ઉનાળામાં દરેક વ્યક્તિ ઠંડક મેળવવા કોઈને કોઈ પ્રયાસ કરતો રહેતો હોય છે. જો આવામાં તમને ઠંડી છાશ પીવા મળે તો? અને એ પણ એક નવા અને સ્વાદિષ્ટ ટ્વિસ્ટ સાથે? ચાલો જાણીએ તેની રેસિપી.

છાશને પૃથ્વી પરનું અમૃત કહેવામાં આવ્યું છે અને કેમ ન હોય. ગરમીની સિઝન શરુ થતાની સાથેજ લોકોમાં છાશની ઉપયોગીતા અંગેની સમજ અને વપરાશ અચાનક જ વધી જતો હોય છે. છાશ એ ગરમીમાં રાહત તો આપે જ છે પરંતુ તે આપણા પાચનતંત્રનું પણ સુપેરે ધ્યાન રાખે છે. સૌરાષ્ટ્રમાં તો બારેમાસ જાણેકે છાશની નદીઓ જ વહેતી હોય છે એટલું તેનું મહત્ત્વ છે.
સૌરાષ્ટ્રમાં એવા અસંખ્ય કાઠીયાવાડી રેસ્ટોરન્ટ જોવા છે જેમાં પાણીની જગ્યાએ છાશ પીરસાતી હોય છે. અમુક પરિવારોમાં તો બંને સમયનું ભોજન છેલ્લે છાશ પીધા વગર અધૂરું કહેવાય છે. છાશ પેટમાં પધરાવતાની સાથેજ પેટને ઠંડકનો અનુભવ થતો હોય છે. છાશ પીવાથી પેટના તમામ રસ શાંત થાય છે અને છેવટે તેને લીધે પાચન સરળ બને છે.
આમ તો આપણા ગુજરાતમાં ઘેરઘેર છાશ બનાવવાનો રીવાજ છે જ, પરંતુ આજે આપણે છાશને આદુ અને લીંબુના ટ્વિસ્ટ સાથે એક નવો સ્વાદ કેમ આપી શકીએ તેની એક મજેદાર રેસિપી જાણીશું. અને હા આદુ અને લીંબુ પણ છાશ દ્વારા આપણા પેટને આપતી ઠંડકમાં વધારો જ કરે છે. તો ચાલો જાણીએ કાળઝાળ ગરમીમાં દરેક ગુજરાતીના ફેવરીટ પીણાં છાશને એક નવા સ્વાદ સાથે કેવી રીતે બનાવી શકાય.
લાગતું વળગતું: ક્વિક ભૂખનું ક્વિક સોલ્યુશન એટલે હલકો ફૂલકો માઇક્રોવેવ ચેવડો! |
આદુ લીંબુ છાશ (Ginger Lemon Buttermilk)
જરૂરી સામગ્રી
- 11/2 કપ જાડું ખાટું દહીં
- 3 કપ પાણી
- 1 ટેબલ સ્પૂન લીલું મરચું
- 1 ટેબલ સ્પૂન આદુનો રસ
- 4 આઈસ ક્યુબ્સ
- 2 પત્તાં મીઠા લીમડાના
- ½ ટી સ્પૂન તેલ
- ½ રાઈ
- ½ લાલ મરચું
- 2 ટી સ્પૂન લીંબુનો રસ
- ½ ટી સ્પૂન ચાટ મસાલા
- 2 ટી સ્પૂન કોથમીર
- મીઠું સ્વાદ અનુસાર
આદુ અને લીંબુવાળી છાશ બનાવવાની રીત
- એક મોટા બાઉલમાં ઉપર જણાવેલી માત્રામાં દહીં લો.
- દહીને બરોબર વલોવો અને તેમાં થોડા થોડા સમયે પાણી ઉમેરતા જાવ.
- જ્યારે આ મિશ્રણ તૈયાર થઇ જાય ત્યારે તેમાં મીઠા સાથે આદુ અને લીંબુનો રસ ઉમેરો.
- ત્યારબાદ એક પેનમાં થોડું તેલ લો અને તેને ધીમી આંચ પર રાખો.
- તેલ જ્યારે બરોબર ગરમ થાય ત્યારે તેમાં રાઈ, લાલ મરચું અને લીમડો નાખો અને રાઈને થોડો સમય તતડવા દો.
- હવે આ મિશ્રણને તમે બનાવેલી છાશમાં ઉમેરી દો.
- થોડા સમય બાદ તેમાં આઈસ ક્યુબ્સ નાખો અને તેના પર જરૂરિયાત મુજબ કોથમીર અને ચાટ મસાલો ભભરાવી દો.
તો તૈયાર છે તમારી આદુ અને લીંબુનો ટ્વિસ્ટ ધરાવતી છાશ જે તમને આ ઉનાળામાં ઠંડા ઠંડા કૂલ કૂલ રાખશે.
eછાપું
તમને ગમશે: પુલવામા – ભારતની કુટનીતિ શરુ; પાકિસ્તાનને એકલું પાડવામાં આવશે