શા માટે આ વખતે પશ્ચિમ બંગાળ ભાજપનું 2014નું UP બની શકે છે?

0
248
Photo Courtesy: indiatoday.in

ઉત્તર પ્રદેશમાં આ વખતે ગઠબંધન હોવાને લીધે અહીં ભારતીય જનતા પાર્ટીને કદાચ ગઈ લોકસભાની ચૂંટણી જેવી ધીંગી સફળતા ન મળી શકે પરંતુ તેની ભરપાઈ કદાચ પશ્ચિમ બંગાળ કરી શકે છે.

Photo Courtesy: indiatoday.in

કાયમની જેમ આ વખતે પણ લોકસભાની ચૂંટણીઓમાં દરેકની નજર ઉત્તર પ્રદેશ પર છે કારણકે અહીંથી જ ભારતની સરકાર બનતી હોય છે એવી એક બહુ જૂની લોકમાન્યતા છે. ઉત્તર પ્રદેશ લોકસભામાં 80 બેઠકો મોકલે છે અને આ વખતે અહીં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધન કર્યું છે.

2014ની લોકસભાની ચુંટણીઓમાં બહુકોણીય મુકાબલો થવાને લીધે ભાજપને અહીંથી 73 બેઠકો મળી હતી પરંતુ આ વખતે ગઠબંધન  હોવાને લીધે અહીં મતોની વહેંચણી ન થાય તો ભાજપને મોટું નુકશાન થઇ શકે છે એવું મનાઈ રહ્યું છે. અત્યારસુધીમાં થયેલા ઓપીનિયન પોલ્સ પણ ભાજપને વધુમાં વધુ 50 બેઠકો આપે છે. આવામાં ભાજપને પડનારી 22-23 બેઠકોનું નુકશાન ક્યાંથી ભરપાઈ થશે તેની ચિંતા ભાજપ સમર્થકોમાં થાય તે સ્વાભાવિક છે.

એક નવા અભ્યાસ અનુસાર ભાજપને ઉત્તર પ્રદેશમાં પડનારા નુકશાનને આ વખતે પશ્ચિમ બંગાળ ભરપાઈ કરી આપે એવી પરીસ્થિતિ ઉભી થઇ છે. આ પાછળ રાજકીય, સામાજિક અને આંકડાકીય કારણો પણ જવાબદાર છે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને ન્યાયની ખાડે ગયેલી વ્યવસ્થા ઉપરાંત હિંદુ તહેવારો ઉજવવામાં મમતા સરકારની બિનજરૂરી દખલગીરી ઉપરાંત આયુષ્માન ભારત જેવી ગરીબોને લાભ કરતી કેન્દ્ર સરકારની યોજનાને પોતાની જીદને લીધે પશ્ચિમ બંગાળમાં લાગુ ન કરવા દેવાથી મમતા વિરુદ્ધ પ્રજા ગુસ્સે તો છે જ.

આ તમામ કારણો ઉપરાંત The Gaze નામની એક વેબસાઈટ પર કેટલીક આંકડાકીય દલીલો પણ કરવામાં આવી છે જે એવું દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં પશ્ચિમ બંગાળમાં ભાજપનો પ્રસાર ખુબ ઝડપી થવા ઉપરાંત અત્યંત વ્યાપક બની રહ્યો છે અને હવે અહીં વામપંથીઓ કે કોંગ્રેસ નહીં પરંતુ મમતાને પડકાર આપવા માટે ભાજપને લોકો વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.

લાગતું વળગતું: મમતાની દીદીગીરી ક્યાંક તેમની રાજકીય આત્મહત્યા સાબિત ન થાય

2018માં રાજ્યમાં પંચાયત ચૂંટણી થઇ હતી જેમાં ભાજપે 34,507 ઉમેદવારો ઉભા રાખ્યા હતા જે 2013ની પંચાયત ચૂંટણીઓ કરતા 25,507 વધુ હતા. આ દર્શાવે છે કે ગ્રામીણ પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિસ્તાર ઘણો વધ્યો છે. આટલુંજ નહીં આ ચૂંટણીઓમાં ભાજપ ગત 3%ને સ્થાને 23% મત મેળવી ગયું હતું જે અધધધ 666%નો વધારો છે.

આ ઉપરાંત 2014ની લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન ભાજપે 21,000 બૂથ ઉભા કર્યા હતા હવે આ વખતે તેમાં પક્ષે 42,000 બૂથનો ઉમેરો કર્યો છે. જો કે માત્ર પંચાયતોમાં વધુ ઉમેદવારો ઉભા રાખવાથી કે પછી બૂથ સંખ્યા વધારવાથી જ મત વધી જાય એ કોઇપણ રીતે શક્ય નથી હોતું. તો એ માટે 5Forty3 નામક એક સરવે સંસ્થાએ હાલમાં જ એક સરવે કર્યો હતો તેના આંકડાઓ ભાજપ માટે પ્રોત્સાહક સાબિત થઇ શકે તેમ છે.

આ સરવે અનુસાર  હાલમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ રાજ્યમાં 37-37 ટકા મતદારોનું સમર્થન ધરાવે છે. પરંતુ 22% ટકા મતદારો હજી સુધી આવનારી લોકસભાની ચૂંટણીઓમાં કોને મત આપવો એ નક્કી નથી કરી શક્યા. આ ટકાવારીમાં જેટલા મુસ્લિમ મતદાતાઓ છે તે પહેલા લેફ્ટનું સમર્થન કરી રહ્યા હતા અને હવે તૃણમૂલને સમર્થક આપી શકે છે. પરંતુ બાકીના મતદારોને જો ભાજપ યોગ્યરીતે પોતાની તરફ વાળે તો ઉત્તર પ્રદેશનું મોટાભાગનું નુકશાન ભાજપ પશ્ચિમ બંગાળમાંથી ભરપાઈ કરી શકે છે તે સ્પષ્ટ છે.

eછાપું

તમને ગમશે: ભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો? ખરેખર?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here