IPL 2019 | મેચ 28 | છેવટે RCBએ જીતનું મીઠું ફળ ચાખ્યું

0
80
Photo Courtesy: iplt20.com

જીત દરેક સંજોગોમાં મીઠી હોય છે, પરંતુ જો આ જીત એક લાંબા ગાળાના અને સતત નિષ્ફળ જતા પ્રયાસો બાદ મળે તો તે વધુ મીઠી લાગતી હોય છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ જીત આવી જ હતી.

Photo Courtesy: iplt20.com

કોઇપણ રમત જીતવા માટે રમાતી હોય છે પણ જો જીત તમારાથી હંમેશા બે કદમ દૂર ભાગતી હોય ત્યારે તમને એવું લાગે કે એ તમારા નસીબમાં છે જ નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ છેવટે હારનો સિલસિલો તોડીને જીતના મીઠા બે પોઈન્ટ્સ મેળવવામાં સફળ રહ્યું હતું.

મોહાલીની બેટિંગ વિકેટ પર ટોસ જીતીને આ સિઝનમાં પોતાના પ્રથમ વિજય મેળવવાની કોશિશ કરવા માટે બેંગલોરે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આજે ક્રિસ ગેલ તોફાની મૂડમાં હતો. તેણે અને લોકેશ રાહુલે કિંગ્સ ઈલેવન પંજાબને જોઈતું સ્ટાર્ટ અપાવ્યું હતું. રાહુલ ક્રિસ ગેલને યોગ્ય સાથ આપી જ રહ્યો હતો ત્યાં તે યુઝવેન્દ્ર ચાહલના બોલમાં પાર્થિવ પટેલના હાથે સ્ટમ્પ આઉટ થઇ ગયો હતો.

પંજાબને છેલ્લી મેચથી એક તકલીફ નડી રહી છે અને તે એ છે કે સારી શરુઆત મળ્યા બાદ જેવી એક વિકેટ પડે એટલે તે પોતાનો માર્ગ ભટકી જાય છે. આ વખતે ક્રિસ ગેલ તો પોતાની રીતે શોટ્સ મારી રહ્યો હતો પરંતુ લોકેશ રાહુલના આઉટ થયા બાદ મયંક અગરવાલ અને સરફરાઝ ખાન સારી શરૂઆત મળવા બાદ તરતજ આઉટ થઇ ગયા. આમ આ વખતે પહેલી વિકેટ પડ્યા બાદ ધીમા પડી જવાને બદલે એક પછી એક વિકેટો પડવાને લીધે KXIP પોતાનો માર્ગ ફરીથી ભટકી ગયું હતું.

કદાચ આ જ કારણ હતું કે ક્રિસ ગેલ પણ આટલું શાનદાર રમવા છતાં છેવટે એક રન માટે પોતાની સેન્ચુરી ચૂકી ગયો હતો અને કિંગ્સ ઈલેવન પંજાબ પણ ફરીથી 10-15 રન ઓછા કરી શક્યા હતા. IPLમાં ઇતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સુરેશ રૈના બાદ ક્રિસ ગેલ એવો બીજો બેટ્સમેન બન્યો હતો જે 99 રન પર નોટ આઉટ રહ્યો હોય.

RCB પાસે કોઈ ખાસ વિકલ્પો ન હતા. જ્યારે તમે સળંગ 6 મેચો હારી ગયા હોવ અને એક વધુ હાર તમને IPLના પ્લે ઓફ્સના એક્ઝીટ ડોરની બહાર મૂકી દે ત્યારે તમારે ફક્ત સારું રમીને જીત મેળવવાની કોશિશ જ કરવાની હોય છે અને પછી પણ જો હાર મળે તો લોકો તમારા નસીબને દોષ દઈ દેતા હોય છે અને જો આ પ્રયાસોથી વિજય મળે તો પછી એને સ્વીકારવામાં કોઈને પણ વાંધો ન હોય.

કેપ્ટન કોહલી આ વિજય મેળવવા માટે મક્કમ હોય તેવી તેની બેટિંગ પરથી લાગી રહ્યું હતું. વિરાટ કોહલીએ બહુ ઓછા શોટ્સ હવામાં માર્યા હતા. કોહલીના આઉટ થયા બાદ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હારના પડછાયાથી દૂર તો નહોતુંજ પરંતુ એ બી ડી વિલીયર્સ અને માર્કસ સ્ટોઈનીસે વધુ કોઈ ભૂલો કર્યા વગર બેંગ્લોરને આ સિઝનની પહેલી જીત સુનિશ્ચિત કરાવી આપી હતી.

કિંગ્સ ઈલેવન પંજાબે મધ્ય ઓવરોમાં લથડી જતી અથવાતો માર્ગ ભટકી જતી પોતાની ઇનિંગનો કોઈ ઈલાજ કરવો પડશે. ગયા વર્ષે પણ પંજાબની ટીમે ધમાકેદાર શરૂઆત કર્યા પછી તે અચાનક જ ઠંડી પડી ગઈ હતી એટલે આ વખતે એ ભૂલની પુનરાવૃત્તિ ન થાય એનું તેમણે ધ્યાન રાખવું રહ્યું.

બીજું, આ મેચમાં છેલ્લી ઓવરમાં RCBને જીતવા માટે 6 રનની જરૂર હતી ત્યારે સેમ કરનની એક ઓવર આખી બાકી હોવા છતાં રવિચંદ્રન અશ્વિને સરફરાઝને બોલિંગ આપીને હાર સ્વીકારી લીધી હોય એવું લાગ્યું. યાદ રહે આ જ IPLમાં સેમ કરને છેલ્લી ઓવરમાં જ હેટ્રિક લઈને એક હારી ગયેલી મેચ KXIPને જીતાડી હતી. એવું નથી કે આ વખતે પણ એમ જ થાત, પણ છેલ્લી ઓવરમાં અનુભવી બોલરને બોલિંગ આપવી જ યોગ્ય રહેતું હોય છે.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 28 | કિંગ્સ ઈલેવન પંજાબ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

આઈ એસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી (ચંડીગઢ)

ટોસ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બોલિંગ)

કિંગ્સ ઈલેવન પંજાબ 173/4 (20) રન રેટ: 8.65

ક્રિસ ગેલ 99* (64)

લોકેશ રાહુલ 18 (15)

યુઝવેન્દ્ર ચાહલ 2/33 (4)

મોઈન અલી 1/19 (4)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 174/2 (19.2) રન રેટ: 9.06

વિરાટ કોહલી 67 (53)

એ બી ડી વિલીયર્સ 59* (38)

માર્કસ સ્ટોઈનીસ 28* (16)

રવિચંદ્રન અશ્વિન 1/30 (4)

પરિણામ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 8 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: એ બી ડી વિલીયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)

અમ્પાયરો: ઉલ્હાસ ગંધે અને એસ રવિ | નાઈજલ લોંગ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: પ્રકાશ ભટ્ટ

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here