લોકસભા 2019 – વારાણસીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રિયંકા વાડ્રા?

0
264
Photo Courtesy: catchnews.com

વારાણસીથી ફરીથી ચૂંટણી લડી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પોતાના મહાસચિવ પ્રિયંકા વાડ્રાને ઉતારવા અંગે કોંગ્રેસ ગંભીરતાપૂર્વક વિચારી રહી છે, પરંતુ તેનો આ નિર્ણય લેવો એટલો પણ સરળ નથી.

Photo Courtesy: catchnews.com

હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીઓ આવનારા દિવસોમાં વધુ રસપ્રદ બનવા જઈ રહી છે. મળતા સમાચારો અનુસાર કોંગ્રેસ ગંભીરતાથી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી કોંગ્રેસના મહાસચિવ અને કોંગ્રેસ પ્રમુખના બહેન પ્રિયંકા વાડ્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જંગમાં ઉતારવા માટે કોશિશ કરી રહી છે.

જો કે કોંગ્રેસને આ નિર્ણય લેતા અગાઉ પ્રિયંકા વાડ્રાના જીતવાના ચાન્સ, ગયા વખતની નરેન્દ્ર મોદીની જીતની લીડ તેમજ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની મંજૂરી આ તમામ ફેક્ટર્સ તપાસી જવાની જરૂર છે અને આથી જ તે કોઇપણ પ્રકારની ઉતાવળ કર્યા વગર આ નિર્ણય લેવા માંગે છે. 2014ની ચૂંટણીમાં પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી લડી રહેલા નરેન્દ્ર મોદીએ પોતાના નજીકના ઉમેદવાર આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને 3.37 લાખ મતે હરાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અજય સિંગ ત્રીજા નંબરે રહ્યા હતા.

પ્રિયંકા વાડ્રાને નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસીમાં ઉતારીને કોંગ્રેસ તેમને રાહુલ ગાંધીની પરિસ્થિતિમાં લાવવા માંગે છે. આ વખતે રાહુલ ગાંધીને અમેઠીથી જીતવામાં તકલીફ પડી રહી હોવાથી તેઓ કેરળમાં વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે જ્યાં લઘુમતી મતદારોની સંખ્યા બહુમતીમાં છે. પરંતુ કોંગ્રેસ એ બાબતનું ધ્યાન રાખવા પણ માંગે છે કે પ્રિયંકા વાડ્રા એ સરપ્રાઈઝ એલિમેન્ટ તરીકે છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી પત્ર ભરે.

નરેન્દ્ર મોદી 26 એપ્રિલે વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે તેવી જાહેરાત ઓલરેડી થઇ ચૂકી છે. વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 28 એપ્રિલ છે. આવામાં કોંગ્રેસ પાસે પ્રિયંકા વાડ્રાને વારાણસીથી ઉમેદવાર બનાવવા કે કેમ તે માટે બે દિવસ વધારે મળે તેમ છે. અહીં નોંધવા જેવી બાબત એ પણ છે કે કોંગ્રેસે હજી સુધી વારાણસીથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી.

આ ઉપરાંત કોંગ્રેસે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પાસેથી પણ પોતાની યોજનાના અમલ માટે મંજુરી લેવી પડે તેમ છે કારણકે આ બંને પાર્ટીઓ સાથે તેનું ગઠબંધન થઇ શક્યું  નથી. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ અમેઠી અને રાયબરેલી જ્યાંથી અનુક્રમે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી લોકસભાની ચૂંટણી લડવાના છે ત્યાંથી તેના ઉમેદવારો ઘોષિત ન કરવાની જાહેરાત પહેલેથી જ કરી દીધી છે.

તો શું હવે ગાંધી પરિવારના ત્રીજા સદસ્ય માટે પણ આ ગઠબંધન બેઠક છોડી દેવા માટે તૈયાર થશે કે કેમ એ પણ એક સવાલ છે. આ બંને પાર્ટીઓએ ઉત્તર પ્રદેશની માત્ર 3 બેઠકો અજીત સિંગના રાષ્ટ્રીય લોક દલ માટે છોડી છે અને બાકીની બેઠકો બંનેએ લગભ સરખે ભાગે વહેંચી દીધી છે. તો વારાણસી તેઓ પ્રિયંકા માટે છોડીને પોતપોતાના કોટામાંથી એક બેઠક ઓછી કરશે કે કેમ તે નક્કી કરવું અઘરું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here