Home સ્પોર્ટ્સ ક્રિકેટ IPL 2019 | મેચ 23 | એકતરફી મેચમાં ધોનીની કપ્તાનીના દર્શન થયાં

IPL 2019 | મેચ 23 | એકતરફી મેચમાં ધોનીની કપ્તાનીના દર્શન થયાં

0
73
Photo Courtesy: iplt20.com

હોમ ગ્રાઉન્ડથી દૂર જઈને, જ્યાં હોમ ગ્રાઉન્ડથી સાવ અલગ પીચ મળે તેના પર થોડો સમય ગાળીને તેને એડજસ્ટ ન થવાની કોલકાતા નાઈટ રાઈડર્સની ખામીએ તેને આ સિઝનમાં બીજી હાર આપી છે.

Photo Courtesy: iplt20.com

એક એવી મેચ જેના દરેક બોલ પર માત્ર અને માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ લખેલું હતું. એક એવી મેચ જેના દરેક રન પર પણ CSK જ લખેલું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ પોતાના ઘરની બહાર આવેલી અલગ પ્રકારની પીચ પર એડજેસ્ટ નથી થતા અને તેના પરિણામે જે થવાનું હતું તે થઈને જ રહ્યું.

તમને પેલી મેચ યાદ છે, જ્યારે કોલકાતા દિલ્હી કેપિટલ્સ સામે રમ્યું હતું? આ મેચ ટાઈ થઇ હતી અને છેક સુપર ઓવરમાં DC જીતી ગયું હતું? એ મેચની કોટલાની પીચ અને આ મેચની ચેપોકની પીચના સ્વભાવમાં કોઈજ અંતર ન હતું. એ મેચમાં પણ KKRએ શરૂઆતમાં ફટાફટ વિકેટો ગુમાવી દીધી હતી અને આ મેચમાં પણ એમ જ બન્યું. એ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની વ્હારે આન્દ્રે રસલ આવ્યો હતો, આ મેચમાં પણ આન્દ્રે રસલે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા હતા.

પરંતુ, તે મેચમાં રસલને કોલકાતાના કેપ્ટન કાર્તિકનો સાથ મળ્યો હતો અને એથી તેઓ એક સ્પર્ધાત્મક સ્કોર ઉભો કરી શક્યા હતા, જ્યારે આ મેચમાં એવું કશું જ બન્યું નહીં અને એકમાત્ર રસલ અને એ પણ જેનું ડાબું કાંડું રમતી વખતે ઈજાગ્રસ્ત થઇ ગયું હોય એવો આન્દ્રે રસલ એકલો પડી ગયો અને છેવટે KKR ફક્ત 108 જેવો બિલકુલ અસ્વીકાર્ય કહી શકાય તેટલો જ સ્કોર ઉભો કરી શક્યું.

જો કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોએ પીચના સ્વભાવ સાથે એડજેસ્ટ થવાની સહેજ પણ કોશિશ કરી હોત તો કદાચ પરિણામ તેઓ બદલી ન શક્યા હોત પરંતુ સ્કોરમાં બીજા વીસ થી ત્રીસ રન જરૂર ઉમેરી શક્યા હોત. જો કોલકાતાના બેટ્સમેનો ટીમના ધબડકા માટે જેટલા જવાબદાર હતા એટલીજ જવાબદાર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોનીની સુપર ક્લાસ કપ્તાની પણ હતી.

પીચનો સ્વભાવ ઓળખવામાં ધોનીની માસ્ટરી છે એ આપણે જાણીએ જ છીએ પરંતુ એ મુજબ બોલિંગ ચેન્જ કરવા અને ફિલ્ડીંગ ગોઠવવી, એટલુંજ નહીં પરંતુ બેટિંગ ક્રમમાં પણ જરૂર મુજબ ફેરફાર કરવા અને વિજય નિશ્ચિત કરવો એમાં પણ ધોનીની લગોલગ આ IPLનો કોઇપણ કપ્તાન આવી શકતો નથી એ હકીકત છે.

જ્યારે હરભજન સિંગે શરુઆતમાં ખુબ સુંદર બોલિંગ કરતા એક વિકેટ લીધી પછી તેની ઓવરો બચાવીને ઇનિંગના આખરી હિસ્સામાં તેને ફરીથી બોલિંગ આપવી જેથી કોલકાતા નાઈટ રાઈડર્સ બાદમાં પણ કોઈ મોટો સ્કોર ઉભો ન કરી શકે એ ધોનીની કપ્તાનીનું એક નાનકડું ઉદાહરણ છે. હરભજને પોતાના બીજા સ્પેલમાં જ પિયુષ ચાવલાને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો જે CSK માટે ગમે ત્યારે ખતરો બની શકે તેમ હતો.

એક વખત કોલકાતાના સસ્તામાં આઉટ કર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે માત્ર સંભાળીને જ બેટિંગ કરવાની હતી અને ફાફ દુ પ્લેસીએ એમ જ કર્યું અને એક છેડો પકડી રાખીને ચેન્નાઈને 16 બોલ બાકી રહેતા જીતાડી દીધું હતું.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 23 | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ

એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ

ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)

કોલકાતા નાઈટ રાઈડર્સ 109/9 (20) રન રેટ: 5.45

આન્દ્રે રસલ 50* (44)

દિનેશ કાર્તિક 19 (21)

દીપક ચાહર 3/20 (4)

હરભજન સિંગ 2/15 (4)

ચેન્નાઈ સુપર કિંગ્સ 111/3 (17.2) રન રેટ: 6.45

ફાફ દુ પ્લેસી 43* (45)

અંબાતી રાયુડુ 21 (31)

સુનિલ નારાયણ 2/24 (3.2)

પિયુષ ચાવલા 1/28 (4)

પરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સ 7 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: દીપક ચાહર (ચેન્નાઈ સુપર કિંગ્સ)

અમ્પાયરો: રોડ ટકર અને સી શમ્સુદ્દીન | ઉલ્હાસ ગંધે (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: પ્રકાશ ભટ્ટ

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!