IPL 2019 | મેચ 16 | હૈદરાબાદની આસાન જીત જોની બેરસ્ટોને આભારી

0
251
Photo Courtesy: iplt20.com

સ્કોરકાર્ડ જોઈએ તો સન રાઈઝર્સ ભલે એક આસાન વિજય મેળવી ગયા હોય પરંતુ જો જોની બેરસ્ટોની ઇનિંગનો આભાર ન માનીએ તો તેમના માટે આ જીત એટલી આસાન ન રહી હોત.

Photo Courtesy: iplt20.com

આ એક એવી મેચ રહી હતી જેનું સ્કોરકાર્ડ જુઓ તો લાગે કે તે એકદમ સન રાઈઝર્સ હૈદરાબાદ તરફી રહી હતી. પરંતુ જો આ મેચનું વિશ્લેષણ કરવામાં આવે તો લાગે કે હૈદરાબાદ ભલે એકતરફી લાગતી આ મેચ જીત્યું પરંતુ તેણે આ પ્રકારની જીત મેળવવા બદલ જોની બેરસ્ટોનો આભાર માનવો જોઈએ.

સમગ્ર IPLમાં ફિરોઝશાહ કોટલાની પીચ ધમાકેદાર બેટિંગને બિલકુલ લાયક નથી. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ સિવાય એક પણ મેચમાં બેટ્સમેનોને તેણે મદદ નથી કરી. આવી પીચ ટ્વેંટી20 ફોરમેટ માટે કેટલી લાયક ગણાય તે તો IPLના કર્તાહર્તાઓ જ સમજી શકે. આવી ધીમી અને નીચી રહેતી પીચ પર ખુદ ઘરની ટીમ એટલેકે દિલ્હીને રન બનાવવામાં ખૂબ તકલીફ થઇ હતી.

એક માત્ર શ્રેયસ ઐયર સિવાય DCનો કોઇપણ બેટ્સમેન ધીમી અને નીચી પીચ સાથે તાલ મેળવવામાં સફળ રહ્યો ન હતો. છેલ્લી ઓવરમાં અક્ષર પટેલ જો 16 રન ન લઇ શક્યો હોત તો દિલ્હી કેપિટલ્સ આનાથી પણ નીચો સ્કોર કરી શક્યા હોત.

120 બોલમાં 130 રન કોઈ અન્ય પીચ પર સરળ લાગે પરંતુ આ પીચ પર શરૂઆતમાં જ્યારે બોલ નવો હોય ત્યારે બને તેટલા રન મેળવી લેવામાં જ કલ્યાણ હોય છે. જોની બેરસ્ટો આ હકીકતને બરોબર જાણતો હતો અને આથીજ તેણે તાબડતોડ શક્ય હોય તેટલા રન બનાવવાના શરુ કરી દીધા. બેરસ્ટોની બેટિંગ એવી લાગી રહી હતી કે જાણેકે તે અન્ય ખેલાડીઓને આપેલી પીચ કરતા કોઈ બીજી પીચ પર બેટિંગ કરી રહ્યો છે.

બીજી તરફ ડેવિડ વોર્નરને ખાસ બેટિંગ મળી રહી ન હતી અને બેરસ્ટોના આઉટ થયા બાદ તેને આવી પીચ પર મળેલી ઓછી સ્ટ્રાઈકને લીધે તે તરત આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ મિડલ ઓર્ડર બેટ્સમેનોની આવનજાવન ચાલુ થઇ ગઈ હતી. છેવટે મોહમ્મદ નબીએ જરૂરી રન બનાવી લેતા SRH આ મેચ જીતી ગયું હતું. સ્કોરકાર્ડ પર આસાન દેખાતી જીત માટે ખરેખરતો સન રાઈઝર્સ હૈદરાબાદે જોની બેરસ્ટોનો આભાર માનવો જોઈએ જેની શરૂઆતની બેટિંગને લીધે બાકીની ઇનિંગમાં બેટ્સમેનો તરત આઉટ થઇ ગયા હોવા છતાં તેઓ જીતી ગયા.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 16 | દિલ્હી કેપિટલ્સ વિ. સન રાઈઝર્સ હૈદરાબાદ

ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ, દિલ્હી

ટોસ: સન રાઈઝર્સ હૈદરાબાદ (બોલિંગ)

દિલ્હી કેપિટલ્સ 129/8 (20) રન રેટ: 6.45

શ્રેયસ ઐયર 43 (41)

અક્ષર પટેલ 23* (13)

મોહમ્મદ નબી 2/21 (2)

ભુવનેશ્વર કુમાર 2/27 (4)

દિલ્હી કેપિટલ્સ 131/5 (18.3) રન રેટ: 7.15

જોની બેરસ્ટો 48 (28)

મોહમ્મદ નબી 17 (9)

અક્ષર પટેલ 1/18

રાહુલ તેવટીયા 1/10 (3)

પરિણામ: સન રાઈઝર્સ હૈદરાબાદ 5 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: જોની બેરસ્ટો (સન રાઈઝર્સ હૈદરાબાદ)

અમ્પાયરો: કે એન અનંત પદ્મનાભન અને સી શમ્સુદ્દીન | એસ રવિ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: ચિન્મય શર્મા

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here