એક સમયે આસાન જીત તરફ સરકી રહેલા રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનો અચાનક જ પેનિક કરવા લાગ્યા અને હાર તરફનો રસ્તો પકડી લીધો હતો પરંતુ છેવટે રાજસ્થાન જીત્યું હતું.

ક્રિકેટની રમતમાં જ્યાં સુધી છેલ્લો રન ન થાય અથવાતો છેલ્લી વિકેટ ન પડે ત્યાં સુધી કોઇપણ ટીમ પોતે મેચ પર ગમે તેટલી પકડ જમાવી હોય પોતે જીતી જશે એવું જરાય ન માની શકે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સને આવો જ અનુભવ થયો હતો.
ફરીથી કોઈ ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ વખતે વારો રાજસ્થાનનો હતો. મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત જે રીતે થઇ એ જોઇને લાગતું હતું કે RR જે પોઈન્ટ્સ ટેબલ પર છેલ્લેથી બીજા સ્થાને છે તેને કદાચ પોતાનું એજ સ્થાન શોભાવવું પડે એવું બની શકે છે. MIના ઓપનર્સ રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક પણ આરામથી રમી રહ્યા હતા અને 11મી ઓવર સુધીમાં ટીમને 100 રનની નજીક લાવીને ઉભી કરી દીધી હતી.
આઉટ થવાનો પહેલો વારો રોહિત શર્માનો હતો જે જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ ક્વિન્ટન ડી કોકે ઇનિંગ આગળ તો વધારી પણ સામે છેડે વિકેટો પડતી રહી. વિકેટો પડવાનો સિલસિલો જારી રહ્યો અને છેવટે કાયમની જેમ મુંબઈને મોટો ટાર્ગેટ સેટ કરવા માટેનો આખરી ધક્કો હાર્દિક પંડ્યાએ મારી આપ્યો હતો.
વાનખેડેની પીચ પર 188 રનનો ટાર્ગેટ ચેઝ થઇ શકે તેમ હોય છે પરંતુ રાજસ્થાન રોયલ્સે અત્યારસુધી જે બેટિંગ દેખાડી છે તેને જોઇને કોઈને પણ શંકા થાય કે તેઓ આ ટાર્ગેટ એચીવ કરી શકશે કે નહીં. તેમ છતાં અજીન્ક્ય રહાણે જેનું ફોર્મ આ ટુર્નામેન્ટમાં ઉપર નીચે થતું રહ્યું છે તેણે આજે પોતાની ટીમને સુંદર શરૂઆત આપી હતી. એક સમયે રહાણે જોસ બટલર કરતાં પણ ઘણો આગળ નીકળી ગયો હતો. રહાણેની વિદાય બાદ બાજી જોસ બટલરે સંભાળી લીધી હતી.
જોસ બટલર આજે એવી બેટિંગ કરી રહ્યો હતો જાણેકે તે પોતાની ઈચ્છા અનુસાર જ્યાં મન થાય ત્યાં સિક્સર અને ફોર મારતો હતો. સામે છેડે સંજુ સેમસને પણ રનની ગતિ બિલકુલ ધીમી પડવા નહોતી દીધી. આ બંનેએ લગભગ 7 ઓવરોમાં 87 રનની પાર્ટનરશીપ ઉભી કરી દીધી હતી જેણે રાજસ્થાનની જીતનો પાયો નાખ્યો હતો. તેમ છતાં મેચમાં હજી પણ ઘણા ઉતાર ચડાવ બાકી હતા.
બટલર અને સેમસનના આઉટ થયા બાદ RRના બેટ્સમેનો પેનિક થયા અને એક સમયે તેઓ 170 રને 2 વિકેટ પર હતા તેમાંથી સીધા 174 રને 6 વિકેટ પર આવી ગયા. અચાનક જ મેચ રસપ્રદ બની ગઈ જે અત્યારસુધી એક તરફી બની રહેશે એવું લાગી રહ્યું હતું. છેવટે શ્રેયસ ગોપાલ રાજસ્થાન રોયલ્સની વહારે આવ્યો હતો જેણે ગઈ મેચમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મહત્ત્વની ઇનિંગ રમી હતી.
આમ જીતના દરવાજે આવીને રાજસ્થાન અચાનક જ હારની ખાઈના કિનારે આવી ગયું હતું તેમાંથી તે અંતે મેચ જીતી ગયું હતું.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 27 | મુંબઈ ઇન્ડિયન્સ વિ. રાજસ્થાન રોયલ્સ
વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
ટોસ: રાજસ્થાન રોયલ્સ (બોલિંગ)
મુંબઈ ઇન્ડિયન્સ 187/5 (20) રન રેટ: 9.35
ક્વિન્ટન ડી કોક 81 (52)
રોહિત શર્મા 47 (32)
હાર્દિક પંડ્યા 28* (11)
જોફ્રા આર્ચર 3/39 (4)
રાજસ્થાન રોયલ્સ 188/6 (19.3) રન રેટ: 9.74
જોસ બટલર 89 (43)
અજીન્ક્ય રહાણે 37 (21)
કૃણાલ પંડ્યા 3/34 (4)
જસપ્રીત બુમરાહ 2/23 (4)
પરિણામ: રાજસ્થાન રોયલ્સ 4 વિકેટે જીત્યા
મેન ઓફ ધ મેચ: જોસ બટલર (રાજસ્થાન રોયલ્સ)
અમ્પાયરો: નિતીન મેનન અને નંદ કિશોર | મરાઈસ ઇરેસ્મસ (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: જવાગલ શ્રીનાથ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું