આવો જાણીએ કઈ રીતે ભારતમાં બૌદ્ધ ધર્મ પ્રભાવશાળી થી પ્રભાવહીન બની ગયો?

0
923
Photo Courtesy: tourmyindia.com

ભારતમાં બૌદ્ધ ધર્મનો ઉદય અને પ્રસાર જેટલો ઝડપથી થયો કદાચ એટલીજ ઝડપથી તે અળખામણો પણ બનવા લાગ્યો. આમ થવા પાછળના કારણો કયા હતા અને કેવી રીતે બૌદ્ધ ધર્મ સામ્યવાદીઓનો પ્રિય થઇ પડ્યો તે પણ જાણીએ.

Photo Courtesy: tourmyindia.com

આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાં સત્તરમી લોકસભાની ચૂંટણીનું પ્રથમ ચરણ સમાપ્ત થઇ ગયું છે અને કદાચ આ વંચાઈ રહ્યું હશે ત્યારે બીજા ચરણનાં મતદાનને કલાકોની વાર હશે. આ ચૂંટણીના ઘણા મુદ્દાઓ પૈકી એક મુદ્દો હિન્દુત્વ વિરુદ્ધ અન્યોનો હશે. ભાજપા જે પોતાને હિન્દુ તરફી માને છે એનો મુકાબલો હિન્દૂ વિરોધી એવા કોંગ્રેસ અને ડાબેરીઓ સામે છે અને પાછલાં અંકમાં જોયું એમ, લોકોની સામે ભલે એકબીજા સામે તલવારો તાણતા હોય, પણ પાછલા બારણેથી કોંગ્રેસ અને ડાબેરીઓ એકજ છે. હિંદુઓ અને હિન્દુત્વ માટેનો અણગમો આ લોકોથી છુપાયેલો નથી. એક આવો જ ધર્મ પુરાતન કાળમાં અસ્તિત્વમાં આવેલો, જેનો આ ડાબેરીઓ હિંદુત્વના અણગમા માટે “ઉપયોગ કરે છે”. આ બૌદ્ધ ધર્મ, જેની શરૂઆત હિન્દુત્વની ખામીઓ સુધારવા માટે થઇ હતી એ એક સમયે એશિયા અને ભારતનો સહુથી પ્રભાવશાળી ધર્મ હતો. પણ આજે ભારતમાં બૌદ્ધ ધર્મ પ્રભાવશાળી માંથી પ્રભાવહીન થઇ ગયો છે. એની પ્રભાવશાળી માંથી પ્રભાવહીન બનવાની મુસાફરીમાં જ ડાબેરીઓને હટાવવાનો ઉપાય છુપાયેલો છે. 

આજથી 2500-2700 વર્ષ પહેલા પુરાતન ભારતમાં એક તરફ ભગવાન બુદ્ધે ધ્યાન અને નિર્વાણના પાયા પર બૌદ્ધ ધર્મની શરૂઆત કરી, અને બીજી તરફ ભગવાન મહાવીરે અહિંસા, અપરિગ્રહ અને સત્ય નાં પાયા પર જૈન ધર્મનો પુનરુદ્ધાર કર્યો. આ બંને બદલાવ એ સમયે ફેલાયેલા હિંસા, ભ્રષ્ટાચાર, અને વ્યભિચાર સામે અસરકારક ઉપાયો હતા. જેના પ્રતિભાવ સ્વરૂપ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ફેલાઈ રહયા હતા. ખાસ તો એ સમયનાં વ્યાપારીઓને બૌદ્ધ સંઘો અને નિયમોનું જોરદાર આકર્ષણ હતું. એ સમયે સામાન્ય પ્રજા સુધી બૌદ્ધ ધર્મનો યોગ્ય પ્રચાર કરવામાં આ પુરાતન ભારતનાં વ્યાપારીઓનો જોરદાર ફાળો હતો.

આ સમય ગાળામાં જ કલિંગનું યુદ્ધ થયું, જેણે ભારતનાં અને બૌદ્ધ ધર્મના ઇતિહાસને કાયમ માટે બદલી દીધો. કલિંગનાં યુદ્ધમાં થયેલા વિનાશ અને હિંસાનાં લીધે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે પોતાના ખર્ચે બૌદ્ધ સાધુઓને (જેમાં અશોકનો પુત્ર મહેન્દ્ર પણ હતો) દેશ વિદેશમાં મોકલ્યા. આ પ્રચાર પ્રસાર ઉપરાંત પોતાના શિલાલેખોમાં બૌદ્ધ ધર્મની મહિમા સ્તુતિ, બૌદ્ધ સ્તુપનાં નિર્માણ પણ કરાવ્યા, અને અધૂરામાં પૂરું અશોકે જાતે રસ લઇ ત્રીજી મહા બૌદ્ધ સભાનું(Third Budhdhist Counsil) આયોજન કરાવ્યું.

સમ્રાટ અશોકે મોકલેલા બૌદ્ધ પ્રચાર સંઘ ને દર્શાવતો નકશો, આ બૌદ્ધ પ્રચાર સંઘ માંનો એક સંઘ જે શ્રીલંકા ગયો હતો, એમાં અશોકનો પુત્ર મહેન્દ્ર પણ હતો. Couresy: Wikimedia

સમ્રાટ અશોકનાં આ રક્ષણ અને પ્રોત્સાહનનાં લીધે ભારતમાં બૌદ્ધ ધર્મ વાર્તાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલો રાતે વધવા માંડ્યો. જોકે મૌર્ય સામ્રાજ્યમાં દરેક ધર્મોને સરખું સન્માન આપવામાં આવતું. ઉત્તર પશ્ચિમે આજના અફઘાનિસ્તાનથી લઇ દક્ષિણ માં આંધ્ર અને શ્રીલંકા અને પૂર્વે છેક બર્મા સુધી ફેલાયેલા મૌર્ય સામ્રાજ્યમાં બૌદ્ધ ધર્મને સામાન્ય પ્રજા અને એ સમયના ઉચ્ચ વર્ગ બંને એ વધાવ્યો હતો.

અશોકનાં મૃત્યુ અને મૌર્ય સામ્રાજ્યનાં પતન પછી પણ બૌદ્ધ ધર્મને ઘણા રાજાઓનું સમર્થન અને પ્રોત્સાહન મળ્યું હતું. જેમાં એક સમયે ગાંધાર(કાબુલ) અને આસપાસના સામ્રાજ્યો અને દક્ષિણે આંધ્ર ના સામ્રાજ્યો પણ હતા. બૌદ્ધ ધર્મ એક સમયે એવો પ્રભાવશાળી હતો કે ભારત પર શાસન કરનાર મૌર્ય સામ્રાજ્ય હોય કે ભારત પર આક્રમણ કરનાર ગ્રીક(યવન), શક, કુષાણ કે ભારતમાં થયેલા દરેકે બૌદ્ધ ધર્મને પોતાની રીતે અપનાવ્યો અને એમાં પોતાની રીતે કોલબરેશન કર્યું હતું.

ગ્રીક સમ્રાટ મીનેન્ડર (Cortesy: Wikipedia)

જેમકે ગ્રીક સમ્રાટ મીનેન્ડર(ઉર્ફે મિલિન્દ)એ બૌદ્ધ સાધુઓ અને સંઘો ને આશ્રય આપ્યો, અને મોટી મોટી બૌદ્ધ પ્રતિમાઓ બનાવી. અત્યારે આપણે જે વાંકડિયા વાળ અને ઉપર અંબોડો હોય એવા બુદ્ધ ભગવાનનું ચિત્રણ અને પ્રતિમાઓ ગાંધારની સ્ટાઇલની છે જેના પર મીનેન્ડર અને એના વંશજોએ શાસન કરેલું. શક શાસન (જેની શરૂઆત કે અંત ના સમયને ધ્યાનમાં રાખી આપણું સરકારી કેલેન્ડર શક સંવત બનાવ્યું છે) એ ગૌતમ બુદ્ધનેજ શાક્યમુનિ નામ આપીને પોતાના બનાવી લીધા. જયારે કુષાણ સમ્રાટ કનિષ્કે સમ્રાટ અશોકનાં રસ્તે જઈ બૌદ્ધ મહાસભા પણ બોલાવી હતી. દક્ષિણથી આવતા ગૌતમીપુત્ર સાતકર્ણી અને એ સમયના ગુજરાત પર શાસન કરતાં નહપાના એ પોતાના ધર્મનું પાલન કરતાં કરતાં બૌદ્ધ ધર્મને આશ્રય અને પ્રોત્સાહન આપ્યા. ભારતમાં બૌદ્ધ ધર્મને સામાન્ય લોકો અને ઉચ્ચ વર્ગના વ્યાપારીઓનું સમર્થન લગભગ એક હજાર વર્ષ સુધી મળતું રહ્યું.

આ ગાળામાં બૌદ્ધ ધર્મને ભલે રાજકીય સન્માન મળ્યું હોય. અને ભલે અશોકથી કનિષ્ક સુધીના મહારાજાઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હોય. પણ એ દરમ્યાન આ રાજાઓની કૃપા તળે હિન્દૂ ધર્મને પણ સન્માન મળતું હતું. બૌદ્ધ અને હિન્દૂ બંને ધર્મનાં નાગરિકોનો સરખો આદર મેળવવા આ રાજાઓ બંને ધર્મને લગભગ સરખું પ્રોત્સાહન આપતા હતા. હિન્દૂ ધર્મ કોઈ ખતરામાં ન હતો. પણ હા, હિન્દૂ ધર્મને રાજકીય અને આર્થિક પ્રોત્સાહન માટે જૈન અને ખાસ તો બૌદ્ધ ધર્મ સાથે જોરદાર સ્પર્ધાઓ હતી. પણ હિન્દૂ ધર્મ બૌદ્ધ ધર્મની જેમ કોઈ સંઘ પર આધારિત ન હતો. એ આજની જેમજ સામાન્ય પ્રજા અને વિદ્વાનો દ્વારા ચર્ચા અને વાદવિવાદ સાથે સતત વિકસતો, અને પોતાનામાં યોગ્ય બદલાવ લાવતો રહેતો ધર્મ હતો.

સામે બૌદ્ધ ધર્મ અને ખાસ તો બૌદ્ધ સંઘ ને મળેલા આટલા સમ્માનનાં લીધે એ લોકોને અભિમાન આવવા માંડ્યું. ગુપ્ત સામ્રાજ્ય (3જી સદી થી 5મી સદી)ના આવતા સુધીમાં બૌદ્ધ ધર્મ અને સંઘ રાજાઓના પ્રોત્સાહન અને દાન પર નભવા લાગ્યો હતો અને સામે એ રાજાઓને રાજ્ય સાંભળવામાં અને બીજી કોઈ રીતે બૌદ્ધ સાધુઓ મદદ કરી રહ્યા ન હતા. ભારતમાં બૌદ્ધ ધર્મ માત્ર નિર્વાણ પર જ ધ્યાન આપતો અને સામે વ્યાપાર અને યુદ્ધ નો વિરોધ કરતો. એના લીધે સમ્રાટ અશોકના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્ય નબળું પાડવા લાગ્યું અને એ પછીના 500-600 વર્ષ સુધી કનિષ્ક અને શક રાજાઓ સિવાયના અમુક અપવાદો બાદ કરતા બૌદ્ધ ધર્મને સપોર્ટ આપવાવાળો કોઈ એવો રાજા ન થયો જે મોટા વિસ્તાર કે લાંબા સમય સુધી શાસન કરી શકે. અને બૌદ્ધ ધર્મને જૈન અને હિન્દૂ ધર્મ સાથેની સ્પર્ધામાં મદદ કરી શકે.

જયારે હિન્દૂ ધર્મ(જેને ઘણા બૌદ્ધ તરફી અને ડાબેરી ઇતિહાસકારો બ્રાહ્મણવાદ તરીકે ઓળખવાનું પસંદ કરે છે) પહેલે થી સમાજના ચાર અગત્યના કામ અને એના વર્ણનાં મહત્વને સમજતો હતો. ભલે વર્ણાશ્રમ ધર્મ એક સમયે આ બૌદ્ધ ધર્મથી ય જડ હતો, પણ એણે બૌદ્ધ ધર્મની જેમ માત્ર વાદવિવાદ(બ્રાહ્મણવાદ)ને જ મહત્વ ન આપ્યું પણ સાથે સાથે લડાઈ(ક્ષાત્ર ધર્મ), વ્યાપાર(વૈશ્ય) અને સેવાકીય(શુદ્ર) લોકોને પણ મહત્વ આપ્યું. અને તત્કાલીન રાજાઓને સેવા આપવાને પોતાનો ધર્મ સમજ્યો. એ સમયે કોઈ રાજાઓની સભામાં એના સલાહકાર તરીકે બ્રાહ્મણોનું હોવું એ બહુ સામાન્ય વાત હતી. પરંતુ આવા “દુન્યવી કામ” કોઈ બૌદ્ધ સાધુ કે સંઘનો સભ્ય કરે એ એક અપવાદ હતો, અને આ અપવાદને બૌદ્ધ લોકો ગાઈ વગાડીને કહેતા હતા.

લાગતું વળગતું: ધર્મતત્વના અંધત્વમાં ખોવાયું સ્ત્રીત્વ

આ ગાઈ વગાડીને કહેવું, પોતાના રાજાઓને મહાન દેવતા તરીકે ચીતરવા અને વિરોધીઓને જધન્ય રાક્ષસો તરીકે ચીતરી નાખવા એ આ બૌદ્ધ સંઘની યુનિક વિશેષતા રહી છે જે આ ડાબેરીઓએ જેમની તેમ જાળવી રાખી છે. જેના બે મૌર્ય-મોટા ઉદાહરણ છે સમ્રાટ અશોક પોતે અને મૌર્ય સામ્રાજ્યનો ઓફિશિયલી અંત લાવનાર પુષ્યમિત્ર શુંગ.

સમ્રાટ અશોક જો એક સામાન્ય સારો રાજવી હોત, પ્રજામાં પ્રિય હોત તો એને બૌદ્ધ બનાવવામાં કોઈ એચીવમેન્ટ ન ગણાત. એચીવમેન્ટ તો ત્યારે થાત જયારે સમ્રાટ અશોક ક્રૂર રાજા હોત. અને એની ક્રૂરતા તત્કાલીન બીજા રાજાઓ કરતા પણ ચાર ચાસણી ચડે એવી હોત. અને એટલે જ બુદ્ધ સંઘે થોડા એગ્રેસીવ અને યુવાન અશોકને ચંડ અશોક બનાવી દીધો જે એટલો ક્રૂર બનાવી દીધો કે આજ ચંડ અશોક નોર્મલ અને ઠરેલ શાસક બન્યો એ બૌદ્ધ ધર્મના લીધે બન્યો એવું ગણાવી શકાય.

શુંગ સામ્રાજ્યનો એક સૈનિક, પુષ્યમિત્ર શુંગ આવાજ દેખાતા હશે. Courtesy: Wikimedia

જેમ સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ માટે હીરો હતો તો પુષ્યમિત્ર શુંગ બૌદ્ધ ધર્મ માટે વિલન હતો. અને એને વિલન બનાવવા માટે બે મુદ્દા હતા. એક એ બ્રાહ્મણ હતો, અને બીજું એણે બૌદ્ધ ધર્મને સપોર્ટ કરતા રાજા બૃહદ્રથઃ મૌર્ય ને હટાવી શુંગ સામ્રાજ્યનો સમ્રાટ બન્યો અને એણે બૌદ્ધ સાધુઓને મળતી સહાય ઓછી કરી દીધી. માત્ર આ બે કારણોના લીધે બૌદ્ધ ધર્મે એના વિરુદ્ધ વાર્તાઓ લખવાની શરુ કરી. આ વાર્તાઓમાં એવું કહેવામાં આવ્યું કે પુષ્યમિત્ર બૌદ્ધ ધર્મને ધિક્કારતો હતો અને એટલેજ એણે બૌદ્ધ સ્તુપોનો નાશ કર્યો, બૌદ્ધ સાધુઓના માથા માટે સો સોનામહોરોના ઇનામની ઘોષણા કરી.

આ ચંડ અશોક કે પુષ્યમિત્રના બૌદ્ધ વિરોધી હોવાની કોઈ સાબિતીઓ નથી મળી. અશોક એગ્રેસીવ હતો, પણ એને ચંડ બનાવનાર વાર્તાઓ પોતે બૌદ્ધ કથાઓની કોપી છે. અને પુષ્યમિત્ર શુંગને વિલન ચીતરતી વાર્તાઓમાં ઘણા વિરોધાભાસ છે. ઉલ્ટાનું એ વાતની ચોખ્ખી સાબિતી છે કે અમુક બૌદ્ધ સાધુઓએ પુષ્યમિત્ર દ્વારા મળતી સહાયના બંધ થવાથી ગુસ્સે ભરાઈ પુષ્યમિત્ર ના શત્રુ એવા ગ્રીક રાજાઓને મદદ કરી હતી.

કહેવાય છે કે ડાબેરીઓ શાણા હોય તો મૂડીવાદીઓ દોઢ શાણા હોય છે. અને આ વાત બૌદ્ધ અને હિંદુઓ પર પણ લાગુ પડી છે. બૌદ્ધ ધર્મ હિન્દૂઓ અને બ્રાહ્મણવાદીઓ સામે લડતા લડતા પોતે બ્રાહ્મણવાદી થઇ ગયા, અને જે વિધિવિધાનનો વિરોધ કરતા હતા એ વિધિવિધાનને જડતાથી માનવા લાગ્યા. સામે હિન્દુઓએ પોતાની ભૂલ સ્વીકારી બૌદ્ધ ધર્મના બધાજ સારા પાસાઓને અનુસરવા લાગ્યા. યોગ અને ધ્યાન તરફ ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું, ખોટી હિંસાઓ અને ખાસતો વિધિઓમાં થતા બલિદાનો પર રોક લગાવી અને હિન્દૂ મંદિરો અને સાધુઓને સમ્માન આપવા લાગ્યા. આ ધાર્મિક અને સામાજિક સુધારામાં આદિ શંકરાચાર્ય પણ અગ્રેસર હતા.

એક તરફ હિન્દુઓનો બૌદ્ધ સુધારાઓનો સ્વીકાર અને બીજી તરફ બૌદ્ધ સંઘના મનમાં આવી ગયેલી જડતાના લીધે સામાન્ય પ્રજા હિન્દૂ અને બૌદ્ધ ધર્મ વચ્ચે કોઈ ફરક કરી શકતી ન હતી. એવામાં હિન્દૂ ધર્મ દ્વારા ભગવાન બુદ્ધનો વિષ્ણુ અવતાર તરીકે સ્વીકાર એ ભારતમાં બૌદ્ધ ધર્મ ની લોકપ્રિયતા પર જોરદાર ઘા હતો, જેમાંથી બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ સંઘ કદી ઉગરી ન શક્યા. આવા સમયે ચીની અને જાપાની સામ્રાજ્યો એ બૌદ્ધ ધર્મને પ્રાધાન્ય આપવાનું શરુ કર્યું હતું. ધીમે ધીમે બૌદ્ધ ધર્મ ચીન-જાપાન અને શ્રીલંકા તરફ પ્રયાણ કરી રહ્યો હતો. બૌદ્ધ ધર્મના આ પતનના કોફીન પર છેલ્લો ઘા મુસ્લિમ શાસકોએ કર્યો.

આદિ શંકરાચાર્યનું રાજા રવિ વર્માનું ચિત્ર Courtesy: Wikimedia

આજે આ બૌદ્ધ ધર્મ નવા સ્વરૂપે ઉદય પામી રહ્યો છે. પણ એના મૂળમાં એજ હિન્દૂ વિરોધ રહેલો છે. ભગવાન રામ, શિવ, કૃષ્ણ અને હિંદુત્વના બધા ભગવાન અને હિન્દુત્વનો સંપૂર્ણ અસ્વીકાર એ આજે બૌદ્ધ ધર્મ સ્વીકારવાની મુખ્ય શરતો માંથી એક છે. આ બૌદ્ધ ધર્મ બાબાસાહેબ આંબેડકરે સ્વીકાર્યો હતો, અને દલિત કી બેટી માયાવતી પણ આજકાલ આ બૌદ્ધ ધર્મ અપનાવવાની ધમકી દીધે રાખે છે. અને કોંગ્રેસ અને ડાબેરીઓનો આ આખા હિન્દૂવિરોધી નાટકને ખુલ્લેઆમ સમર્થન છે.

અને એટલેજ આ હિન્દૂવિરોધીઓ ને ન ફાવવા દેવા એ આપણી ફરજ છે. કારણકે જે હિંદુત્વને મનુવાદી અને જડ કહ્યો છે એ હિન્દુત્વ આ લેખમાં જોયું એમ, અને આવતા લેખમાં જોઈશું એમ સિવિલાઈઝેશન ની શરૂઆત થી વિશ્વના સહુથી લિબરલ ધર્મ રહ્યો છે. નરેન્દ્ર મોદી હિન્દૂ હૃદય સમ્રાટ છે એવું માનવું કે ન માનવું એ તમારા હાથમાં છે, અને એ હિન્દુઓનો ઉદ્ધાર કરે છે કે કેમ એ પણ તમારી પર્સનલ માન્યતા છે.પણ કોંગ્રેસી અને ડાબેરીઓ હિન્દૂવિરોધી છે અને હિન્દુત્વને હેરાન કરવામાં એ કોઈ કસર નહિ છોડે એ વાત પાક્કી છે. એટલે તમે જ્યાં હો ત્યાં, અને જે દિવસ હોય તે, તમારો મત જરૂરથી દેજો અને આ મત પણ તમારો છે અને સોચ પણ તમારી છે. એટલે કોઈ ના ભરમાવામાં આવશો નહિ.અને

મે ધ શક્તિ બી વિથ યુ…

P.s. જો આ પોસ્ટ નાં લીધે કે બીજા કોઈ કારણથી તમને ભારતીય ઇતિહાસમાં રસ હોય અને પોડકાસ્ટ સંભાળતા હો તો એકોઝ ઓફ ઈંડિયા પોડકાસ્ટ સાંભળજો. આ લેખ વિશે ની ઘણી માહિતી અને પ્રેરણા આ પોડકાસ્ટ ની પહેલી સીઝન માંથી મળી છે. આ પોડકાસ્ટ આ લિંક પર ઉપલબ્ધ છે.

eછાપું 

તમને ગમશે: પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ પાસેથી કાશ્મીર મુદ્દે આવી આશા ન હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here