IPL 2019 | મેચ 26 | શિખર સેન્ચુરી ચૂક્યો અને DCની ફોર્મ વાપસી

1
237
Photo Courtesy: iplt20.com

બેટ્સમેનની સેન્ચુરી તો મહત્ત્વની હોય જ છે પરંતુ તેનાથી વધુ મહત્ત્વની હોય છે ટીમની જીત અને IPL જેવી ટુર્નામેન્ટમાં ટીમનો નેટ રન રેટ. આ મેચમાં આવુંજ કશુંક જોવા મળ્યું હતું.

Photo Courtesy: iplt20.com

કોઇપણ સારો ખેલાડી જ્યારે ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યો હોય એ જોઈએ ત્યારે દુઃખ થાય. શિખર ધવન સાથે દિલ્હી કેપિટલ્સની આખી ટીમ જાણેકે અચાનક જ ફોર્મ વિહોણી થઇ ગઈ હતી. પરંતુ આ મેચનું પરિણામ બંને માટે ખુશખબર લઈને આવ્યું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી વચ્ચેની દિલ્હીમાં રમાયેલી મેચ અત્યંત રોમાંચક રહી હતી. આ મેચ ટાઈ રહી હતી અને સુપર ઓવરમાં કાગીસો રબાડાએ આન્દ્રે રસલને નાખેલા યાદગાર યોર્કરને લીધે DCને જીત મળી હતી. સામાન્યતઃ IPLમાં એક ટીમ સામે બીજી ટીમ હારે તો બીજી મુલાકાતમાં તેનો બદલો લેવાની યોજના હોય છે. આજે કદાચ કોલકાતાએ પણ આવી જ કોઈ યોજના બનાવી હોઈ શકે, પરંતુ આમ કરવા માટે તેને જરૂરી એવી સારી શરૂઆત મળી ન હતી.

ઓપનીંગ બેટ્સમેન જો ડેન્લી મેચના પહેલા જ બોલે આઉટ થઇ ગયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગને  મજબૂતી આપી શુભમન ગીલે. અન્ડર 19 વર્લ્ડ કપના અનેક સિતારાઓમાંથી એક એવા ગીલે આજે પોતાની ટેલેન્ટ પૂરેપૂરી દેખાડી હતી અને તેને પહેલા રોબિન ઉથપ્પાનો સાથ મળ્યો હતો અને બાદમાં આન્દ્રે રસલનો.

ગીલની સારી બેટિંગ છતાં કોલકાતાની વિકેટો પણ પડી રહી હતી અને એક મહત્ત્વની ક્ષણે ગીલ પણ આઉટ થઇ ગયો હતો. સમય હતો Dre Russ શો નો અને આન્દ્રે રસલે પોતાના ચિતપરિચિત અંદાજમાં બેટિંગ શરુ પણ કરી દીધી હતી. પરંતુ આજે દિલ્હી કેપિટલ્સ આન્દ્રે રસલ માટે કોઈ ખાસ યોજના બનાવીને આવ્યા હોય એવું લાગ્યું. શરૂઆતમાં માર ખાધા છતાં દિલ્હીએ રસલ માટે વિચારી રાખેલી ફિલ્ડીંગ પર કાયમ રહ્યા હતા અને છેવટે ક્રિસ મોરીસના ઓફ સ્ટમ્પની બહારના ફૂલ લેન્થ બોલને પોઈન્ટ બાઉન્ડ્રી પર સિક્સર મારવાની કોશિશમાં ત્યાં આ જ શોટની રાહ જોઈ રહેલા કાગીસો રબાડાને હાથે કેચ થઇ ગયો હતો.

તેમ છતાં KKRએ 178 જેવો વિશાળ સ્કોર તો ઉભો કરી જ લીધો હતો. દિલ્હીને જરૂર હતી સારી શરૂઆતની. પૃથ્વી શૉ જેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 99 રન કર્યા હતા તે આ વખતે વહેલો આઉટ થઇ ગયો. પણ આજે શિખર ધવન જબરદસ્ત ટચમાં હતો. તેના એક એક શોટ તેના બેટની મધ્યમાં જ ટકરાતા બોલને લીધે ફટાફટ બાઉન્ડ્રીનો રસ્તો પકડી લેતા હતા. કેપ્ટન શ્રેયસ ઐયરના આઉટ થયા બાદ ઋષભ પંતે બીજી તરફ ફાસ્ટ બેટિંગ કરીને શિખર ધવનને તેની નેચરલ બેટિંગ કરવા દીધી હતી.

ઋષભ પંત ફરીએકવાર ટીમને જીતાડ્યા અગાઉ જ, જે તેના માટે શક્ય હતું, ખરાબ નહીં પરંતુ ઉતાવળિયો શોટ રમીને આઉટ થઇ ગયો હતો. છેલ્લે કોલિન ઇન્ગ્રામે 1 ફોર અને 1 સિક્સર મારીને શિખર ધવનને સેન્ચુરીથી 3 રન દૂર રાખ્યો પરંતુ DC માટે વધુ મહત્ત્વના એવા 2 પોઈન્ટ્સ અપાવી દીધા હતા.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2016 | મેચ 26 | કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. દિલ્હી કેપિટલ્સ

ઈડન ગાર્ડન્સ, કોલકાતા

ટોસ: દિલ્હી કેપિટલ્સ (બોલિંગ)

કોલકાતા નાઈટ રાઈડર્સ 178/7 (20) રન રેટ: 8.9

શુભમન ગીલ 65 (39)

આન્દ્રે રસલ 45 (21)

ક્રિસ મોરીસ 2/38 (4)

કાગીસો રબાડા 2/42 (4)

દિલ્હી કેપિટલ્સ 180/3 (18.5) રન રેટ: 9.72

શિખર ધવન 97* (63)

ઋષભ પંત 46 (31)

પ્રસિદ્ધ ક્રિશ્ના 1/25 (3)

નિતીશ રાણા 1/12 (2)

પરિણામ: દિલ્હી કેપિટલ્સ 7 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ)

અમ્પાયરો: નંદન અને યશવંત બારડે | રોડ ટકર (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈયર

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

1 COMMENT

  1. જો મેચ દિલ્હીમાં રમાયેલી હોય તો ફિરોઝ શાહ કોટલા હોવું જોઈએ. તેને બદલે ઇડન ગાર્ડન?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here