Home સ્પોર્ટ્સ ક્રિકેટ IPL 2019 | મેચ 22 | છેલ્લી ઓવરોના નાટક પછી પણ પંજાબ...

IPL 2019 | મેચ 22 | છેલ્લી ઓવરોના નાટક પછી પણ પંજાબ જીત્યું

0
124
Photo Courtesy: iplt20.com

નેટ રન રેટ સુધારવાનું ચક્કર હોય કે અન્ય કોઈ કારણ હોય, કિંગ્સ ઈલેવન પંજાબ છેલ્લી ઓવરોમાં ઝડપથી બેટિંગ કરવા જતા એ ભૂલ કરતા ચુકી ગયું હતું જે સન રાઈઝર્સ હૈદરાબાદે તેમની છેલ્લી મેચમાં કરી હતી.

Photo Courtesy: iplt20.com

એવું આપણે ઘણી વખત જોયું છે કે ક્રિકેટ મેચોમાં છેલ્લી ઘડીએ હાથમાં આવેલી બાજી જતી રહેતી હોય છે. આ મેચમાં આવું જ કશુંક થતા થતા રહી ગયું હતું જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર રન ચેઝ કરવા ઉતર્યા હતા.

આ વર્ષે IPLમાં ટોસ જીતીને પહેલા બોલિંગ લેવાનો જે ટ્રેન્ડ છે તેને પંજાબે પણ જાળવી રાખ્યો હતો. આજની પીચ ટિપિકલ મોહાલી વિકેટ ન હતી અને તેની ખબર તરતજ પડી ગઈ જ્યારે જોની બેરસ્ટો સંઘર્ષ કરતા કરતા આઉટ થઇ ગયો. ત્યારબાદ પણ સન રાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ રન બનાવવામાં તો મુશ્કેલી અનુભવી રહી હતી. વિજય શંકર અને ડેવિડ વોર્નરે માત્ર વધુ કોઈ વિકેટ ન પડે તેનું ધ્યાન રાખતા બેટિંગ ચાલુ રાખી હતી.

આજે તો ડેવિડ વોર્નર પણ ધીમું રમી રહ્યો હતો, કદાચ ગઈ મેચમાં હૈદરાબાદના ધબડકાને ધ્યાનમાં રાખવા ઉપરાંત આ ધીમી પીચ પણ તેનું કારણ હોઈ શકે. વિજય શંકરના આઉટ થયા બાદ અને પોતાની હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ વોર્નરે હાથ ખોલ્યા હતા વોર્નરને મનીષ પાંડે અને દીપક હૂડાનો સાથ મળ્યો હતો જેમણે ત્વરિત રન કરીને SRHને 150ના ફાઈટીંગ ટોટલ પર પહોંચાડ્યું હતું.

સન રાઈઝર્સ હૈદરાબાદની બોલિંગ તેમજ ધીમી પીચને ધ્યાનમાં લેતા KXIPને રન ચેઝમાં તકલીફ પડશે એવું લાગતું તો હતું. શરૂઆતી અને ટૂંકી આતશબાજી બાદ ક્રિસ ગેલ આઉટ થઇ ગયો. બીજે છેડે લોકેશ રાહુલે આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી અને તેને મયંક અગરવાલનો સાથ મળ્યો. આ બંનેએ પોતપોતાની હાફ સેન્ચુરીઓ તો પૂરી કરી જ પરંતુ આવી ધીમી પીચ પર માત્ર 84 બોલમાં 114 રનની પાર્ટનરશીપ કરીને કિંગ્સ ઈલેવન પંજાબને જીતના દ્વાર સુધી પહોંચાડી દીધું.

પરંતુ પંજાબના હાથમાં જીતના દ્વાર ખોલવાની ચાવી હજી સુધી આવી ન હતી. નેટ રન રેટ સુધારવાની ઈચ્છા હોય કે પછી અન્ય કોઈ ઈચ્છા પણ મયંક અગરવાલના આઉટ થયા બાદ ડેવિડ મિલર અને મનદીપ સિંગ પણ ફટાફટ આઉટ થઇ ગયા. ફરીથી હૈદરાબાદે પોતાની ગઈ મેચમાં જે ભૂલ કરી હતી તે ભૂલ KXIP તો નથી કરી રહ્યું એવી લાગણી થવા લાગી હતી.

અત્યારસુધી આરામદાયક રહેલા રન ચેઝમાં કિંગ્સ ઈલેવન પંજાબને જીત માટે છેલ્લી ઓવરમાં 11 રન કરવાના આવી પડ્યા હતા. સેમ કરને મેચની છેલ્લી ઓવરના પહેલા બે બોલમાં બે-બે રન અને પછીના બોલમાં સિંગલ લઈને જીત વધુ નજીક લાવી દીધી હતી. ઓવરમાં જરૂરી એક બાઉન્ડ્રી લોકેશ રાહુલે પરફેક્ટ સ્ટ્રેઈટ ડ્રાઈવ મારીને મેળવી લીધી હતી અને પછી ઓવરના પાંચમાં બોલે ડેવિડ વોર્નરની મિસફિલ્ડને લીધે કિંગ્સ ઈલેવન પંજાબ એક બોલ બાકી રહેતા મેચ જીતી ગયા હતા. આમ જે ટેન્શનની કોઈજ જરૂર ન હતી તેને હાથે કરીને ઉભું કર્યા બાદ છેવટે પંજાબને વિજય મળ્યો હતો.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 22 | કિંગ્સ ઈલેવન પંજાબ વિ. સન રાઈઝર્સ હૈદરાબાદ

પંજાબ ક્રિકેટ એસોસીએશન આઈ એસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી (ચંડીગઢ)

ટોસ: કિંગ્સ ઈલેવન પંજાબ (બોલિંગ)

સન રાઈઝર્સ હૈદરાબાદ 150/4 (20) રન રેટ: 7.5

ડેવિડ વોર્નર 70* (62)

વિજય શંકર 26 (27)

મોહમ્મદ શમી 1/30 (4)

રવિચંદ્રન અશ્વિન 1/30 (4)

કિંગ્સ ઈલેવન પંજાબ 151/4 (19.5) રન રેટ 7.74

લોકેશ રાહુલ 71* (53)

મયંક અગરવાલ 55 (43)

સંદીપ શર્મા 2/21 (4)

રાશીદ ખાન 1/20 (4)

પરિણામ: કિંગ્સ ઈલેવન પંજાબ 6 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: લોકેશ રાહુલ (કિંગ્સ ઈલેવન પંજાબ)

અમ્પાયરો: મરાયસ ઈરેસ્મસ અને અનીલ દાંડેકર | નીતિન મેનન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!