માર્મિક મેગેઝિન દ્વારા મરાઠીઓનું ધ્યાન આકર્ષિત કર્યા બાદ બાલાસાહેબ ઠાકરેને શિવસેના સ્થાપવાનો વિચાર કેવી રીતે આવ્યો અને શિવસેના નામ કોણે આપ્યું તેની રસપ્રદ વાત.

વાચકમિત્રો, આપણે ગયા મંગળવારે વાંચ્યું તેમ મહારાષ્ટ્રની ચિંતાઓ, ડર અને શંકાનું ઠાકરેએ કરેલું ચિત્રણ, માર્મિકના લેખો અને કાર્ટૂન દ્વારા તેમના વિરોધ એ બધું કાલ્પનિક રચનાઓ કે રાજકીય જૂઠાણાં નહોતાં. એ તો નક્કર સત્યો હતા.
જો કે આ ચિંતાઓને વેગ આપવો એ ભાવનાત્મક વાત છે પણ ખરા અર્થમાં બિન-મરાઠી પ્રજાનો એક તરફી એટીટ્યુડ અને કેટલીક ટેવોને કારણે મરાઠી લોકોની આર્થિક સ્થિતિ ખતરામાં હતી. માત્ર રોજગારમાં જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ થતાં અન્યાયને લઈને ઠાકરેએ ચાર આંખ કરી હતી.
21 ડિસેમ્બર 1997ના રોજ ‘ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માં પત્રકાર કુમાર કેતકરે એક લેખ લખેલો જેનું શિર્ષક હતું: The Endangering Tiger. કેતકરે એ લેખમાં એ વખતના મરાઠી વિચાર પ્રસ્તુત કર્યા હતાઃ
“1960 નું દશક મરાઠી માણૂસ માટે ઈમોશનલ હતું. ઉદાર, વૈશ્વિક અને આધુનિક નેતાઓ કે શિક્ષિતો પોતાના ભાષણોમાં મરાઠી લોકોને વિશાળ ભારતીય દ્રષ્ટિકોણ પર સારી રીતે માન આપતાં પણ તેમના રાજ્યોની ભાષાકીય અને સાંસ્કૃતિક પદ્ધતિઓમાં મામૂલી સાથ પણ ન આપતા. આ ઢોંગી જનતાને કારણે મરાઠી મુંબઇકરોને ગુસ્સે કર્યા, જે ફાઈનલી બાળાસાહેબ ઠાકરેના અભિગમ તરફ આકર્ષાયા.”
છગન ભુજબળે પણ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ દ્વારા શરૂ થયેલ પહેલને મુંબઇમાં મરાઠીઓને વંચિત રાખતા તાનાશાહી જેવા વર્તનને ઠાકરે માટે એક તક છે – એમ જણાવ્યું. એક ઝડપી વિકાસશીલ શહેરમાં વધી રહેલી તકોમાં પણ મરાઠીઓને છેટા રાખવામાં આવે છે, યે બાત કુછ હઝમ નહીં હુઈ!
ભૂતપૂર્વ ઈન્કમટેક્સ કમિશનર-કટારલેખક અને વિવેચક ઈકબાલ મસૂદ પણ એવું લખે છે, ‘શિવસેના ભૂમિ માટેની લાગણીની અભિવ્યક્તિ છે, ખાસ કરીને નીચલા-મધ્યમ વર્ગના મહારાષ્ટ્રીયન લોકોમાં, જે મુંબઈમાં મોટા પ્રમાણમાં અસ્તિત્વમાં હતી. ઠાકરેએ સ્થાનિક, પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાઓની શક્તિની અનુભૂતિ કરી, અને આંદોલન ગરમાયું.’ (25 સપ્ટેમ્બર 1996ના ‘આઉટલૂક’માં છપાયેલા What after Thackeray માંથી)
વી.એસ.નાયપૌલ તેમના પુસ્તક India: A Million Mutinies Now માં શિવસેનાના નેતા દિવાકર રૌતેનું ક્વોટ લખીને કહે છેઃ માર્મિકે એ સમયમાં યુવાનોના મન પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. દર સપ્તાહે માર્મિકમાં મુંબઇ અને મહારાષ્ટ્રમાં મરાઠીઓ પર થતાં અન્યાય વિશે વાત કરવામાં આવતી. અને હું બાળ ઠાકરે અને તેમના પિતાના ભાવનાત્મક વ્યક્તિત્વને કારણે ખૂબ જ આકર્ષિત થયો હતો. મેં એક વાર બાળ ઠાકરેને મળવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 |
અત્યાર સુધીમાં તો ઠાકરેએ મરાઠીઓની નોકરી માટેનું એક સંપૂર્ણ અભિયાન શરૂ કરી દીધું હતું અને માર્મિકની જાહેરાતના જવાબમાં, સેંકડો યુવાનો પોતાના બાયોડેટા લઈને નોકરીની અરજી કરવા ઠાકરેના નિવાસસ્થાનની બહાર કતારમાં ઊભા રહેતાં. પ્રબોધનકાર ઠાકરેએ એક દિવસ બાળાસાહેબને કહ્યું: “તમે આવું કેટલાક દિવસ ચાલુ રાખશો? લોકો આવે છે, પાછા જાય છે અને ફરી પાછા આવે છે. આ સામૂહિક અવાજને એક સંગઠનમાં જ ઢાળી દો તો કેવું?”
બાળ ઠાકરેએ પિતાની આ વાતને સરંજામ આપવાના વિચારને ગંભીરતાથી લીધો અને યા હોમ કરીને એક સંગઠન બનાવવાની તૈયારી શરૂ કરી. ઠાકરે કહે છેઃ એક દિવસ, જ્યારે હું અને દાદા (પ્રબોધનકાર) આરામ કરી રહ્યાં હતાં, ત્યારે તેણે મને પૂછ્યું કે સંગઠન માટે કોઈ નામ વિચાર્યું છે કે નહીં? જ્યારે મેં ના કહ્યું ત્યારે તેમણે પોતે જ નામ આપ્યું: શિવસેના. શિવાજીની સેના!
મે 1966 માં, માર્મિકમાં એક ‘યુવા સંગઠન’ વિશે ઘોષણા કરવામાં આવી જેનું નિર્માણ થવા જઈ રહ્યું હતું. તેને ‘શિવસેના’ નામ આપવાનું હતું. 19 જૂન 1966 ના રોજ શ્રીફળ વધેરીને શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ઠાકરે જણાવે છે: જૂજ લોકો એ સમયે હાજર હતા. અમે કોઈ પંડિતની સલાહ લીધી ન હતી, કે કોઈ ફિલ્મસ્ટારને પણ આમંત્રિત કર્યા નહોતા. કોઈને ગમે કે ન ગમે, એ વાતની અમને ચિંતા નહોતી. વહેલી સવારે 9.30 વાગ્યે, અમારા પરિવારના એક મિત્ર નાઈક પાડોશની એક કરિયાણાની દુકાનમાંથી નાળિયેર લાવ્યા અને તેને તોડીને શ્રીગણેશ કર્યાં. એ વખતે ‘છત્રપતિ શિવાજી મહારાજ કી ….જય’ બોલાવીને અમે શિવસેનાની શરૂઆત કરી.
શિવસેનાના નેતા દિવાકર રૌતે આ સમારંભની યાદ આપતા કહે છેઃ
હું ત્યાં રહેલા 18 લોકોમાંનો એક હતો. 18 માંથી ચાર બાળ ઠાકરેના પોતાના ઘરમાંથી હતા: બાળાસાહેબ પોતે, તેમના પિતા અને તેમના બે ભાઈઓ. પ્રથમ મિટીંગ લગભગ અડધા કલાક સુધી ચાલી અને તે ઠાકરેના નાના ઘરના મુખ્ય ઓરડામાં થઈ. પ્રબોધનકાર ઠાકરે દ્વારા આપવામાં આવેલું નામ ‘શિવસેના’ અમને કુદરતી અને સાચું લાગતું હતું. અને અમે બધાએ આ ભૂમિપુત્રો સાથેના અન્યાય સામે લડવા માટે તે મિટીંગમાં વચન આપ્યું.
***
હવે એક મહત્ત્વની વાત હતી કે શિવસેનાના સભ્ય કોણ બની શકે?
શિવસેનાની સ્થાપનાના એક મહિના બાદ, 19 જુલાઈ 1966ના માર્મિકના અંકમાં શિવસેનામાં જોડાવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે નિર્દેશાત્મક સિદ્ધાંતો મૂકવામાં આવ્યા. શિવસૈનિક બનવાની ઇચ્છા ધરાવતી કોઈપણ વ્યક્તિએ નીચે મુજબના નિયમોનું પાલન કરવું રહ્યું:
- મરાઠી લોકોએ એકબીજાને મદદ કરવી અને જોવું કે મરાઠી માણૂસ સમૃદ્ધિનો માર્ગ લે.
- મહારાષ્ટ્રીયન લોકોએ પોતાની સંપત્તિ બહારની વ્યક્તિઓને વેચવી નહીં, અને જો કોઈ સ્થાનિક એવું કરે તો તરત જ નજીકની શિવસેના શાખાને તાત્કાલિક જાણ કરવી.
- જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મરાઠી દુકાનદારોએ માત્ર મરાઠી હોલસેલ વેપારીઓ માટે જ માલની ખરીદી કરવી. અને મરાઠી ગ્રાહકો સાથે સુવ્યવહાર કરવો.
- એવા મહારાષ્ટ્રીયન, જેમની પોતાની કંપનીઓ અને ફેક્ટરીઓ છે, તેઓએ માત્ર મરાઠી લોકોને જ કામ પર રાખવા.
- યુવાન મરાઠી બોલતા છોકરાઓએ અંગ્રેજી ભાષામાં બોલવાની અને લખવાની કુશળતા વિકસાવવી. અંગ્રેજી ટાઇપિંગ પણ શીખવું.
- આળસ મરડીને મરાઠી લોકોએ પોતાના સહકારી મંડળની રચના કરવી અને નોકરી માટે કોઈ પણ જગ્યાએ જવાની ઇચ્છા દર્શાવવી.
- મોટી સંખ્યામાં ભાગ લઈને મરાઠી ભાઈઓ અને બહેનો સાથે મરાઠી તહેવારો અને કાર્યક્રમો ઉજવવા.
- સ્થાનિક લોકોએ મહારાષ્ટ્રીયન લોકોની સાથે સંકળાયેલા આશ્રમો, સંસ્થાઓ, શાળાઓની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને ઉદારતાથી દાન કરવું.
- બધી જ ઉડીપી હોટલનો બહિષ્કાર કરવો અને બિન-મહારાષ્ટ્રના લોકોની દુકાનોમાંથી કંઈપણ ખરીદવું નહીં.
- વ્યવસાય અને અન્ય ધંધામાં જોડાયેલા મરાઠી બોલતા લોકોને નિરાશ ન કરવા, તેના બદલે તમે જેટલી મદદ કરી શકો તેટલી સહાય કરવી.
- પોતાના મરાઠી ભાઈઓ સાથે ઘમંડી અને ક્રૂર વર્તન ન કરવું, અને જો તેમાંના કોઈ પણ મુશ્કેલીનો સામનો કરે, તો બીજાઓએ સામૂહિક રીતે તેમને ટેકો આપવો.
સેંકડો યુવાનોએ સોગંદના આ નિવેદન પર હસ્તાક્ષર કર્યા અને પોતાને ‘શિવસૈનિક’ તરીકે નોંધાવ્યા. શિવસેનાની સ્થાપનાની ઔપચારિક ઘોષણા કરવા માટે, પ્રભાદેવી (દાદર)માં રવિન્દ્ર નાટ્યમંદિર નામના ઓડિટોરિયમમાં એક કાર્યક્રમ યોજાયો. ઠાકરેના મિત્ર, મુખ્યમંત્રી વી. પી. નાઈક એ સમારંભના મુખ્ય મહેમાન હતા.
બૅરિસ્ટર અચ્યુત ચાફેકરે એ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેઓ કહે છે:
જોકે બહુ મોટો પ્રોગ્રામ ન હતો અને પ્રોગ્રામ માટે ટિકિટ પણ હતી, છતાં આખો હૉલ હાઉસફુલ હતો. આ કાર્યક્રમના ભાગરૂપે એક મરાઠી નાટક आंधळा दळतोय (આંધળો દળે છે) નું મંચન પણ થયું. મરાઠી માણૂસના વલણને દર્શાવવા માટે એ નાટકમાં ‘કરચલા’ના રૂપકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માછીમારોની ટોપલીમાં ઘણાં બધાં કરચલા હોય એને ઢાંકણું નથી હોતું. એટલે જ્યારે પણ ટોપલામાંથી એક કરચલો બહાર નીકળવાનો પ્રયત્ન કરે ત્યારે બીજો એને ખેંચીને પાછો કરચલામાં પાડી દે. આ રમતમાં મહારાષ્ટ્રીયનના વલણને દર્શાવવામાં આવ્યું.
પડઘોઃ
મરાઠી ભાષામાં એક કહેવત છેઃ आंधळा दळतोय आणि कुत्रा पीठ खातोय
(આંધળો દળે છે અને તેની બાજુમાં બેઠો બેઠો કૂતરો લોટ ખાઈ જાય છે)
eછાપું
તમને ગમશે: મિશન શક્તિની સફળતાથી અમેરિકા સ્તબ્ધ, કોંગ્રેસ અને પાકિસ્તાન કન્ફ્યુઝ્ડ