લિમિટેડ ઓવરોના ફોરમેટમાં ઘણીવાર ઓછો ટાર્ગેટ ચેઝ કરનારી ટીમને જ નુકશાન પહોંચાડી જતો હોય છે. મોટેભાગે આવી મેચો આશ્ચર્ય પમાડતા પરિણામો આપતી હોય છે અને આ મેચ તેનાથી બિલકુલ અલગ ન હતી.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટરોની બહોળી હાજરી કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે. ગઈકાલે બે વેસ્ટ ઇન્ડિયનોએ જ મુંબઈને રીતસર હારની જેલમાંથી ભગાડવામાં મદદ કરી હતી.
હૈદ્રાબાદની પીચે અત્યારસુધીમાં બેટિંગ ટીમોને જ મજા કરાવી છે આથી MI કોઇપણ ટાર્ગેટ આપશે તેને ચેઝ કરી શકાશે એવી ગણતરી સાથે સન રાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સને પહેલી બેટિંગ આપી હતી. મુંબઈની શરૂઆત ઠીકઠાક રહી હતી પરંતુ કેપ્ટન રોહિત શર્મા કોઈ ખાસ બેટિંગ કરી નહોતો રહ્યો અને તે તરત આઉટ થયો હતો. ત્યારબાદ ક્વિન્ટન ડી કોકે કેટલાક શોટ્સ માર્યા અને તે પણ આઉટ થઇ ગયો.
અહીંથી મેચે ટર્ન લેવાનો શરુ કર્યો. હૈદરાબાદની આજની પીચ બેટ્સમેનોને બિલકુલ મદદ કરનારી ન હતી કારણકે બોલ બેટ પર રોકાઈને આવી રહ્યો હતો. આવા સંજોગોમાં મહત્ત્વની વિકેટો પડ્યા બાદ MIના બેટ્સમેનોએ પહેલા 120-130નું લક્ષ્ય નક્કી કરીને રમવાની કોશિશ કરવા જેવી હતી. પરંતુ તેને સ્થાને હાર્દિક પંડ્યા સહીત તમામ બેટ્સમેનોએ ઉતાવળ કરીને મોટો સ્કોર બનાવવાની કોશિશ કરી અને એક કે બાદ એક તમામ સસ્તામાં આઉટ થતા ગયા.
છેવટે કાયરન પોલાર્ડ જે મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો અંતર્ગત ભાગ છે તેણે છેલ્લી ઓવરોમાં એકલે હાથે ફટકાબાજી કરી અને ટીમને 136ના સ્કોર પર પહોચાડી. આ સ્કોર બિલકુલ સુરક્ષિત ન હતો, પરંતુ 100-110 ઓલ આઉટ કરતા માનસિક રાહત આપતો સ્કોર તો હતો જ.
SRH આટલા નાના સ્કોરને ચેઝ ન કરે તો જ નવાઈ કારણકે જોની બેરસ્ટો અને ડેવિડ વોર્નર બંને ખતરનાક ફોર્મમાં છે. આ બંનેને વળી શરૂઆત પણ એવી જ કરી અને માત્ર ચાર ઓવરની અંદર અંદર ટીમના સ્કોરને 32 સુધી પહોંચાડી દીધો. અહીં બેરસ્ટોને રાહુલ ચાહરે આઉટ કરી દીધો અને ત્યારબાદ શરુ થયો સન રાઈઝર્સ હૈદરાબાદનો ડગ આઉટ તરફ જવાનો ઉતાવળિયો વરઘોડો.
હૈદરાબાદના તમામ બેટ્સમેનો એવી પીચ પર જ્યાં સંભાળીને શોટ્સ રમવાની જરૂર હતી એવી પીચ પર માત્ર 15 ઓવરોમાં જ 137 રન બનાવી નાખવાનું દબાણ હોય એ રીતે હવામાં ‘શ્રીમંત શોટ્સ’ લગાવી લગાવીને આઉટ થઇ ગયા હતા. SRHને એક બીજી વાત એ નડી કે અત્યારસુધી તેનો મિડલ ઓર્ડર કોઇપણ પ્રકારની પરીક્ષામાંથી પસાર નહોતો થયો કારણકે મોટાભાગનું કામ ટોપ ઓર્ડર પતાવી દેતો હતો. પરંતુ મનિષ પાંડે, યુસુફ પઠાણ અને દિપક હૂડા જેવા પ્રોફેશનલ્સ અને આ ફોરમેટના અનુભવી ખેલાડીઓ જ્યારે બેજવાબદાર બેટિંગ કરે ત્યારે બીજા કોને દોષ આપવો?
આ બધામાં આ મેચમાં IPLનો 11 વર્ષ જૂનો એક વિક્રમ તૂટી ગયો હતો. સર્વપ્રથમ IPLમાં જયપુરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમતા રાજસ્થાન રોયલ્સના સોહેલ તન્વીરે, જે પાકિસ્તાની બોલર છે, તેણે ચેન્નાઈની 14 રનમાં 6 વિકેટો લીધી હતી. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝના અલઝારી જોસેફે સન રાઈઝર્સ હૈદરાબાદની 6 વિકેટો માત્ર 12 રન આપીને લીધી હતી. અલઝારી જોસેફ આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યુ કરી રહ્યો હતો અને સહુથી મોટી વાત તો એ હતી કે તે લસિથ મલિંગાને સ્થાને રમી રહ્યો હતો તે હકીકત ઘણું મહત્ત્વ ધરાવે છે.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 19 | સન રાઈઝર્સ હૈદરાબાદ વિ. મુંબઈ ઇન્ડિયન્સ
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલ (હૈદરાબાદ)
ટોસ: સન રાઈઝર્સ હૈદરાબાદ (બોલિંગ)
મુંબઈ ઇન્ડિયન્સ 136/7 (20) રન રેટ: 6.8
કાયરન પોલાર્ડ 46* (26)
ક્વિન્ટન ડી કોક 19 (18)
સિદ્ધાર્થ કૌલ 2/34 (4)
મોહમ્મદ નબી 1/13 (4)
સન રાઈઝર્સ હૈદરાબાદ 96 ઓલ આઉટ (17.4) રન રેટ: 5.51
દિપક હૂડા 20 (24)
જોની બેરસ્ટો 16 (10)
અલઝારી જોસેફ 6/12 (3.4)
રાહુલ ચાહર 2/21 (4)
પરિણામ: મુંબઈ ઇન્ડિયન્સ 40 રને જીત્યા
મેન ઓફ ધ મેચ: અલઝારી જોસેફ (મુંબઈ ઇન્ડિયન્સ)
અમ્પાયરો: નિતીન મેનન અને અનિલ દાંડેકર | મરાઈસ ઇરેસ્મસ (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: જવાગલ શ્રીનાથ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું