IPL 2019 | મેચ 12 | ધોની અને તાહિરે CSK નો દિવસ સુધાર્યો

0
287

ચેન્નાઈમાં રમાયેલી ચેન્નાઈ સુપર કિગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચમાં બંને ટીમોના ટોપ ઓર્ડર નિષ્ફળ ગયા હોવા છતાં મેચ એકંદરે રસપ્રદ રહી હતી જેમાં ધોની અને તાહિરનો ફાળો મહત્ત્વનો હતો.

બહુ ઓછી મેચો જોવા મળે છે જેમાં બંને ટીમોનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો હોય તેમ છતાં મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરની મદદથી બંને મોટો સ્કોર ઉભો કરી શકે અથવાતો લક્ષ્યની નજીક પહોંચી જાય.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને બેટિંગ આપી ત્યારે બપોરની મેચનું ક્યાંક પુનરાવર્તન ન થાય એવો ડર લાગી રહ્યો હતો. પરંતુ ચેન્નાઈના ટોચના ચાર બેટ્સમેનોને તરત આઉટ કરવામાં રાજસ્થાન સફળ રહેતા આજે ચેપોક પર કોઈ નવાજૂની થશે તેવી આશા બંધાઈ હતી. પરંતુ CSK કેમ IPLમાં ચેમ્પિયન છે તેનો વધુ એક પુરાવો મળી ગયો હતો.

ટોચના બેટ્સમેનો નિષ્ફળ ગયા હોવા છતાં CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ મેચ પર ફરી પકડ મેળવવા માટે સંભાળીને રમવાનું શરુ કર્યું હતું અને ધીરે ધીરે ટેમ્પો જમાવ્યો હતો. રૈના વધુ ફાસ્ટ રન બનાવવાની લાલચમાં થોડો વહેલો આઉટ થઇ ગયો હોવાનું ધોનીના રિએક્શન પરથી લાગ્યું હતું. તેમ છતાં ધોનીએ પહેલા ડ્વેન બ્રાવો અને પછી રવિન્દ્ર જાડેજા સાથે ફાસ્ટ બેટિંગ ચાલુ રાખી હતી. ધોનીએ ઇનિંગની છેલ્લા ત્રણ બોલમાં ત્રણ સિક્સરો ફટકારીને મેચનો ટર્નિંગ પોઈન્ટ લાવી દીધો હતો.

RRની શરૂઆત પણ ચેન્નાઈ સુપર કિંગ્સથી સાવ અલગ ન રહી હતી. એક મોટા સ્કોરનો પીછો કરતા જો શરૂઆતમાં જ ત્રણ-ચાર વિકેટ પડી જાય તો રન ચેઝ અઘરો પડી જતો હોય છે. પરંતુ સ્ટિવ સ્મિથ અને રાહુલ ત્રિપાઠીએ અનુક્રમે રૈના અને ધોનીની જેમ સંરક્ષણ અને આક્રમણ મિશ્રિત બેટિંગ કરી હતી. સ્ટિવ સ્મિથના આઉટ થવા બાદ બેન સ્ટોક્સે આક્રમક બેટિંગ શરુ કરી હતી.

બેન સ્ટોક્સને છેવટે જોફ્રા આર્ચરની મદદ મળી હતી. આ બંનેએ કેટલીક મહત્ત્વની સિક્સરો લગાવી હતી, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની પહેલી ઇનિંગના છેલ્લા ત્રણ બોલની સિક્સરો રાજસ્થાન રોયલ્સને સતત નડતી રહી અને છેવટે તેઓ વિજયથી માત્ર 8 રન દૂર રહી ગયા. જ્યારે સ્મિથ સ્ટોક્સ અને આર્ચર સારું રમી રહ્યા હતા ત્યારે પણ રોયલ્સ વિજયથી સતત થોડા દૂર દેખાઈ રહ્યા હતા અને કોઈ ચમત્કાર જ તેમને બચાવી શકે એમ લાગતું હતું.

CSK તરફથી ઇમરાન તાહિરે ઉત્કૃષ્ટ બોલિંગ કરતા ચાર ઓવરમાં માત્ર 23 રન આપીને 2 વિકેટો લીધી હતી અને પોતે જેના માટે જાણીતો નથી એવો એક અઘરો કેચ પણ ડીપ થર્ડમેન પર પકડ્યો હતો.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 12 | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. રાજસ્થાન રોયલ્સ

એમ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ

ચેન્નાઈ સુપર કિંગ્સ 175/5 (20) રન રેટ: 8.75

મહેન્દ્ર સિંહ ધોની 75* (46)

સુરેશ રૈના 36 (32)

ડ્વેન બ્રાવો 27 (16)

જોફ્રા આર્ચર 2/17 (4)

રાજસ્થાન રોયલ્સ 167/8 (20) રન રેટ 8.35

બેન સ્ટોક્સ 46 (26)

રાહુલ ત્રિપાઠી 39 (24)

જોફ્રા આર્ચર 24 (11)

દીપક ચાહર 2/19 (4)

ઇમરાન તાહિર 2/23 (4)

પરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સ 8 રને જીત્યા

મેન ઓફ ધ મેચ: મહેન્દ્ર સિંહ ધોની (ચેન્નાઈ સુપર કિંગ્સ)

અમ્પાયરો: નંદન અને યશવંત બેરડે | બ્રુસ ઓક્સેનફર્ડ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈય્યર

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here