IPL 2019 | મેચ 24 | પોલાર્ડની કેપ્ટન તરીકેની ‘એક્ટિંગ’ જોઈ પંજાબ સ્તબ્ધ

0
69
Photo Courtesy: iplt20.com

ક્રિકેટની રમત આમ પણ મજા કરાવે તેવી હોય છે એમાં પણ જો મેચનો નિર્ણય છેક છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર આવે તો એ મજા બમણી થઇ જતી હોય છે. આ  મેચ એ જ પ્રકારની મેચ રહી હતી.

Photo Courtesy: iplt20.com

ક્રિકેટને કેમ અનિશ્ચિતતાઓની રમત કહેવામાં આવે છે? આપણા દેશમાં ક્રિકેટને લોકો કેમ પાગલની જેમ ફોલો કરે છે? કેમ અમુક લોકો ક્રિકેટને જબરદસ્ત પ્રેમ કરે છે? આ પ્રકારના તમામ સવાલોના જવાબ આ મેચમાં મળી ગયા હતા.

મુંબઈ ઇન્ડિયન્સના કહેવાથી પહેલા બેટિંગ કરતા આજે કિંગ્સ ઈલેવન પંજાબે ક્રિસ ગેલ અને લોકેશ રાહુલની ધમાકેદાર બેટિંગથી એક અદભુત શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ 11મી ઓવર આવતા સુધીમાં તો પોતપોતાની હાફ સેન્ચુરીઓ પૂરી પણ કરી દીધી હતી. એક સમયે લગભગ 10 રન પ્રતિ ઓવરની આસપાસ રમાઈ રહેલી પંજાબની ઇનિંગ ક્રિસ ગેલના આઉટ થવા બાદ અચાનક જ ધીમી પડી ગઈ હતી.

લગભગ દોઢથી બે ઓવર સુધી KXIP ધીમું રમ્યું હતું જેને લોકેશ રાહુલે પોતાની બેટિંગથી ફરીથી પાટે ચડાવી દીધું હતું. લોકેશ રાહુલે આ દરમ્યાન પોતાની સેન્ચુરી પણ પૂરી કરી હતી. પરંતુ, પેલી દોઢથી બે ઓવર્સની ધીમી બેટીંગે તેમને લગભગ 10-15 રન ઓછા કરવા દીધા જે મેચના પરિણામ પર અસર કરનારું ફેક્ટર બન્યું હતું.

આ મેચ અગાઉ સવારે પ્રેક્ટીસ કરતા મુંબઈના કપ્તાન રોહિત શર્મા પ્રેક્ટીસ કરતા કરતા પગની નસ ખેંચાઈ જતા ઈજાગ્રસ્ત થયો હતો આથી તેને સ્થાને કાયરન પોલાર્ડને એક્ટિંગ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. મુંબઈની શરૂઆત બિલકુલ સારી રહી ન હતી અને પહેલા 94 પર 4 અને બાદમાં 135 પર તેની 5 વિકેટો પડી ગઈ હતી.

તેમ છતાં કાયરન પોલાર્ડે આશા છોડી ન હતી સામે છેડે વિકેટો પડી રહી હોવા છતાં તે એક છેડેથી પોતાના લાંબા લાંબા શોટ્સ મારવાનું બરકરાર રાખી રહ્યો હતો. પોલાર્ડને શોટ્સ મારવા દેવા પાછળ કિંગ્સ ઈલેવન પંજાબના બોલરોનો ફાળો પણ ઓછો ન હતો. ખોટા સમયે નો બોલ્સ નાખવા કે પછી ફૂલટોસ આપવા આ એવી ભૂલો હતી જે પોલાર્ડ જેવા બેટ્સમેનોને તો સ્વર્ગનો અનુભવ કરાવતી હોય છે.

પોલાર્ડની આક્રમક બેટિંગ છતાં છેલ્લે છેલ્લે મેચ અત્યંત રોમાંચક બની ગઈ હતી. જ્યારે મુંબઈને જીતવા માટે 5 રન જોઈતા હતા પોલાર્ડે એક શોટ હવામાં મારતા તેને લાગ્યું કે તેણે સિક્સર મારી છે, અને તેણે પોતાના ગ્લવ્ઝ અને હેલ્મેટ ઉતારીને જીતનું સેલિબ્રેશન પણ શરુ કરી દીધું હતું, પરંતુ ખરેખર તે લોંગ ઓન અને મિડ વિકેટ વચ્ચેની બાઉન્ડ્રી પર મિલરના હાથે કેચ થઇ ગયો હતો!

હવે MIને જીતવા માટે 3 બોલમાં 4 રન જોઈતા હતા અને છેલ્લા બોલે 2 રન જોઈતા હતા. મુંબઈ ઇન્ડિયન્સની આગલી મેચમાં બોલ વડે હીરો બનનાર અલઝારી જોસેફે મગજ પરથી કાબૂ ગુમાવ્યા વગર છેલ્લા બોલ પર જરૂરી 2 રન મેળવી લીધા હતા અને મુંબઈ ઇન્ડિયન્સને એક યાદગાર જીત અપાવી હતી.

બીજી તરફ કિંગ્સ ઈલેવન પંજાબ અને તેના સમર્થકો સ્તબ્ધ થઇ ગયા હતા. પરંતુ આ પરિણામ માટે તેઓ ખુદ જવાબદાર હતા. જે ટેમ્પો ક્રિસ ગેલ અને લોકેશ રાહુલે સેટ કરી આપ્યો હતો તે ટેમ્પો લગભગ બે ઓવર સુધી ગુમાવી દીધા બાદ તેને પરત લાવવાનું કામ રાહુલે કર્યું તો ખરું પરંતુ તેને લીધે ટીમ 10-15 રન ઓછા કરી શકી એ તેમને નડ્યું અને બીજું પરીબળ તેમને નડ્યું તે હતું છેલ્લી ઓવરોમાં કરેલી અત્યંત ખરાબ બોલિંગ.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 24 | મુંબઈ ઇન્ડિયન્સ વિ. કિંગ્સ ઈલેવન પંજાબ

વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ

ટોસ: મુંબઈ ઇન્ડિયન્સ (બોલિંગ)

કિંગ્સ ઈલેવન પંજાબ 197/4 (20) રન રેટ: 9.85

લોકેશ રાહુલ 100* (64)

ક્રિસ ગેલ 63 (36)

હાર્દિક પંડ્યા 2/57 (4)

જેસન બેહરેનડ્રોફ 1/35 (4)

મુંબઈ ઇન્ડિયન્સ 198/7 (20) રન રેટ 9.9

કાયરન પોલાર્ડ 83 (31)

ક્વિન્ટન ડી કોક 24 (23)

મોહમ્મદ શમી 3/21 (4)

રવિચંદ્રન અશ્વિન 1/37 (4)

પરિણામ: મુંબઈ ઇન્ડિયન્સ 3 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: કાયરન પોલાર્ડ (મુંબઈ ઇન્ડિયન્સ)

અમ્પાયરો: એસ રવિ અને યશવંત બારડે | નંદન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈયર

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here