મત આપતાં પહેલાં આ 10 મુદ્દાઓ વિશે જરૂર વિચાર કરજો…

0
203
Photo Courtesy: triumphdesign.in

તમારો મત મોદીને આપવાનું હું કહેતો જ નથી, રાહુલ, મમતા, માયાવતી, અખિલેશ કે કેજરીવાલને પણ નહીં… માત્ર નીચેના મુદ્દાઓ વિચારી ને મત આપજો…

Photo Courtesy: triumphdesign.in

આપણે લાયક ન હોય તેવા વ્યક્તિને એક રોટલી પણ નથી આપતા, મત શા માટે? મત આપતા પહેલા નીચેના દસ મુદ્દાઓ વિશે અવશ્ય વિચારજો!

(1) રાષ્ટ્રભક્તિ: શું આપણાં ઉમેદવાર માટે રાષ્ટ્રભક્તિ સર્વોચ્ચ સ્થાને છે? શું પ્રધાનમંત્રી પદના ઉમેદવારને ક્યારેય વંદે માતરમ્ કે ભારત માતા કી જય બોલવામાં સંકોચ તો નથી ને?

(2) ઈમાનદારી: શું પ્રધાનમંત્રીની સત્તા મેળવવા માંગતા ઉમેદવારે ભૂતકાળમાં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો હતો? શું તમને શંકા કે ખાતરી છે કે, એ ઉમેદવાર વિદેશી બેંકોમાં ખાતાઓ ધરાવે છે અને પોતાનાં માટે કે પરિવાર માટે ખૂબ ભેગું કરે છે?

(3) પરિશ્રમી: પ્રધાનમંત્રી બનવા માંગતા ઉમેદવારે ભૂતકાળમાં એક વર્ષમાં કેટલી રજા લીધી હતી અથવા તો કેટલા કલાક કામ કરતો હતો? એ લાંબી રજાઓ પર જતો રહે છે? એક પ્રવાસ કર્યા બાદ લાંબો બ્રેક લે છે? કે દેશ માટે જાત તોડી ને પણ દોડે છે?

(4) નેતૃત્વ કૌશલ્ય: પ્રધાનમંત્રીની ખુરશી પર બેસવા ઈચ્છતા ઉમેદવારે ભૂતકાળમાં કેવું-કેટલું-ક્યાં કાર્ય કરીને તેને સમયસર પૂર્ણ કર્યું છે? શું તેનાં નેતૃત્વને દુનિયાએ સ્વીકાર્યું છે? વિશ્વ શું તેની તરફ માનભરી નજરથી જુએ છે? શું તમને લાગે છે કે, તેને કારણે આખી દુનિયામાં ભારતની જે છાપ હતી તેમાં જબરદસ્ત સુધારો થયો છે?

(5) નિડરતા: પ્રધાનમંત્રી પદના ઉમેદવારે ભૂતકાળમાં આતંકવાદ, ભારતને તોડનારી શક્તિઓ અને આતંકવાદી દેશોની તરફ કેવું વલણ દર્શાવ્યું હતું? શું એ આતંકવાદને પંપાળે છે? કે આતંકવાદથી ડરે છે? કે પછી તેની સામે કડક હાથે કામ લે છે? તેનાં નેતૃત્વમાં દેશ સલામત હોય તેવું તમને લાગે છે? ત્રાસવાદીઓને તેનાં તરફ નફરત છે કે પ્રેમ?

લાગતું વળગતું: મતદાન વધારવા પંચે ચૂંટણી શું કરવું જોઈએ ?

(6) અર્થનીતિ: એક સામાન્ય નાગરિક તરીકે શું તમને લાગે છે કે, દેશમાં મોંઘવારી અને ફુગાવા પર કાબુ રાખવાની તેની ક્ષમતા સાબિત થઈ ચૂકી છે? અનાજ, કઠોળ, શાકભાજી તથા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ નિયંત્રણમાં રાખવાની આવડત તેનામાં છે? દેશનું અર્થતંત્ર મજબૂત કરવાનાં નવતર આઈડિયા અને વિચારો અને યોજનાઓમાં શું તેને બરાબર ટપ્પા પડે છે? શું એ દેશની યુવાપેઢીને ઉદ્યોગ સાહસિક બનાવવા કટિબદ્ધ છે?

(7) સૈન્યને પ્રાથમિકતા: દેશના લશ્કરને શું એ માન આપે છે? જવાનો માટે જરૂરી શસ્ત્ર-સરંજામ, નવા હથિયારો તથા અન્ય સવલતો પૂરી પાડવા એ પ્રતિબદ્ધ છે? અગત્યની વાત એ પણ છે કે, ભારતીય સેના એ જગતના એકથી પાંચમા સ્થાનમાં આવતું સૈન્ય છે, આપણે ચોતરફ શત્રુઓથી ઘેરાયેલા છીએ… આવા સંજોગોમાં દેશના સૈન્યની ત્રણેય પાંખની બાગડોર તેને સોંપી શકીએ એટલો તે પરિપક્વ અને સમર્થ છે?

(8) પરિવારવાદ: તમારો ઉમેદવાર પરિવારવાદ તો નથી ચલાવતો ને? તેનાં ભાઈ, બહેન, ભાણીયા, ભત્રીજા, જમાઈ, જીજાજી વગેરે ક્યો કામધંધો કરે છે? તેનાં રાજકારણમાં હોવાનો ગેરલાભ શું તેના પરિવારે લીધો છે? કે તમારો ઉમેદવાર આ દેશને જ કુટુંબ માની ને તેના પ્રત્યે સમર્પિત છે?

(9) દેશની જાણકારી: આપણો દેશ વિશાળ અને રંગબેરંગી છે. દરેક પ્રદેશની આગવી ખાસિયતો અને પોતીકી સમસ્યાઓ. દરેકની ભૂગોળ અને ઇતિહાસ અને સંસ્કૃતિ અલગ. સવાલ એટલો જ કે, શું તમારો ઉમેદવાર દેશના દરેક ખૂણાને જાણે છે? ત્યાંની સમસ્યાઓ અને તેનાં ઉકેલ માટે તેની પાસે દુરંદેશી અને દ્રષ્ટિ છે?

(10) હિન્દુઓનું સન્માન: દેશનું નામ જ હિન્દુસ્તાન છે, હિન્દુ આસ્થાનું અપમાન કરે એવો શાસક તો હરગીઝ ન ચાલે. શું તમારો ઉમેદવાર પાયાની હિન્દુ ફિલોસોફી સમજી શકે છે? ચારધામ, જ્યોતિર્લિંગ, નવરાત્રી, ગાયત્રી, શિવપંથ, શક્તિપંથ… જેવી સાવ બેઝિક વાતોની તેને સમજ છે? સવાલ કટ્ટરતાનો નથી, પણ, જ્યાં સો કરોડ હિન્દુઓ વસતા હોય, તેને જે વ્યક્તિ સમજે જ નહીં એ શાસન કેવી રીતે કરે?

eછાપું

તમને ગમશે: આ વર્ષથી સરદાર પટેલનો જન્મ દિવસ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here