IPL 2019 | મેચ 11 | જોની બેરસ્ટો વિરુદ્ધ RCB 1 રને હાર્યું

0
318

IPL 2019ની 11મી મેચ સંપૂર્ણપણે એકતરફી રહી હતી જેમાં જોની બેરસ્ટો અને ડેવિડ વોર્નરની ધમાકેદાર બેટિંગ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી હતી.

એકતરફી મેચોની આપણે ત્યાં નવાઈ નથી, પરંતુ ઘણી મેચો એકતરફી હોવા છતાં હરનારી ટીમ થોડે અંશે તો લડત આપતી જ હોય છે. આજની આ મેચમાં સન રાઈઝર્સ હૈદરાબાદના બે ઓપનિંગ બેટ્સમેન જોની બેરસ્ટો અને ડેવિડ વોર્નર સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સમગ્ર ટીમ ઘૂંટણિયે પડી ગઈ હતી.

ગઈ મેચમાં લસિથ મલિંગાનો છેલ્લો બોલ જો નો બોલ આપવામાં આવ્યો હોત તો કદાચ RCBનો વિજય થયો હોત જે ન મળતા બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો તે હજી પણ તેના મનમાં રહી ગયો હોય એવું લાગ્યું. આ ઉપરાંત RCBની ટીમ પણ  હજી એ શક્ય જીત ન મળવાના આઘાતમાં જ હોય તેવું સમગ્ર મેચ દરમ્યાન લાગી રહ્યું હતું.

પહેલાતો વિરાટ કોહલી દ્વારા ટોસ જીતીને બેટિંગ માટે સ્વર્ગ જેવી પીચ પર SRHને બેટિંગ આપવા જેવો નિર્ણય કરવો એ કોઈને પણ સમજાય તેમ ન હતું. આ નિર્ણય એટલા માટે પ્રશ્નો ઉભા કરે છે કારણકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હજી સુધી એક પણ મેચ જીતી શક્યા નથી એવામાં વોર્નર, બેરસ્ટો, વિજય શંકર જેવા બેટ્સમેનો જે ટીમમાં હોય તેની સામે પહેલા બોલિંગ લેવી તે આત્મહત્યાથી વધુ કશું જ ન કહી શકાય.

બેરસ્ટો અને વોર્નરે પણ જાણેકે કોહલીનો આભાર માનતા હોય એ રીતે પહેલી ઓવરથી જ દસ રનથી વધુ પ્રતિ ઓવરનો રેટ ઉભો કરી દીધો હતો જે છેક સુધી જળવાઈ રહ્યો હતો. આજે બેરસ્ટો વોર્નર કરતા વધુ ખતરનાક અને ઝડપી રમી રહ્યો હતો, તેમ છતાં વોર્નરે પોતાની જડબાતોડ બેટિંગ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. જોની બેરસ્ટોએ પોતાની પ્રથમ IPL સેન્ચુરી બનાવી હતી જ્યારે તેના આઉટ થયા બાદ ડેવિડ વોર્નરે આ જ IPLની પહેલી સેન્ચુરી બનાવી હતી.

20 ઓવરમાં 232 રનનો ટાર્ગેટ અગાઉ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જરૂર સિદ્ધ થયો છે પરંતુ RCBની માનસિક હાલત જોતા તેમ અહીં થવું શક્ય નહોતું લાગી રહ્યું. એવામાં તેની એક પછી એક 5 વિકેટો જેમાં કેપ્ટન કોહલી ને ડી વિલીયર્સ પણ સામેલ  હતા, પડી ગઈ હતી અને ત્યારેજ તેની મેચ પૂરી થઇ ગઈ હતી. એવી નકારાત્મક ભાવના બિલકુલ ન હોવી જોઈએ કે આટલો મોટો સ્કોર ચેઝ નહીં થાય, પરંતુ IPLમાં નેટ રન રેટનું પણ ઘણું મહત્ત્વ હોય છે. આથી જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જરાક સમજદારી દેખાડી હોત અને જીતવા કરતા વધુને વધુ રન બનાવવાની કોશિશ કરી હોત તો તેને નેટ રન રેટમાં આટલું મોટું નુકશાન ન થાત.

 

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 11 | સન રાઈઝર્સ હૈદરાબાદ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલ (હૈદરાબાદ)

ટોસ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બોલિંગ)

સન રાઈઝર્સ હૈદરાબાદ 231/2 (20) રન રેટ 11.55

જોની બેરસ્ટો 114 (56)

ડેવિડ વોર્નર 100* (55)

બેરયુઝવેન્દ્ર ચાહલ 1/44 (4)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 113 ઓલ આઉટ (19.5) રન રેટ: 5.79

કોલિન ડી ગ્રેંડહોમ 37 (32)

મોહમ્મદ નબી 4/11 (4)

સંદીપ શર્મા 3/19 (3.5)

પરિણામ: સન રાઈઝર્સ હૈદરાબાદ 118 રને જીત્યા

મેન ઓફ ધ મેચ: જોની બેરસ્ટો (સન રાઈઝર્સ હૈદરાબાદ)

અમ્પાયરો: કે એન અનંતપદ્મનાભન અને એસ રવિ | સી શમ્સુદ્દીન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: ચિન્મય શર્મા

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here