IPL 2019 | મેચ 14 | શ્રેયસ ગોપાલના ‘જોસ’ ને કારણે RRનું જનધન ખુલ્યું!

0
175
Photo Courtesy: iplt20.com

ગમે તેટલી કોશિશ કરે પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નસીબમાં વિજય જાણેકે લખ્યો જ ન હોય તે પ્રકારનું તેમનું પ્રદર્શન આ મેચમાં પણ જળવાઈ રહ્યું હતું. જો કે તેની પાછળ એક કારણ પણ જવાબદાર હતું.

Photo Courtesy: iplt20.com

વર્ષો અગાઉ આમીર ખાનની ફિલ્મ રંગીલામાં આમીર ખાન કહે છે કે ‘ઉસકા તો બેડ લક હી ખરાબ થા!’ આજે આ ડાયલોગ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને બરોબર લાગુ પડે છે. આટલી સારી ટીમ હોવા છતાં તે દરેક વર્ષે IPLમાં કેમ ઉત્તરોત્તર ખરાબ પ્રદર્શન કરતી આવે છે તેના કારણો પર અલગથી આર્ટીકલ લખી શકાય, પરંતુ આ મેચમાં એક સારો સ્કોર કરવા છતાં તેની હાર કેમ થઇ તેના કારણો સ્પષ્ટ હતા.

પહેલા બેટિંગ કરવા ઉતારવામાં આવેલી બેંગ્લોરની બેટિંગ ફરીથી એક કે બે ખેલાડીઓની આસપાસ જ આધાર રાખતી જોવા મળી હતી. આજે પહેલા પાર્થિવ પટેલ અને પછી માર્કસ સ્ટોઈનીસે RCBની લાજ બચાવી હતી. પાર્થિવ પટેલે આ મેચમાં કદાચ તેની શ્રેષ્ઠ IPL બેટિંગ દેખાડી હતી અને અન્ય કોઇપણ આક્રમક બેટ્સમેનની જેમ પાર્થિવે બેટિંગ કરી હતી.

પરંતુ તેના સિવાય કેપ્ટન કોહલી, ABDV, હેટમાયર વગેરે પીચ પર ઉભા રહીને બેટિંગ કરી શક્યા ન હતા. જો કે આમ થવા પાછળ રાજસ્થાન રોયલ્સના શ્રેયસ ગોપાલનો મોટો ફાળો હતો જેણે ઇનિંગની મધ્યમાં જ આ ત્રણેયને એક પછી એક આઉટ કરી દીધા હતા. 158 રનનો સ્કોર એ ટ્વેંટી20 ક્રિકેટ માટે મધ્યમ સ્કોર કહી શકાય. ન ખુબ વિશાળ કે ન તો સાવ સામાન્ય. આ સ્કોરથી ટીમ માત્ર લડત આપી શકે પણ તેને જીતવાની કોઈજ ગેરંટી નહીં!

પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું આગળ જણાવ્યા અનુસાર બેડ લક જ એટલું ખરાબ છે કે તે સરખી લડત પણ ન આપી શક્યું. RRની ઇનિંગની શરૂઆતથી જ જોસ બટલરે બેંગ્લોરના બોલર્સને ચારેકોર ફટકારવા શરુ કરી દીધા અને એમાં તે તમામનું રડ્યું ખડ્યું ‘જોસ’ પણ સાવ ઉતરી ગયું. રાજસ્થાનના કેપ્ટન અજીન્ક્ય રહાણે સહીત સ્ટિવ સ્મિથે બટલરને યોગ્ય સાથ આપ્યો અને બટલરના આઉટ થવા છતાં રાજસ્થાન રોયલ્સ સતત જરૂરી રન રેટને કન્ટ્રોલમાં રાખી શક્યા હતા. બાકી જરૂરિયાત RRની ગઈ મેચમાં પણ પ્રભાવશાળી બેટિંગ કરનાર રાહુલ ત્રિપાઠીએ પૂર્ણ કરી હતી.

રાજસ્થાન ભલે એક બોલ બાકી રહેતા મેચ જીત્યું હતું પરંતુ તેની બેટિંગ ક્યારેય તકલીફમાં જોવા મળી ન હતી. આ પાછળ RCBના ફિલ્ડરોએ મોટી સંખ્યામાં છોડેલા કેચ જવાબદાર હતા. વનડે મેચમાં પણ આટલા બધા કેચ જો છોડવામાં આવે તો મેચ હારી જવાતી હોય છે જ્યારે આ તો T20 મેચ હતી! પણ આમીર ખાને રંગીલામાં કહ્યું જ છે ને કે….

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 14 | રાજસ્થાન રોયલ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

સવાઈ માનસિંગ સ્ટેડિયમ, જયપુર

ટોસ: રાજસ્થાન રોયલ્સ (બોલિંગ)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 158/4 (20) રન રેટ: 7.9

પાર્થિવ પટેલ 67 (41)

માર્કસ સ્ટોઈનીસ 31* (28)

શ્રેયસ ગોપાલ 4/12 (4)

રાજસ્થાન રોયલ્સ 164/3 (19.5) રન રેટ: 8.45

જોસ બટલર 59 (43)

સ્ટિવ સ્મિથ 38 (31)

રાહુલ ત્રિપાઠી 34* (23)

યુઝવેન્દ્ર ચાહલ 2/17 (4)

મોહમ્મદ સિરાજ 1/25 (4)

પરિણામ: રાજસ્થાન રોયલ્સ 7 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: શ્રેયસ ગોપાલ (રાજસ્થાન રોયલ્સ)

અમ્પાયરો: મરાઈસ ઈરાસમ્સ અને અનિલ દાંડેકર | નીતિન મેનન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here