ચેન્નાઈ સુપર કિંગ્સ ફરીએકવાર છેલ્લી ઓવરમાં વિજયી નીવડ્યા. જીત આખરે જીત હોય છે પરંતુ ઘણીવાર મોડી જીત મેળવવાની આદત અણીના સમયે ભારે પણ પડી જતી હોય છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

કોઇપણ ક્રિકેટ મેચ છેલ્લી ઓવરમાં પરિણામ લાવે તો તેમાં મજા આવે જ, પરંતુ લાગે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લી ઓવરમાં જ મેચ જીતવાની આદત પડી ગઈ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રાહતની વાત એ હતી કે આજે તેઓ ફરીથી પોતાના ઘરમાં રમી રહ્યા હતા. ઈડન ગાર્ડન્સની પીચ આ વખતે બેટ્સમેનોને ખૂબ મદદ કરી રહી છે. એવામાં કોલકાતાના બેટ્સમેનો પાસે ઓછામાં ઓછા 180+ના સ્કોરની આશા રાખવી કોઈ મોટી વાત ન હતી. ક્રિસ લીન પણ જાણેકે એ જ મૂડમાં અથવાતો એ પ્રકારના આદેશ હેઠળ બેટિંગ કરવા ઉતર્યો હતો. પહેલી જ ઓવરથી જ લીન ચેન્નાઈના બોલર્સને ફટકારી રહ્યો હતો.
ક્રિસ લીન CSKના બોલર્સ પર કેટલું પ્રભુત્વ ધરાવતો હતો તેનું ઉદાહરણ એ હકીકત પરથી મળે છે કે છેક પાંચમી ઓવરમાં તેનો સાથીદાર સુનિલ નારાયણ આઉટ થયો ત્યારે નારાયણે માત્ર 7 બોલ જ રમ્યા હતા. એક રીતે જોવા જઈએ તો KKRની આ આખી ઇનિંગ જ ક્રિસ લીન દ્વારા એકલે હાથે રમાયેલી ઇનિંગ હતી. લીને 82 રન કર્યા જે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી આ મેચનો હાઈએસ્ટ સ્કોર હતો અને તેના બાદ નિતીશ રાણાએ 21 રન કર્યા હતા.
આમ લીન સિવાય કોલકાતાના અન્ય બેટ્સમેનો જેમાં આન્દ્રે રસલ પણ સામેલ છે તેઓ કોઈ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ જતા KKR માત્ર 161 રન કરી શક્યા હતા જે લગભગ 15 થી 20 રન ઓછા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર શેન વોટ્સન માટે આ સિઝન હજી સુધી યાદગાર નથી રહી અને આજે તેનો ટચ જોઇને લાગી રહ્યું હતું કે તે કોઈ મોટો સ્કોર કરશે, પરંતુ તે માત્ર 6 રને જ આઉટ થઇ ગયો હતો. થોડા સમયના અંતરે ફાફ દુ પ્લેસી અને અંબાતી રાયુડુના આઉટ થયા બાદ ચેન્નાઈના સહુથી સફળ બેટ્સમેન સુરેશ રૈનાએ આજે પોતાનું કૌવત દેખાડ્યું હતું અને હાફ સેન્ચુરી કરી હતી. CSKની ગઈ મેચનો હીરો કેપ્ટન ધોની આજે ખાસ કશું કરી શક્યો ન હતો.
ધોનીના આઉટ થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સમક્ષ હાર દેખાઈ રહી હતી અને આવા જ સંજોગોમાંથી આ ટીમ કાયમ કેમ જીતી જાય છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું રવિન્દ્ર જાડેજાએ. જાડેજાએ 5 બાઉન્ડ્રીઓ મારીને ટીમને છેલ્લી ઓવરમાં (ફરીથી) જીતાડી દીધી હતી.
જીત છેવટે જીત જ હોય છે, પરંતુ કાયમ એ જીત જો છેલ્લી ઘડીએ મળતી હોય તો કોઈકવાર તકલીફ આપી શકે છે. આશા કરીએ કે હવે જ્યારે CSK પ્લે ઓફ્સમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી ચૂક્યું છે ત્યારે આવનારી એક કે બે મેચોમાં તે થોડું રિસ્ક લઈને તેને એક કે બે ઓવર પહેલા જીતવાની કોશિશ કરશે.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 29 | કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ
ઈડન ગાર્ડન્સ, કોલકાતા
ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)
કોલકાતા નાઈટ રાઈડર્સ 161/8 (20) રન રેટ: 8.05
ક્રિસ લીન 82 (51)
નિતીશ રાણા 21 (18)
ઇમરાન તાહિર 4/27 (4)
શાર્દુલ ઠાકુર 2/18 (4)
ચેન્નાઈ સુપર કિંગ્સ 162/5 (19.4) રન રેટ: 8.35
સુરેશ રૈના 58* (42)
રવિન્દ્ર જાડેજા 31* (17)
સુનિલ નારાયણ 2/19 (4)
પિયુષ ચાવલા 2/32 (3.4)
પરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સ 5 વિકેટે જીત્યા
મેન ઓફ ધ મેચ: ઇમરાન તાહિર
અમ્પાયરો: નંદન અને રોડ ટકર | યશવંત બારડે (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: મનુ નૈયર
પોઈન્ટ્સ ટેબલ
eછાપું