મોદી સામે મુદ્દાઓ નથી એટલે વામણા લોકો NOTA NOTA કરી ને બ્રહ્માંડ ગજવે છે!
હવાની દિશા સ્પષ્ટ છે, ગતિ તેજ છે: તમે પારખી ન શકો તો તમારા કરમ

એક જંગલમાં એક ભારે લુચ્ચું અને લોંઠકું શિયાળ રહેતું હતું. એની પાસે કંઈ સિંહ-વાઘ જેવી તાકાત ન હતી. તેથી ભોજન પણ વધ્યું-ઘટ્યું જ મળતું. સિંહ, વાઘ અને દીપડાં જેવા પ્રાણી શિકાર કરે, એ ભરપેટ ખાય પછી જે છોડી ને જતા રહે તેમાંથી શિયાળ પોતાનો નિભાવ કરે. એક વખત એને વિચાર આવ્યો કે શહેરમાં જવું જોઈએ! ત્યાં બકરી, ઘેટાં વગેરે જેવા પશુઓનો તો એ આસાનીથી મારી ને ખાઈ શકશે. જેવું એ શહેરમાં પહોંચ્યું કે, લોકો તેને લાકડી લઈ મારવા દોડ્યા. શિયાળ ઉભી પૂંછડીએ નાસ્યું. આમતેમ ભાગતું જંગલ તરફ દોટ મૂકી રહ્યું હતું ત્યાં રસ્તા પરની એક દીવાલનું કલરકામ ચાલતું હતું. શિયાળ એક વાદળી રંગ ભરેલાં ડબ્બા સાથે ભટકાયું અને બધો જ રંગ તેનાં પર ઢોળાઈ ગયો. કલરથી લથપથ શિયાળે વધુ જોરથી દોટ મૂકી અને સડસડાટ એ જંગલમાં પહોંચી ગયું. ત્યાં એક ઝાડ નીચે થાકથી સૂઈ ગયું. જ્યારે આંખ ખુલી તો અનેક પ્રાણીઓ સામે ઊભા હતા. વાદળી રંગનું જનાવર અગાઉ ક્યારેય તેમણે ભાળ્યું ન હતું. મોટા ભાગના તો ડરેલાં હતા. બધાએ પૂછ્યું કે, આપ કોણ છો? શિયાળે એકદમ કડક અવાજે કહ્યું કે, “મને ભગવાને મોકલ્યો છે, હું તમારો રાજા છું… રોજ મારા માટે અલગઅલગ પ્રાણીએ ભોજન લાવવું પડશે, નહિતર હું બધાને મારી નાંખીશ!” બધાએ ભૂરાં શિયાળનો હુકમ માથે ચડાવ્યો. શિયાળને રોજરોજ જલસો. મહિનાઓ વીતી ગયા. એક દિવસ ધોધમાર વરસાદ વરસ્યો. જંગલના બધાં શિયાળ વરસાદમાં ન્હાતા ન્હાતા જોરજોરથી ભસવા માંડ્યા. ભૂરો શિયાળ પણ ભાન ભૂલ્યો અને ગુફામાંથી નીકળી ભસવા માંડ્યો, વરસાદના પાણીથી ધીમેધીમે તેનો રંગ ઉતરી ગયો અને પછી તો બધાં જ તેને ઓળખી ગયા. વનરાજ સિંહને તો એવો ગુસ્સો હતો કે તેણે પેલાને અધમૂઓ કરી નાંખ્યો, બાકીના પ્રાણીઓ પણ ટપલીદાવ રમ્યા અને શિયાળને જંગલમાંથી ભગાડી દીધું!
બોધ: ગમ્મે તેવું આવરણ ઓઢી લો, મહોરું પહેરી લો… સમય આવ્યે અસલિયત છતી થાય જ. મૂળ સંસ્કાર ક્યારેય બદલાતાં નથી.
▪▪▪▪▪▪▪
આ વાર્તા યાદ આવવાનું કારણ: 2019ની લોકસભા ચૂંટણી. અગાઉ કયારેય, કોઈ જ ચૂંટણીમાં નિહાળ્યા ન હોય એવા ખેલ આ વખતે જોવા મળે છે. 600 કલાકારોએ નરેન્દ્ર મોદીને મત ન આપવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, “મોદીકાળમાં કળા, નૃત્ય અને સાહિત્યનું ગળું દબાવવામાં આવે છે!” ઉદાહરણ સાથે સમજાવશો? ના. અખલાક અને ગૌમાંસ સિવાય કોઈ જ ઉદાહરણ તેમની પાસે નથી. એ એક્ઝામ્પલ પણ જુઠ્ઠું અને અતિશયોક્તિથી લથપથ છે. રાઈટ વિંગની સરકાર હોય કે કોંગ્રેસ જેવી લેફ્ટ વિંગની, આવી ઘટનાઓ બનવાની જ. કાર્યકરોમાં ઉન્માદ હોય જ. કોંગ્રેસની સરકાર હોય તો હુલ્લડો, હત્યાકાંડો, બૉમ્બ બ્લાસ્ટ, કાશ્મીરી પંડિતોની હકાલપટ્ટી, ત્રાસવાદી હુમલાઓ થાય. મોદીની હોય તો ગૌભક્તો સંયમ ચૂકે. તફાવત આટલો જ છે. બેઉ સરકારોના રાજમાં થયેલી અપ્રિય ઘટનાઓમાંથી જો તમને અખલાક અને ગૌભક્તોની ઘટનાઓ વધુ તીવ્ર અને શરમજનક લાગતી હોય તો એ તમારો સાયકોલોજીકલ અને જિનેટિક પ્રોબ્લેમ છે. પુલવામા હત્યાકાંડ સમયે તમને ડર ન લાગે પણ અખલાકને વેંતરી નંખાય ત્યારે ધ્રુજી ઉઠો તો તમારા ભૂકંપમાપક યંત્રમાં ખોટકો છે. ભારતમાં કુંભકર્ણ કરતા પણ વધુ ઊંઘણશી એવા દેવે ગૌડા, સાવ નિષ્ફળ એવા આઈ. કે. ગુજરાલ અને બિલકુલ નાક વગરના તથા મહાભ્રષ્ટ એવા મનમોહન સિંહ જેવા લોકો વડાપ્રધાનની ખુરશીને અભડાવી ચૂક્યા છે. ક્યારેય કોઈ બૌદ્ધિકે આવા કલંકને હરાવવા અપીલ નથી કરી. મોદી માટે થઈ રહી છે. લાગે છે, આ માણસ ખરેખર જબરદસ્ત કામ કરી રહ્યો છે. એક જમણેરી સામે છસ્સો ડાબેરીઓની સેનાએ ભેગું થવું પડે એ જોઈ ને જ આંખમાં હર્ષાશ્રુ આવી જાય.
કોંગ્રેસીઓ તો આ ચૂંટણીમાં ક્યાંય ચિત્રમાં જ નથી. રાહુલ ગાંધી જેવા નખશીખ બેવકૂફ અને જુઠાબોલા માણસનાં નેતૃત્વમાં એમનો સંઘ ક્યારેય કાશી ન પહોંચે, એવું અંદરખાને તેઓ સ્વીકારે જ છે. જીજાજી વાડ્રાની છાપ પણ નડે છે, પુલવામા પછી લીધેલું દેશવિરોધી સ્ટેન્ડ ઘાતક સાબિત થયું છે અને બાકી હતું તે તેમનાં હિન્દુવિરોધી, સૈન્યવિરોધી, રાષ્ટ્રવિરોધી ઢંઢેરાએ પૂરું કર્યું. કોંગ્રેસ અત્યારે બચાવની સ્થિતિમાં પણ નથી રહી, આક્રમણની વાત તો દુરની છે. પણ, કોંગ્રેસની B-ટીમ, C-ટીમનો ત્રાસ ભયંકર છે. આપણે જાણીએ છીએ કે, કોંગ્રેસ હંમેશાથી નક્સલવાદ, વ્હાઇટ કોલર માઓઈસ્ટ, શહેરી નક્સલવાદી, સળંગડાહ્યા બૌદ્ધિક બદમાશો, ઇસ્લામિક આતંક વગેરેની પોષક રહી છે. આમાંથી કેટલાકની તો એ જનેતા છે, બાકીની પાલક માતા. આ બધાંને જબરું શૂળ ઉપડ્યું છે. ગરાસ લૂંટાઈ રહ્યો છે એમનો.
સોશિયલ મીડિયા પર હું જોઈ રહ્યો છું: મોદીની તરફેણમાં કોઈ જરા અમસ્તું લખે કે, શિયાળનો ભૂરો રંગ ઉતરી જાય છે અને એ જોરજોરથી ભસવા લાગે છે. આમ તો આ બધા મહોરાં પહેરી ને ફરતાં લોકો છે. જાહેરમાં દેશની ચિંતા કરે, સમાજમાં પડેલી તિરાડોની ફિકર કરે, અર્થતંત્રની સૂફીયાના વાતો કરે… પણ, અંતે મોદી વિરોધ પર આવી જાય. ડાબેરીઓ ઉપરાંત પાસિયાઓ પણ આ જ પ્રજાતિમાં સામેલ થાય છે. આમ તો પાસિયાઓ હવે ઘોરાડ અને ઘોરખોદિયા અને ગીધ જેવી નષ્ટપ્રાય પ્રજાતિ ગણાય છે. પણ, જ્યારે એ સમાજમાં દેખાય ત્યારે લખ્ખણ ઝળકાવ્યા વગર રહી શકતા નથી. તેમનો ભૂરો રંગ ઉતરતા ક્ષણ પણ લાગતી નથી.
લાગતું વળગતું: લેનિન સ્ટેચ્યુના ધ્વંસ થવાથી ઘણા છુપા ડાબેરીઓ દરમાંથી બહાર નીકળ્યા |
ભૂરાં શિયાળવાનું નવું હથિયાર આ વખતે NOTA છે. એમને ખ્યાલ છે કે, પરફોર્મન્સ બાબતે મોદીને પડકાર ફેંકી શકાય તેમ નથી. મોદીની એકસો અસરકારક યોજનાઓ ગણાવતો મેસેજ વાઇરલ છે, એ લેખને ચેલેન્જ કરવાની એકેય ભૂરા શિયાળની મગદૂર નથી. તેમનું પ્રથમ અને અંતિમ હથિયાર છે: 15 લાખ. અને આ હથિયારમાં બિલકુલ ધાર નથી, સાવ જ બુઠું છે. વિરોધ પક્ષનો કોઈ નેતા એવો નથી જેને મોદી સામે પ્રોજેકટ કરી શકાય. પણ વિકાર તો ઠાલવવો જ રહ્યો, ઝેર તો ઓકવાનું જ છે. કારણ કે, એ વિકૃતિ જ તેમની પ્રકૃતિ છે. એટલે ‘NOTA NOTA’ કરી ને ગામ ગજવવા પ્રયાસ કર્યે રાખે.
હું જોઉં છું કે, મારા જેવા લોકોને તટસ્થ બનવા અને મોદીને ગાળો આપતી બ્રિગેડમાં જોડાઈ જવા સલાહ આપતા કલમખોર લોકો પણ પોતે ભયંકર હદે પૂર્વગ્રહથી પીડાય છે. મારા મતે તટસ્થતા શું છે તે હું અનેક વખત સ્પષ્ટ કરી ચૂક્યો છું. ફરી એક વખત કરી દઉં: રાહુલ ગાંધી મૂર્ખ છે તો તેને મારે મૂર્ખ જ કહેવા જોઈએ. હું એમ ન કહી શકું કે, તેઓ થોડાં બુદ્ધિશાળી અને થોડાં ઘનચક્કર છે. તેઓ સર્ટિફાઇડ ચક્રમ છે. બેલેન્સ કરવા હું એમ પણ ન જ કહું કે, મોદીમાં પણ ઓછી છે. કારણ કે, ઓછી નથી જ. આવું સંતુલન એ વાસ્તવમાં ભ્રષ્ટાચાર છે. હાર્દિક પટેલ લુખ્ખો જ છે. તેના માટે સારો શબ્દ પ્રયોજવાની જરૂર નથી. નથી જ. કેટલાક કોંગ્રેસી પત્રકારોએ, ડાબેરી પત્રકારોએ ઉઘાડપગાને વધુ પડતું માઇલેજ આપી દીધું. આજે પણ અમુક ફાલતુ ગુજરાતી ન્યૂઝ ચેનલોના તંત્રીઓ તેની બાઈટ મેળવવાને સિદ્ધિ માને છે, રાત-દિવસ તેનું પ્રમોશન કરે છે. આ એ જ લોકો છે, જે NOTA પણ પ્રમોટ કરે છે. પણ, હું એક રાજનીતિના વિદ્યાર્થી તરીકે સ્પષ્ટ કહી શકું કે, પવનની દિશા એક જ તરફ છે અને તેની ગતિ તેજ છે.
વાસ્તવિકતા એ છે કે, ડાબેરીઓ અને રાષ્ટ્ર વિરોધી લોકોના સતત ઊંબાડિયાને કારણે, તેના પ્રતિભાવરૂપે રાષ્ટ્રવાદનું વાવાઝોડું આવ્યું છે. એક સિમ્પલ ઉદાહરણ આપું: લોન્ચિંગના માત્ર બે અઠવાડિયામાં રિપબ્લિક હિન્દી કેવી રીતે દેશની બીજા નંબરની ન્યુઝ ચેનલ બની ગઈ? શા માટે ઇન્ડિયા ટીવી, ઝી ન્યૂઝ અને આજ તક ટોપ-ફાઈવમાં છે? શા માટે ndtv કોઈ ભોજીયો ભાઈ પણ પસંદ કરતો નથી? આનાં કારણો શોધવા જવાની જરૂર નથી. ડાબેરીઓના એક્શનનું આ રિએક્શન છે. એક લાખ ભૂરા શિયાળ એકઠા થઇ ને પણ એક ડણક નાંખી શકે નહીં. મારી વાત સાચી ન લાગતી હોય તો થોભો અને રાહ જુઓ. ઝાઝી વાર નથી.
eછાપું
તમને ગમશે: પાકિસ્તાની પત્રકાર હામિદ મીર દલાઈ લામાને આતંકવાદી માને છે!