IPL 2019 | મેચ 15 | ‘પંડ્યા પાવર’ અને CSKની પ્રથમ હાર

0
288
Photo Courtesy: iplt20.com

એક સમયે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સને 140-150 રનના સ્કોર સુધી પહોંચવામાં પણ ફાંફા પડી રહ્યા હતા ત્યારે હાર્દિક પંડ્યાએ પોતાના પાવરથી તેમને એક મોટા સ્કોર સુધી તો પહોંચાડ્યા જ પરંતુ જબરદસ્ત બોલિંગ પણ કરી દેખાડી.

Photo Courtesy: iplt20.com

ક્રિકેટની દરેક મેચના અંતે મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવે છે. સામાન્યતઃ આ એવોર્ડ એ ખેલાડીને અપાય છે જેણે આપબળે મેચનું પાસું પોતાની ટીમ તરફ પલટી નાખ્યું હોય. હાર્દિક પંડ્યાને આ મેચમાં મળેલો મેન ઓ ધ મેચ યથા યોગ્ય હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા પહેલા બેટિંગ કરવાના આમંત્રણનો ફાયદો પેસ અને બાઉન્સ ધરાવતી પીચ પર મુંબઈ ઇન્ડિયન્સ ન લઇ શક્યા. ક્વિન્ટન ડી કોક અને કેપ્ટન રોહિત શર્મા શરૂઆતની ધીમી બેટિંગના દબાણ હેઠળ આઉટ થઇ ગયા. યુવરાજ સિંગે પણ આવતાની સાથે જ પેવેલિયન તરફ ચાલતી પકડી. બીજી તરફ આ IPLનો અનસંગ હિરો સૂર્યકુમાર યાદવ કેટલાક મનલુભાવન શોટ્સ રમી રહ્યો હતો.

યાદવને ટેકો આપ્યો કૃણાલ પંડ્યાએ આ બંનેની ભાગીદારીએ જ મુંબઈના તૂટેલા ઘરને ફરીથી બાંધવાનું કામ કર્યું. યાદવ અને કૃણાલના આઉટ થયા બાદ છેલ્લી ઓવરોમાં મોરચો સંભાળ્યો કાયરન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાએ. આજના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાર્દિક પંડ્યાથી બહેતર કોઈ સ્ટ્રાઈકર નથી એ તેણે આ મેચમાં ફરીથી સાબિત કર્યું હતું. સામે છેડે પોલાર્ડે પણ બે સિક્સરો મારી હતી. પંડ્યા અને પોલાર્ડની જોડીએ છેલ્લી બે ઓવરોમાં 45 રન જોડ્યા હતા જેણે મુંબઈને 140-145ના સ્કોરને બદલે 170નો મજબૂત સ્કોર આપ્યો હતો.

વાનખેડેની પીચ બંને ઈનિંગમાં શરૂઆતમાં ફાસ્ટ બોલરોને મદદ કરતી હોય છે. અંબાતી રાયુડુ જે આ સિઝનમાં હજી સુધી સંઘર્ષ કરી રહ્યો છે તે જેસન બેહરેનડોર્ફના એક કાતિલ બોલ પર ડી કોક દ્વારા કેચ આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ ચેન્નાઈના બાકીના બેટ્સમેનો મુંબઈની ધારદાર બોલિંગ અને ફિલ્ડીંગ સામે સતત સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. કેટલેક અંશે સુરેશ રૈનાએ વળતો જવાબ આપવાની કોશિશ કરી પરંતુ કાયરન પોલાર્ડના એક અદભુત કેચે તેને ઘરભેગો કરી દીધો હતો

કેપ્ટન ધોની સહીત અને કેદાર જાધવ સિવાય CSKના તમામ બેટ્સમેન MIની બોલિંગ સામે નિષ્ફળ રહ્યા હતા. બોલિંગમાં ફરીથી હાર્દિક પંડ્યા ઝળક્યો હતો અને તેણે ત્રણ વિકેટ લીધી હતી. આમ આ મેચ સંપૂર્ણપણે હાર્દિક પંડ્યાની જ મેચ રહી હતી અને તેને યોગ્યરીતે જ મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 15 | મુંબઈ ઇન્ડિયન્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ

વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ

ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)

મુંબઈ ઇન્ડિયન્સ 170/5 (20) રન રેટ: 8.5

સૂર્યકુમાર યાદવ 59 (43)

કૃણાલ પંડ્યા 42 (32)

હાર્દિક પંડ્યા 25* (8)

દીપક ચાહર 1/21 (3)

રવિન્દ્ર જાડેજા  1/10 (2)

ચેન્નાઈ સુપર કિંગ્સ 133/8 (20) રન રેટ 6.65

કેદાર જાધવ 58 (54)

હાર્દિક પંડ્યા 3/20 (4)

લસિથ મલિંગા 3/34 (4)

જેસન બેહરેનડોર્ફ 2/22 (4)

પરિણામ: મુંબઈ ઇન્ડિયન્સ 37 રને જીત્યા

મેન ઓફ ધ મેચ: હાર્દિક પંડ્યા (મુંબઈ ઇન્ડિયન્સ)

અમ્પાયરો: બ્રુસ ઓક્સેનફર્ડ અને રોડ ટકર | યશવંત બેરડે (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈય્યર

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here