદવ અને પિયુષ ચાવલા જેવા સ્પિનરો સામે હોય ત્યારે તે કઠીન હતું. જો કે પૃથ્વી શૉ જે અત્યારસુધી આ સિઝનમાં કોઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો તેણે પોતાની પાર્ટી એન્જોય કરવાની શરુ કરી હતી. ભારતના ક્રિકેટ માટે પૃથ્વી શૉ કેમ આશાનું કિરણ છે તે આજે તેની બેટીંગે પુરવાર કર્યું હતું. શૉ અને કેપ્ટન શ્રેયસ ઐયરે એક મજબૂત ભાગીદારી નોંધાવી હતી.

ઐયરના આઉટ થયા બાદ રિષભ પંત આમતો માત્ર 11 રન જ કરી શક્યો હતો પરંતુ તેણે પૃથ્વી શૉ સાથે 54 રનની ઝડપી ભાગીદારીમાં સાથ આપીને મહત્ત્વનો  હિસ્સો નોંધાવ્યો હતો. પૃથ્વી શૉ જ્યારે 99 રને હતો ત્યારે પોતાની સેન્ચુરીનો વિચાર કર્યા વગર ટીમની જીત માટે ઉંચો ફટકો મારવા જતા આઉટ થઇ ગયો હતો. DCને છેલ્લી ઓવરમાં જીત માટે 6 રન કરવાના હતા પરંતુ કુલદીપ યાદવની બોલિંગ સામે એ શક્ય ન બન્યું અને દિલ્હી માત્ર 5 રન બનાવી શકતા મેચ ટાઈ થઇ હતી!

પછી વારો આવ્યો સુપર ઓવરનો. સામાન્યતઃ સુપર ઓવરમાં 15 કે તેનાથી વધુ રન કોઇપણ ટીમને સુરક્ષિત બનાવી શકે છે પરંતુ દિલ્હી કેપિટલ્સ માત્ર 9 રન જ બનાવી શક્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સે આન્દ્રે રસલ અને દિનેશ કાર્તિકને બેટિંગ કરવા મોકલતા 10 રનનો ટાર્ગેટ ઓછો લાગી રહ્યો હતો.

એમાંય આન્દ્રે રસલે કાગીસો રબાડાના પહેલા જ બોલે ફોર મારતા DCનું ભવિષ્ય સીલ થઇ ગયું હોવાનો આભાસ થયો. રબાડાના પછીના બોલમાં એક પણ રન ન બન્યો અને ઓવરના ત્રીજા બોલે એક જોરદાર યોર્કર વડે તેણે રસલને ક્લીન બોલ્ડ કરી દીધો. ઓવરના બાકીના ત્રણેય બોલ પર સિંગલ લેવાતા KKR માત્ર 7 રન જ કરી શક્યું અને દિલ્હી કેપિટલ્સ એ મેચ જીતી ગયું જે તેઓ સુપર ઓવર રમ્યા વગર જ જીતી શક્યા હોત.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 10 | દિલ્હી કેપિટલ્સ વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ

ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ, દિલ્હી

ટોસ: દિલ્હી કેપિટલ્સ (બોલિંગ)

કોલકાતા નાઈટ રાઈડર્સ 185/8 (20) રન રેટ: 9.25

આન્દ્રે રસલ 62 (28)

દિનેશ કાર્તિક 50 (36)

હર્ષલ પટેલ 2/40 (4)

સંદીપ લમીછાને 1/29 (4)

દિલ્હી કેપિટલ્સ 185/5 (20) રન રેટ: 9.25

પૃથ્વી શૉ 99 (55)

શ્રેયસ ઐયર 43 (32)

કુલદીપ યાદવ 2/41 (4)

પિયુષ ચાવલા 1/36 (4)

સુપર ઓવર

દિલ્હી કેપિટલ્સ 10/1 | કોલકાતા નાઈટ રાઈડર્સ 7/1

પરિણામ: મેચ ટાઈ; દિલ્હી કેપિટલ્સ સુપર ઓવરમાં જીત્યા

મેન ઓફ ધ મેચ: પૃથ્વી શૉ (દિલ્હી કેપિટલ્સ)

અમ્પાયરો: અનિલ દાંડેકર અને નિતીન મેનન | મરે ઇરાસ્મસ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here