IPL 2019 | મેચ 21 | લીનનું નસીબ અને બેલ્સનું ‘નારાયણ નારાયણ’

0
217
Photo Courtesy: iplt20.com

ઘણીવાર વિજય સરળતાથી મળી જતો હોય છે, જો કે આવા વિજયમાં ક્યારેય નસીબ પણ પોતાનું કામ કરતું હોય છે. કોલકાતા નાઈટ રાઈડર્સના આ વિજયમાં નસીબે ભલે મોટો ભાગ ન ભજવ્યો હોય પણ તેની હાજરી જરૂર દેખાઈ હતી.

Photo Courtesy: iplt20.com

ક્રિકેટ એ કૌશલ્ય ઉપરાંત નસીબની રમત પણ છે. આ મેચમાં કોલકાતા નાઇટ રાઈડર્સે આરામથી વિજય મેળવ્યો હતો પરંતુ તેમાં તેના બેટ્સમેન ક્રિસ લીનને એક અજીબ જીવનદાન પણ મળ્યું હતું.

જયપુરના સવાઈ માનસિંગ સ્ટેડિયમની પીચ કાયમ બેટ્સમેનોને મદદ કરતી આવી છે એવામાં પોતાના બેટ્સમેનો પર ભરોસો કરીને કોલકાતાએ ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને પહેલા બેટિંગ કરવાનું કહ્યું હતું. કેપ્ટન અજીન્ક્ય રહાણેનું બિનસાતત્યપૂર્ણ ફોર્મ ચાલુ રહ્યું હતું અને તે તરત જ આઉટ થઇ ગયો હતો. જોસ બટલર અને સ્ટિવ સ્મિથ KKRની ટાઈટ બોલિંગ સામે શોટ્સ મારવા છતાં રન રેટને ઝડપથી આગળ વધારવામાં નિષ્ફળ રહ્યા હતા. દસ ઓવરની રમત થઇ તેમ છતાં રાજસ્થાનની રન રેટ 6 કરતાં નીચી જ રહી હતી.

RRની સમગ્ર ઇનિંગ દરમ્યાન આ જ પ્રકારે ‘ટેમ્પો’ જળવાઈ રહ્યો હતો. વીસ ઓવર પૂરી થતા માત્ર ત્રણ વિકેટો ગુમાવ્યા છતાં રાજસ્થાન રોયલ્સ માત્ર 139 રન બનાવી શક્યા એ બતાવે છે કે ટીમ કોઈ ખાસ પ્લાનિંગ વગર મેદાનમાં ઉતરી હતી. જો કે આમ થવા માટે હેરી ગર્ની તેમજ કોલકાતા નાઈટ રાઈડર્સની સચોટ બોલિંગ પણ એટલીજ જવાબદાર હતી.

140નું ટાર્ગેટ બેટિંગ પીચ પર તો કોઈકાળે સુરક્ષિત ન કહેવાય અને એમાં પણ કોલકાતાના આક્રમક બેટ્સમેનોની લાઈનઅપ સામે આ સ્કોરનું રક્ષણ કરવું લગભગ અશક્ય જ હોય છે. ઘણા વખતે આ મેચમાં વળી સુનિલ નારાયણ પણ ઝળક્યો હતો અને તેણે પોતાની ઓરીજીનલ સ્ટાઈલમાં સ્લોગીંગ શરુ કર્યું હતું. સામે ક્રિસ લીન પણ પોતાની આક્રમક શૈલી દેખાડી રહ્યો હતો. આવામાં એક ઘટના બની હતી જેણે ક્રિસ લીનને અનોખી રીતે જીવનદાન આપ્યું હતું.

ધવલ કુલકર્ણીનો એક અંદર આવતો બોલ લીન ચૂકી ગયો હતો અને બોલ સીધો જ લેગ સ્ટમ્પમાં અથડાયો હતો. લીને બે ડગલાં ડગ આઉટ તરફ ભર્યા પણ ખરા પણ ત્યાંજ એને ખબર પડી કે બેલ્સતો પોતાના સ્થાન પર અકબંધ છે! રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલે લેગ સ્ટમ્પ પર મોટો પ્રહાર કર્યો હતો પરંતુ તેમ છતાં બેલ્સ જરાક ઉંચી થઈને પોતાના યોગ્ય સ્થાને ફરીથી ગોઠવાઈ ગઈ હતી. હવે આવા નસીબનો લાભ ક્રિસ લીન જેવો બેટ્સમેન ન લે તો જ નવાઈ.

પછી તો લીન અને નારાયણે પોતપોતાની આક્રમકતા વધારી અને બાકી રહ્યું તે રોબિન ઉથપ્પાએ પૂરું કર્યું અને KKR આ મેચ 37 બોલ પહેલા જ જીતી ગયું હતું.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019| મેચ 21 | રાજસ્થાન રોયલ્સ વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ

સવાઈ માનસિંગ સ્ટેડિયમ, જયપુર

ટોસ: કોલકાતા નાઈટ રાઈડર્સ (બોલિંગ)

રાજસ્થાન રોયલ્સ 139/3 (20) રન રેટ: 6.95

સ્ટિવ સ્મિથ 73* (59)

જોસ બટલર 37 (34)

હેરી ગર્ની 2/25 (4)

પ્રસિદ્ધ ક્રિશ્ના 1/35 (4)

કોલકાતા નાઈટ રાઈડર્સ 140/2 (13.5) રન રેટ: 10.60

ક્રિસ લીન 50 (32)

સુનિલ નારાયણ 47 (25)

રોબિન ઉથપ્પા 26* (16)

શ્રેયસ ગોપાલ 2/35 (4)

પરિણામ: કોલકાતા નાઈટ રાઈડર્સ 8 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: હેરી ગર્ની (કોલકાતા નાઈટ રાઈડર્સ)

અમ્પાયરો: અનિલ કુમાર ચૌધરી અને ક્રિસ ગેફની | બ્રુસ ઓક્સેનફર્ડ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here