શું ઇમરાન ખાનના મોદીના વખાણ કરવા એ મેચ ફિક્સિંગ હતું?

0
145
Photo Courtesy: dailyexcelsior.com

ગઈકાલે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા આપેલા નિવેદન બાદ કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલના રિએક્શન્સ અપેક્ષિત તો હતા પરંતુ શું તેની પાછળ કોઈ રમત હતી?

Photo Courtesy: dailyexcelsior.com

ગઈકાલે સવાર સવારમાં Twitter ઓપન કરવાની સાથે જ દિલ બાગ બાગ થઇ ગયું. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ટ્રેન્ડ થઇ રહ્યા હતા. ખુશ થવાનું કારણ જો કે એ ન હતું, પરંતુ એ હતું કે ખાનસાહેબે ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ પરત આવે એવી આશા વ્યક્ત કરી હતી, કારણકે તો જ ભારત પાકિસ્તાનના સંબંધો સુધરશે એવી તેમને આશા હતી. આપણે તો રહ્યા ભક્ત માણસ એટલે “ઈમરાનને પણ હવે ખબર પડી ગઈ કે મોદી ક્યા ચીજ હૈ! હા હા હા” એવું વિચારીને વોટ્સ એપ પર એ સમાચારની લિંક સમાન વિચારધારા ધરાવતા મિત્રો વચ્ચે ફેરવી દીધી.

એમાં મારા એક મિત્ર જેને ભારતના રાજકારણમાં મારા કરતા વધુ સમજણ પડે છે (એવું એ માને છે હોં કે!) તેનો જવાબ આવ્યો કે, “બસ તું પણ ઉલ્લુ બની ગાયોને?” એટલે મેં સીધો એને કોલ કર્યો અને કહ્યું કે ભાઈ એમાં ઉલ્લુ બનવા જેવું શું છે? તો એણે મને એક જ વાક્ય કહ્યું કે બસ સાંજ પડવાની રાહ જો, તને બધીજ ખબર પડી જશે અને ભલું હશે તો તારે સાંજ પડવાની પણ રાહ નહીં જોવી પડે.

એ મિત્રની વાત માનીને મેં સાંજ પડવાની રાહ જોઈ અને બપોર સુધીમાં જ ધીમેધીમે જે રીતે ઈમરાનના નિવેદનના જે પ્રકારે રિએક્શન્સ આવવા લાગ્યા એ વાંચીને મને ખ્યાલ આવતો ગયો કે મારો એ મિત્ર ખરેખર મારા કરતા ભારતીય રાજકારણનું ઊંડું જ્ઞાન ધરાવે છે. જે કોઈ પણ નિવેદનો આવ્યા તેમાં બે નિવેદનો ખાસ હતા એક તો હતું કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું અને બીજું હતું દિલ્હીના મહામહિમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું.

રણદીપ સુરજેવાલાએ કોંગ્રેસ મુખ્યાલય પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લાગે છે કે “મોદીજીના પાકિસ્તાન સાથે બહુ સારા સંબંધ છે અને આથીજ ત્યાંના વડાપ્રધાન મોદીજીને ફરીથી વડાપ્રધાન જોવા માંગે છે. પરંતુ નરેન્દ્ર મોદી હારી રહ્યા છે એટલે પાકિસ્તાનમાં ફટાકડા નહીં ફૂટે.” તો મહામહિમ મુખ્યમંત્રી-એ-દિલ્હીનું કહેવું હતું કે ઇમરાન ખાન તેમના ‘મિત્ર’  નરેન્દ્ર મોદીને એટલે સમર્થન આપી રહ્યા છે કારણકે તેઓ જો સત્તામાં ફરીથી આવે તો ભારતભરમાં તોફાનો કરાવી શકાય.

જ્યારે ઉપરોક્ત બંને નિવેદનો પર મેં ધ્યાનથી વિચાર કર્યો ત્યારે લાગ્યું કે મારો મિત્ર ખરેખર સાચો છે. આ બંને નિવેદનોથી બે વાત સ્પષ્ટ થતી હતી, પહેલી તો એ કે ઇમરાન ખાને ભારતની વિપક્ષી પાર્ટીઓ તરફથી આવી જ કોઈ પ્રતિક્રિયા આવશે એ વિચારીને જ જાણીજોઈને પેલું નિવેદન આપ્યું હતું અને એમાં આપણી વિપક્ષી પાર્ટીઓ ફસાઈ ગઈ હતી. ટૂંકમાં છેલ્લું હાસ્ય ઇમરાન ખાનનું રહ્યું હતું.

લાગતું વળગતું: વડાપ્રધાન ઇમરાન ખાન હોય કે બીજો કોઈ પાકિસ્તાન તો આવું જ રહેવાનું

અથવાતો એ પણ શક્યતા હોય કે ભારતમાં કોઈ એક લીંક કામ કરી રહી હોય જેમણે ઇમરાન ખાન પાસે આવું કહેવડાવ્યું હોય અને પાકિસ્તાનના ફાયદામાં હોવાથી ઈમરાને એ નિવેદન આપી દીધું અને ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદના મુદ્દાને ઝાંખો પાડવા આપણી વિપક્ષી પાર્ટીઓએ એ લીંકને આમ કરવા કહ્યું હોય. આ કેસમાં પણ છેલ્લું હાસ્ય તો ઇમરાન ખાન અને પાકિસ્તાનનું જ રહ્યું હતું.

અહીં જ આપણી રાજકીય પાર્ટીઓની રાજકીય અપરિપક્વતા ફરીથી દેખાઈ આવી છે. સર્જિકલ સ્ટ્રાઈક્સ અને બાલાકોટ એરસ્ટ્રાઈક્સ પછી તેના પર સવાલો ઉઠાવવા એ પણ રાજકીય અપરિપક્વતા સિવાય કશું ન હતું. આ બંને કિસ્સાઓમાં પાકિસ્તાનને જે જમવું હતું એ જ તેને આ લોકોએ તેને પીરસ્યું હતું. પરંતુ આ તાજા કિસ્સામાં તો કોંગ્રેસ અને કેજરીવાલ બંને એ આ પ્રકારના નિવેદનો કરીને પોતાની જાતને જ હાસ્યાસ્પદ ઠેરવી હતી.

કારણકે ઇમરાન ખાન અને નરેન્દ્ર મોદી વચ્ચે જો કોઈ ભાઈબંધી હોય તો ભારતે ઈમરાનના વડાપ્રધાન બન્યા બાદ પોતાનું વલણ પાકિસ્તાન પ્રત્યે નરમ બનાવ્યું હોત પરંતુ થયું હતું તેનાથી ઉલટું. પુલવામા હત્યાકાંડ બાદ ભારતે ત્વરિત નિર્ણય કરતા પાકિસ્તાનને અપાયેલું MFN પરત ખેંચી લીધું હતું એટલુંજ નહીં પરંતુ તેના આયાતી માલસામાન પર 200% કસ્ટમ્સ ડ્યુટી લગાવીને તેના ધંધા ચોપટ કરી દીધા હતા અને આ બંને પ્રતિબંધો અથવાતો નિર્ણયો આજે પણ કાયમ છે.

બીજું જે કોંગ્રેસે 26/11નો જઘન્ય હુમલો થયા બાદ પણ પાકિસ્તાન સાથે સંબંધો બનાવી રાખ્યા હતા તેણે જ્યારે નરેન્દ્ર મોદી સરકારે ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક અને પુલવામા ઘટના બાદ બાલાકોટ એરસ્ટ્રાઈક જેવા કડક નિર્ણયો લીધા એ નરેન્દ્ર મોદી પર પાકિસ્તાન સાથે મિત્રતા હોવાનો દાવો કરે છે? હા મારા ઘણા ફેસબુકી કોંગ્રેસી મિત્રો વારંવાર નરેન્દ્ર મોદી નવાઝ શરીફને ત્યાં બિરિયાની ખાઈ આવ્યાના હાસ્યાસ્પદ દાવાઓ કરે છે પણ તેના પર એક આર્ટીકલ અલગથી ફરી ક્યારેક લખીશ.

મજાની વાત એ છે કે ઇમરાન ખાનનું નિવેદન ફિક્સ્ડ હતું કે નહીં તે ચર્ચાને બાજુ પર મુકીએ તો પણ, એક વસ્તુ સારી એ બની છે કે કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલના રિએક્શન્સ પર કોઈજ વિશેષ ચર્ચા ન તો મેઈન સ્ટ્રીમ મિડિયામાં થઇ છે કે ન તો સોશિયલ મિડીયામાં ઉલટું આ બંનેએ ગઈકાલ પછી આ મુદ્દે પોતાના મોઢાં સીવી લીધા છે.

eછાપું

તમને ગમશે: ભારતનો ભવ્ય ઈતિહાસ જાણવો હવે ‘હાથ વ્હેંતમાં’ આ પાંચ એપ્સ મદદ કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here