બેવડાં ધોરણો અપનાવતા સેલિબ્રિટીઝનો તેજોવધ વાયા સોશિયલ મિડિયા

0
394
Photo Courtesy: blog.juggernaut.in

સામાન્યતઃ મોટાભાગના સેલિબ્રિટીઝ અભિમાની હોય છે તેની તો ખબર છે જ, પરંતુ તેઓ ભારોભાર દંભી  અને બેવડા ધોરણો અપનાવતા હોવાનું સોશિયલ મિડીયાના અવતરણ બાદ લગાતાર સાબિત થઇ રહ્યું છે.

Photo Courtesy: blog.juggernaut.in

પાછલા લેખ અને આ લખાઈ રહ્યું છે એ વચ્ચે અમુક એવી ઘટનાઓ ઘટી ગઈ જે એક બીજા સાથે સીધી રીતે જોડાયેલી નથી. પણ એક અદ્રશ્ય તાર એ ઘટનાઓને પર્સનલી એકબીજા સાથે જોડે છે. એમની એક ઘટના એટલે રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનના પુસ્તક “The Third Pillar: How Markets and the State Leave the Community Behind નું લોન્ચ. અને બીજી ઘટના એટલે એપ્પલની નેટફ્લિક્સ જેવી વિડીયો સર્વિસનું એનાઉન્સમેન્ટ અને એ સર્વિસ (TV+) જેમાં બીજા સેલેબ્રિટીઝ ની સાથે જાણીતા ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગનું જોડાવવું. આ બંને સેલિબ્રિટીઝ રઘુરામ રાજન અને સ્ટીવન સ્પીલબર્ગ એના કામ માટે ઘણા લોકોમાં સન્માનનીય છે અને સેલિબ્રિટીઝની જેમ પૂજાય છે, આ ઘણા લોકોમાં હું પણ છું. પણ આ બંને ઘટનાએ એક રીતે આ બંનેના ડબલ સ્ટાન્ડર્ડ્સ ખુલ્લા પાડી દીધા. સોશિયલ મીડિયાના આ જમાનામાં જ્યાં સેલિબ્રિટીઝનો તેજોવધ એના ડબલ સ્ટાન્ડર્ડ્સ માટે થાય છે, એમાં આ બંને સેલિબ્રિટીઝ પણ જોડાઈ ગયા. આજે આપણે એવા કેટલાક ફેમસ સેલિબ્રિટીઝ વિષે જાણીશું જેના ડબલ સ્ટાન્ડર્ડ્સ ખુલ્લા પડ્યા હોય.

સ્ટીવન સ્પીલબર્ગ

સ્ટીવન સ્પીલબર્ગ દેશ વિદેશમાં જાણીતા ડિરેક્ટર છે. એમણે બનાવેલી કલ્પનાની દુનિયાઓ અને એમાં ભેળવેલો માનવતાનો સ્પર્શ એની ફિલ્મોને યાદગાર બનાવે છે. અને એટલેજ પચાસ વર્ષ અને અગણિત ફિલ્મો પછી પણ એમનો જાદુ બરકરાર છે. આજે ટ્વીટર પર મારી પ્રોફાઈલમાં મારા ફોટાને બદલે સ્ટીવન સ્પીલબર્ગનો ફોટો છે. અને એટલે ઓસ્કર્સ માં એ અત્યારે ડિરેક્ટર્સ બ્રાન્ચના ગવર્નરનો હોદ્દો સંભાળે છે.

પરંપરાગત હોલીવુડને નેટફ્લિક્સ અને એના સ્ટ્રીમિંગ મોડેલ સામે વાંધો છે. જેના વિષે eછાપું પર આ કોલમના પહેલા જ લેખમાં આપણે જાણી ચુક્યા છીએ. સ્ટીવન સ્પીલબર્ગ આ પરંપરાગત હોલીવુડના પ્રતિનિધિ છે, અને એનો નેટફ્લિક્સ સામેનો વાંધો આ ઓસ્કર્સ વખતે સામે આવ્યો જયારે નેટફ્લિક્સની ફિલ્મ રોમા દસ દસ નોમિનેશન લઇ ગઈ. કોઈ પણ ફિલ્મ સિનેમામાં રિલીઝ થયા વગર આટલા નોમિનેશન લઇ શકે એ વાત પર સ્પીલબર્ગ અને એ જેના પ્રતિનિધિ છે એવા હોલીવુડને વાંધો પડ્યો. અને એટલેજ સ્પીલબર્ગ “નેટફ્લિક્સ જેવી સર્વિસ માંથી કોઈ પણ ફિલ્મ ઓસ્કર્સ માં નોમિનેટ ન થઇ શકે” એવા મતલબનાં  આંદોલનને વેગ આપી રહ્યા છે.

પણ આજ સ્ટીવન સ્પીલબર્ગ જયારે નેટફ્લિક્સ સિવાયના કોઈ બીજા પ્લેટફોર્મ સાથે જોડાય ત્યારે એમના ઉપરના વિધાન અને આ આંદોલન પર શંકા જાય. ગયા અઠવાડિયે એપ્પલ દ્વારા થયેલા એક નાનકડા કાર્યક્રમમાં બીજા એનાઉન્સમેન્ટસ ની સાથે એપ્પલની સ્ટ્રીમિંગ સર્વિસ TV+ નું પણ એનાઉન્સમેન્ટ થયું અને એમાં જોડાયેલા સેલિબ્રિટી સર્જકો માના એક સ્ટીવન સ્પીલબર્ગ પણ હતા. TV+ એના ઓરીજીનલ કન્ટેન્ટ સાથે આ વર્ષના અંત સુધીમાં આવવાનું છે. સ્વાભાવિક છે કે આ સર્વિસ નેટફ્લિક્સ સહીત બીજા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની હરીફ હશે, ત્યારે પોતાના હોદ્દા અને વગનો ઉપયોગ કરી કોઈ કંપની સામે આંદોલન ચલાવવું અને એના હરીફ ની સાથે જોડાવવું એ આ આંદોલન કે આંદોલન પાછળના કારણની સત્યનિષ્ઠા પર શંકા ઉભી કરે છે. કદાચ સ્ટીવન સ્પીલબર્ગ નેટફ્લિક્સ સામે કોઈ આંદોલન ચલાવવાથી દૂર રહી શક્યા હોત, કે એપ્પલની સર્વિસમાં પાછળથી જોડાયા હોત તો એમના આ વર્તન પર શંકા ન જાત. પણ આ સર્વિસ સાથે જોડાઈ એમણે પોતે જ પોતાના ડબલ સ્ટાન્ડર્ડ્સ ખુલ્લા કરી દીધા છે.

રઘુરામ રાજન

રઘુરામ રાજનના લેટેસ્ટ પુસ્તક નું કવર Courtesy: iansphoto.in

રઘુરામ રાજન એક જાણીતા અર્થશાસ્ત્રી છે. એમણે 2005માં આવનારી મહામંદી વિષે આગાહી કરી ત્યારે બધાએ એની વાત નેગેટિવલી લીધી હતી. પણ જયારે ત્રણ વર્ષ પછી જયારે અમેરિકામાં ઇકોનોમિક ક્રાઈસીસ આવી ત્યારે રઘુરામ રાજનને બધા માન થી જોવા લાગ્યા હતા. અર્થશાસ્ત્ર માં એમના પ્રદાનને લીધે 2008માં તેઓની નિમણુંક વડાપ્રધાન મનમોહન સિંઘના આર્થિક સલાહકાર તરીકે અને 2013માં રિઝર્વ બેન્કના ચેરમેન તરીકે થઇ.

પણ તાજેતરમાં એવી બે ઘટનાઓ બની ગઈ જેમાં ઈકોનોમિસ્ટ રઘુરામ રાજનની પોલિટિકલ બાજુ છતી થઇ ગઈ. જયારે 2016માં રિઝર્વ બેન્કના ચેરમેન તરીકેની એમની મુદ્દતમાં વધારો કરવાને બદલે મોદી સરકારે ઊર્જિત પટેલને રિઝર્વ બેન્કના ચેરમેન તરીકે નીમ્યા ત્યારે મોદી સરકાર બુદ્ધિજીવી વિરોધી છે અને એને ઇકોનોમીની કઈ ખબર પડતી નથી એમ કહી ડાબેરીઓ અને કોંગ્રેસીઓ એ રાડારોળ મચાવી હતી. ત્યારે રઘુરામ રાજન કઈ બોલ્યા ન હતા.

પણ 2017માં GST વિશેના એક ભાષણમાં પોતાના સ્વભાવથી વિપરીત જઈને GST અને ડિમોનેટાઇઝેશનને એક સંપૂર્ણ નિષ્ફળતા બતાવી ત્યારે એની ઘણી ટીકાઓ થઇ હતી. ત્યારથી રઘુરામ રાજનના કોંગ્રેસ તરફી ઝુકાવની ચર્ચાઓ થવા લાગી હતી. તાજેતરમાં એમના લેટેસ્ટ પુસ્તક જેના કવર પેજની તસ્વીર ઉપર મૂકી છે એના લોન્ચ સમયે રઘુરામ રાજને એવું કહ્યું કે બહુમતી હિન્દુત્વ “લિબરલ” અને “સહિષ્ણુ” ભારત માટે ખતરો છે. હવે રાજન કે “બહુમતી” હિન્દુત્વ વિષે કહેતા હોય પણ તે ક્યા “લિબરલ” અને “સહિષ્ણુ” ભારત અને ક્યા ખતરાની વાત કરે છે એ આ આપણને બધાને ખબર છે. ઉપરાંત રાહુલ ગાંધીના શેખચલ્લી છાપ 72000 વાળા “ન્યાય” પ્લાન વિષે કોંગ્રેસને સલાહ રઘુરામ રાજને આપી હતી.

રઘુરામ રાજન અને મનમોહન સિંહ બંને પ્રામાણિત અને સેલિબ્રિટી અર્થશાસ્ત્રીઓ છે, તેમ છતાં એમની નજર તળે ભારતમાં એકથી એક ચડિયાતા કૌભાંડો થયા, જયારે એક ચાવાળા નરેન્દ્ર મોદીની લીડરશીપમાં સામાજિક અને આર્થિક રીતે હરણફાળ ભરી રહ્યું છે. કદાચ રઘુરામ રાજન હિન્દુત્વ વિષે આવા વિવાદિત વિધાનોથી દૂર રહ્યા હોત, અને કોંગ્રેસની સત્તાલાલસાથી દૂર રહી એમની મદદ કરવાનું ટાળી શક્યા હોત તો આજે આ લિસ્ટમાં એમનું નામ ન આવત, પણ ખેર એ પણ બીજા સેલિબ્રિટીઝનો તેજોવધ દૂર થી સહન નહિ કરી શક્યા અને પોતાના ડબલ સ્ટાન્ડર્ડ્સ પણ ખુલ્લા પાડી આ લિસ્ટમાં જોડાઈ ગયા.

લાગતું વળગતું: RSS પ્રમુખનું હિટ એન્ડ રન કરવા જતા લિબરલો અને સેક્યુલરો ભરાઈ પડ્યા

એલોન મસ્ક

એલોન મસ્ક ની વિવાદાસ્પદ ટ્વીટ જે એણે પાછળ થી ડીલીટ કરી નાખેલી.

જીનિયસ, બિલિયોનર, પ્લેબોય અને ફિલેન્ટ્રોફીસ્ટ, આ લક્ષણ ટોની સ્ટાર્કનાં છે અને આમાંના અમુક લક્ષણ એના રિયલ લાઈફ પ્રતિબિંબ એવા એલોન મસ્ક માં પણ જોવા મળે છે. એ માણસે સાબિત કર્યું છે કે તમે માત્ર તમારી અંદર રહેલા જીનિયસની મદદથી અબજોપતિ બની શકો છો, એના માટે તમારી પાસે કોઈ મોટું બિઝનેસ માઈન્ડ હોવાની જરૂર નથી. એલોન મસ્કના સાહસો જેમકે PayPal, SpaceX અને પહેલી સફળ બેટરી સંચાલિત કાર ટેસ્લા આજે વિજ્ઞાન જગતના આદર્શ અને સામાન્ય માણસો માટે એક સપનું છે. કાઠિયાવાડમાં એક શબ્દ છે “હતપતિયું” જે હાઇપરએક્ટિવ લોકો માટે વપરાય છે, એલોન મસ્ક નું મગજ આવુજ હતપતિયું છે. અને નવા નવા ગેમ ચેંજિંગ આઈડિયાઝ વિચારતું રહે છે.

પણ આ મગજમાં એકાદ ખૂણે થોડો કચરો પણ ભરેલો છે જે છેલ્લા દોઢ બે વર્ષમાં સામે આવ્યો છે. ખાસ કરીને ગયા વર્ષે જયારે થાઈલેન્ડની એક ફૂટબોલ ટીમના બાળકો એક ગુફામાં ફસાઈ ગયા હતા અને વરસાદ વધે એ પહેલા એમને ત્યાંથી સહીસલામત બહાર કાઢવા આખું વિશ્વ આતુર હતું. આ ઓપરેશન ચાલતું હતું ત્યારે એલોન મસ્કે ટ્વીટર પર પોતાના કર્મચારીઓને ટેસ્લા, SpaceX અને નવરચિત બોરિંગ કંપની ના અમુક ભાગ ભેગા કરીને એક સબમરીન બનાવવાનો આદેશ આપ્યો.

આ આદેશ આપ્યો એ પહેલા સાત-આઠ બાળકોને ઓલરેડી બચાવી લેવામાં આવ્યા હતા. અને આ આખી મહેનત બીજા ચાર પાંચ બાળકો માટે જ કરવાની હતી. અને આ બાળકોને બચાવનારી રેસ્ક્યુ ટીમના ઘણા સદસ્યોએ મસ્કની ડિઝાઇનને અવ્યવહારુ બતાવી અને આ આખી કસરતને મસ્ક અને ટેસ્લા માટેના પ્રચારની માથાકૂટ કહી. આમાં મસ્કનો મગજ ગયો અને એ બચાવ ટિમ માના એક સદસ્યને ટ્વીટર પર પિડોફાઇલ (નાના બાળકો પર સેક્સ્યુઅલી એટ્રેકટેડ થવાની વિકૃતિને પીડોફિલિયા કહે છે) કરાર કરી દીધો . આ ટ્વીટ પર ઘણો વિવાદ થયો હતો અને એલોન મસ્કને માફી મંગાવી પડી હતી. જે સદસ્ય પર આવો આક્ષેપ થયો હતો એણે અમેરિકા અને ઇંગ્લેન્ડ એમ બંને જગ્યાએ એલોન મસ્ક પર કેસ કર્યો છે અને આ ટ્વીટ પછી ટેસ્લાના શેર થોડા સમય માટે ગગડ્યા હતા.

ટેસ્લા આ વિવાદમાંથી બહાર આવે એ પહેલા એલોન મસ્કે એક ખોટો ટ્વીટ કર્યો હતો જેમાં ટેસ્લા ખરીદાઈ જવાની છે એવા એલોન મસ્કે સમાચાર આપ્યા હતા. આ ટ્વીટ અને એનો સમય વિવાદાસ્પદ હતો, કારણકે કોઈ પણ પબ્લિકલી ટ્રેડિંગ કંપની પોતાના મેજોરીટી શેરહોલ્ડર અને બોર્ડને વિશ્વાસમાં લીધા વગર આવું કઈ પબ્લિકલી ન કરી શકે. આ ટ્વીટ પછી ટેસ્લા અને U.S. Security & Exchange Commission વચ્ચે એક માથાકૂટની શરૂઆત થઇ ગઈ જે આજ સુધી ચાલે છે. આ ટ્વીટના લીધે એલોન મસ્કને ટેસ્લાના ચેરમેન પદ પરથી રાજીનામુ એવું પડ્યું અને કદાચ એ કોઈ પણ પબ્લિકલી ટ્રેડેડ કંપનીનો CEO નહિ બની શકે.

મસ્કના લીડરશિપમાં ચાલતી ટેસ્લા પણ ઘણા સમયથી વિવાદોમાં રહી છે. પબ્લિકલી એલોન મસ્કે ટેસ્લાની ગાડીઓની અને એની ટેક્નોલોજીની ડિલિવરી વિષે એની ક્ષમતાઓની બહારના વચનો આપેલા છે. સામે જયારે ડિલિવરીનો સમય આવે ત્યારે એની સેલિબ્રેટેડ ગિગાફેક્ટરીઓ ની ક્ષમતા કરતા ક્યાંય ઓછી ડિલિવરી કરી છે. કાગળ પર એલોન મસ્કની SpaceX સિવાય બધીજ કંપનીઓ દમદાર ખોટ ખાઈ રહી હોવાના સમાચાર છે.

જે સમયે આપણે એલોન મસ્કને હીરો બનાવતા હતા એ સમયે આપણા પાડોશમાંથી પણ એક હિરોઈન ઉભરી આવી હતી. પણ અત્યારે એ હિરોઇનનું અમુક વર્તન હીરો જેવું ઓછું લાગે છે. અને એ છે…

મલાલા યુસફઝાઈ

https://twitter.com/dianoeticpriest/status/1109751239229820928

2009 થી 2012 વચ્ચે, પિતા ઝિયાઉદ્દીન યુસફઝાઈ ના માર્ગદર્શન નીચે પાકિસ્તાની બાળાઓના શિક્ષણ માટે લડતી મલાલા યુસફઝાઈ બેશક એક હિરોઈન હતી. તાલિબાનોએ જયારે એને ગોળીએ દીધી ત્યારે બધાને એના વિષે ચિંતા થઇ, અને આ હુમલા માંથી જયારે એ હેમખેમ બહાર આવી ત્યારે બધાએ એક રાહતનો શ્વાસ લીધો.  મલાલા ના આ પ્રયત્નોના લીધે એને 2014માં જયારે એને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યું ત્યારે પાકિસ્તાન સહીત આખી દુનિયાને એની હિમ્મત ઉપર ગર્વ થયું. પાકિસ્તાનના ભયથી દૂર ઇંગ્લેન્ડમાં શાંતિથી શિક્ષણ લેતી મલાલા જ્યારથી સાજી થઇ ત્યારથી આખી દુનિયામાં ફરીને બાળાઓના શિક્ષણ અને એના મહત્વ વિષે લોકોને સમજાવતી રહે છે. અને મુસ્લિમ દેશોની મહિલાઓ શિક્ષણ માટે મલાલા પાસેથી પ્રેરણા લેતી રહે છે.

મલાલા એક મુસ્લિમ એક્ટિવિસ્ટ છે. અને એ આ બંને ઓળખ સાથે લઈને પોતાનું એક્ટિવિઝમ કરે છે. એક મુસ્લિમ હોવું, અને એક એક્ટિવિસ્ટ હોવું એ કશું જ ખોટું નથી. ઉલ્ટાનું આ એક રેર કોમ્બિનેશન છે અને જેમ મલાલાની સાથે થાય છે એમ આ કોમ્બિનેશન સેલિબ્રેટ થવુંજ જોઈએ. પણ મુસ્લિમ એક્ટિવિસ્ટ હોવાનો એ અર્થ સહેજેય નથી કે તમે બીજા બધા ધર્મો સાથે થઇ રહેલી સમસ્યાઓને ઇગ્નોર કરો. રોહીંગ્યા લોકો મુસ્લિમ છે એટલે એ મુસ્લિમ લોકો સાથે મલાલાને હમદર્દી હોઈ શકે. અને એ રોહિંગ્યાઓનાં દેશમાં રહેતી એક્ટિવિસ્ટ ઓન્ગ સાન સુ કી ને મલાલા આ મુદ્દા વિષે બોલવાની અપીલ કરે એમાં કઈ ખોટું નથી. પણ જયારે પોતાના જ પાકિસ્તાનમાં રહેતી અમુક મહિલાઓ જે મુસ્લિમ નથી પણ હિન્દૂ છે, એને લગતી સમસ્યાઓ વિષે પોતાનાજ દેશની સરકારને એક અપીલ કરવાની વાત આવે ત્યારે પોતે કઈ ન બોલવું એ તો એક ડબલ સ્ટાન્ડર્ડ છે જ, પણ આ અપીલ કરનાર યુઝરને બ્લોક કરી દેવું એ પોતાના હાથેજ પોતાનો તેજોવધ કરવા જેવું છે.

https://twitter.com/dianoeticpriest/status/1109752681109823488

મલાલા, એલોન મસ્ક, રઘુરામ રાજન કે સ્ટીવન સ્પીલબર્ગ આ માત્ર ચાર ઉદાહરણો છે. આવા બીજા ઘણાય પડ્યા છે જેના ડબલ સ્ટાન્ડર્ડ્સ એક્સપોઝ થયા છે અને એનો રથ જે જમીન થી બે વેંત ઉપર ચાલતો હતો એ આજે ચાર કિલોમીટર અંડરગ્રાઉન્ડ ચાલે છે. અને આ બધા વિષે એક વાત કોમન છે, આ બધાજ લેફટીસ્ટ (અથવા એન્ટી રાઈટ) આઈડિયાથી ભરપૂર છે. આ લેફટીસ્ટ (એટલેકે ડાબેરી વિચારધારા ધરાવતા લોકો) આજકાલ ભારતમાં બહુ ચગ્યા છે. અને એને સાંભળવા અને સહન કરવાનું ખાલી ભારતમાં જ બચ્યું છે. એ સિવાય બધેથી આ લોકોને પોલિટિકલી જાકારો જ મળ્યો છે. આવું કેમ, આની પાછળના કારણો આપણે તપાસીશું આવતા સોમવારે, ત્યાં સુધી

મે ધ શક્તિ બી વિથ યુ…

eછાપું 

તમને ગમશે: વ્યુહાત્મક અને આર્થિક મોરચે પાકિસ્તાનની હાલત અત્યંત પાતળી થઇ ગઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here