આ મેચ એક રીતે એકતરફી હતી પરંતુ ખરેખર જોવા જઈએ તો કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો સરખો પીછો શરુ જ નહોતો કર્યો.

આ મેચનું સ્કોરકાર્ડ જોતા એવું લાગે કે ચેન્નાઈ સુપર કિંગ્સને એક આસાન વિજય મળ્યો છે. જો તમને આમ લાગે તો આ અર્ધસત્ય છે કારણકે કિંગ્સ ઈલેવન પંજાબ જેણે બીજી બેટિંગ કરી હતી તેનો રનચેઝ ક્યારેય શરુ જ નહોતો થયો.
ચેન્નાઈએ આજે આખરે તેના હુકમના પત્તા જેવા ફાફ દુ પ્લેસીને ટીમમાં સ્થાન આપ્યું હતું અને ડ્વેન બ્રાવો ઈજાગ્રસ્ત હોવાને લીધે ન્યુઝીલેન્ડના સ્કોટ કુગલાયને ડેબ્યુ કર્યું હતું. દુ પ્લેસીએ પોતાની પસંદગીને વ્યાજબી ઠેરવી હતી અને પોતાની ઓરિજિનલ બેટિંગ સ્ટાઈલ આજે દેખાડી હતી જેને લીધે ચેન્નાઈના CSK ચાહકોને મજા પડી ગઈ હતી.
સામે છેડે બે વિકેટો જરૂર પડી હતી. દુ પ્લેસીના શોટ્સ મારવા છતાં તેના આઉટ થવા સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ કોઈ મોટા સ્કોર સુધી પહોંચી શકે તેવું લાગતું ન હતું. કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોની અને અંબાતી રાયુડુએ બાદમાં સ્થિતિ સંભાળી લીધી હતી અને આ બંનેએ છેલ્લા 38 બોલમાં 60 રન ઝૂડી નાખ્યા હતા.
તેમ છતાં 160નો સ્કોર પંજાબ માટે એટલો અઘરો ન હતો. પરંતુ શરૂઆતમાં જ ક્રિસ ગેલ અને મયંક અગરવાલની વિકેટો પડી જતા કે એલ રાહુલ અને સરફરાઝને પહેલા તો ઇનિંગ રિપેર કરવી પડી હતી અને જ્યારે ફટકાઓ મારવાનો ટાઈમ આવ્યો ત્યારે પહેલા રાહુલ અને બાદમાં સરફરાઝ આઉટ થઇ ગયા હતા. આમ શરૂઆતથી જ જરૂરી રન રેટની પાછળ રહેલા KXIP એ તેનો રનચેઝ શરુ જ ન કર્યો અને છેવટે ચેન્નાઈ સુપર કિંગ્સને એક આસાન વિજયની ભેટ ધરી દીધી હતી.
ઘણી બધી રીતે જોવા જઈએ તો આ મેચ એક અલગ પ્રકારની જ મેચ હતી જેમાં વિજયી ટીમને જીત મેળવવામાં કોઈ ખાસ તકલીફ પડી ન હતી. જાણેકે તેઓ કોઈ બગીચામાં વોક કરવા આવ્યા, વોક કરી અને વોક પૂરી થતા ઘરે શાંતિથી પરત થઇ ગયા.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 18 | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. કિંગ્સ ઈલેવન પંજાબ
એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ
ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બેટિંગ)
ચેન્નાઈ સુપર કિંગ્સ 160/3 (20) રન રેટ: 8.0
ફાફ દુ પ્લેસી 54 (38)
મહેન્દ્ર સિંગ ધોની 37* (23)
અંબાતી રાયુડુ 21* (15)
રવિચંદ્રન અશ્વિન 3/23
કિંગ્સ ઈલેવન પંજાબ 138/5 (20) રન રેટ: 6.9
લોકેશ રાહુલ 55 (47)
સરફરાઝ ખાન 67 (59)
હરભજન સિંગ 2/17 (4)
સ્કોટ કુગલાયન 2/37 (4)
પરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સ 22 રને જીત્યા
મેન ઓફ ધ મેચ: હરભજન સિંગ (ચેન્નાઈ સુપર કિંગ્સ)
અમ્પાયરો: કે એન અનંત પદ્મનાભન અને રોડ ટકર | સી શમ્સુદ્દીન
મેચ રેફરી: ચિન્મય શર્મા
પોઈન્ટ્સ ટેબલ
eછાપું