જે મેદાન પર 200 રનનું લક્ષ્ય પણ સુરક્ષિત નથી એવો સામી દિવાલે લખેલો ઈતિહાસ હોય ત્યારે બોલિંગ ટીમની બોલિંગ ચુસ્ત હોવી જોઈએ, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરોએ આ બાબતે નિરાશ કર્યા.

બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ટ્વેંટી20 મેચમાં 200 રનનો સ્કોર પણ સુરક્ષિત નથી ગણાતો અહીં આ મેચ રમાઈ તે અગાઉ 13માંથી 12 વખત 200 કે તેનાથી વધુનો ટાર્ગેટ હાંસલ કરી લેવાયો છે.
આજની મેચ ગૃહ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે લગભગ કરો યા મરો જેવી પરિસ્થિતિ લઈને આવી હતી અને RCBના બેટ્સમેનોએ જે રીતે બેટિંગની શરૂઆત કરી તે જોઇને લાગતું જ હતું કે આજે તેઓ એક વિશાળ સ્કોર ઉભો કરવાનું નક્કી કરીને આવ્યા છે. પાર્થિવ પટેલ જે આજકાલ સારા ફોર્મમાં છે તેણે અને કેપ્ટન કોહલીએ ટીમને મજબૂત અને ફાસ્ટ શરુઆત આપી.
પાર્થિવના આઉટ થયા બાદ એ બી ડી વિલીયર્સ અને વિરાટ કોહલીએ રનગતિને વધુ તેજ બનાવી. આ બંનેએ ભેગા મળીને માત્ર 64 બોલમાં 108 રનની પાર્ટનરશીપ ઉભી કરી દીધી. આ ભાગીદારી દરમ્યાન ક્રિકેટ રસિયાઓને કેટલાક અદ્ભુત ક્રિકેટિંગ શોટ્સ જોવા મળ્યા. જો કે ત્યારબાદ બંને બેટ્સમેન તરત જ આઉટ થઇ ગયા પરંતુ છેલ્લી ત્રણ ઓવરોમાં માર્કસ સ્ટોઈનીસે ફટાફટ 28 રન બનાવીને એ સુનિશ્ચિત કરી દીધું કે બેંગ્લોર એટલીસ્ટ 200 રનની પાર તો જાય જ.
ભલે આ મેદાન પર 200 રનનું લક્ષ્ય અસંખ્યવાર ચેઝ થઇ ગયું હોવાનો ઈતિહાસ હોય તેમ છતાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પડકાર તો અઘરો ન જ હતો. સુનિલ નારાયણના જલ્દીથી આઉટ થઇ ગયા બાદ ક્રિસ લીન અને રોબિન ઉથપ્પાએ જરૂરી એવા 10 રન પ્રતિ ઓવરની ગતી સાથે છેક 10મી ઓવર સુધી તાલ મિલાવી રાખ્યો હતો. ઉથપ્પા અને લીનના આઉટ થયા બાદ નિતીશ રાણાએ કોલકાતાને લક્ષ્યના માર્ગ પર આગળ ધપાવવાનું ચાલુ તો રાખ્યું પરંતુ તેના અને કેપ્ટન દિનેશ કાર્તિકના આઉટ થઇ ગયા બાદ KKR લક્ષ્યથી દૂર રહી જાય એવું લાગી રહ્યું હતું.
આવી પરિસ્થિતિમાંથી ટીમને કોઈ જીતાડી શકે તેવો એક માત્ર બેટ્સમેન હોય તો તે હતો આન્દ્રે રસલ ઉર્ફે Dre Russ! અને રસલે પોતાના વીર રસનો ભરપૂર પરચો દેખાડ્યો અને માત્ર 13 બોલમાં 48 રન ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને 5 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરાવી લીધું. રસલની ઈનિંગમાં કુલ 7 સિક્સરો પણ સામેલ હતી.
તો સામે પક્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરોની બોલિંગ પણ અતિશય નબળી રહી હતી. ટિમ સાઉધી અને માર્કસ સ્ટોઈનીસે લગાતાર લેન્થ બોલ નાખે રાખ્યા હતા જેનો ભરપૂર લાભ આન્દ્રે રસલે ઈચ્છા મુજબ સિક્સરો મારવામાં લીધો હતો.
આન્દ્રે રસલ આ ટુર્નામેન્ટમાં તમામ બોલરો માટે ખતરો બનીને ઉભર્યો છે. પરંતુ દરેક ટીમના બોલરોએ દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડાના સુપર ઓવરના એ યોર્કરને યાદ રાખવો જોઈએ જેમાં તેણે Dre Russને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 17 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર
ટોસ: કોલકાતા નાઈટ રાઈડર્સ (બોલિંગ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 205/3 (20) રન રેટ: 10.25
વિરાટ કોહલી 84 (49)
એ બી ડી વિલીયર્સ 63 (32)
સુનિલ નારાયણ 1/30 (4)
કુલદીપ યાદવ 1/31 (4)
કોલકાતા નાઈટ રાઈડર્સ 206/5 (19.1) રન રેટ 10.78
આન્દ્રે રસલ 48* (13)
ક્રિસ લીન 43 (31)
પવન નેગી 2/21 (3.1)
નવદીપ સૈની 2/34 (4)
પરિણામ: કોલકાતા નાઈટ રાઈડર્સ 5 વિકેટે જીત્યા
મેન ઓફ ધ મેચ: આન્દ્રે રસલ (કોલકાતા નાઈટ રાઈડર્સ)
અમ્પાયરો: ક્રિસ ગેફની અને અનિલ કુમાર ચૌધરી | નંદન (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી
પોઈન્ટ્સ ટેબલ
eછાપું