સન રાઈઝર્સ હૈદરાબાદની ટીમને તેમના બેટ્સમેનોની બેજવાબદાર બેટિંગે દગો દીધો હોય એવું આ સિઝનમાં બીજીવાર બન્યું છે. બહેતર છે કે તેઓ આ સમસ્યાને બહુ જલ્દીથી દૂર કરી દે.

મુંબઈ ઇન્ડિયન્સ સામે આ જ મેદાન પર આ જ IPLમાં સન રાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનો પોતાની બેજવાબદાર બેટિંગને લીધે 130 રનનો સ્કોર પણ એક સારી શરૂઆત મળ્યા બાદ ચેઝ નહોતો કરી શક્યા અને એ દેખાવનું પુનરાવર્તન તેમણે આ મેચમાં પણ કર્યું.
ધીમી પીચ પર હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું, પરંતુ આ વિકેટ પર તેઓ ગમે તેટલો સ્કોર ચેઝ કરી જશે એવો એમનો આત્મવિશ્વાસ તેમને છેલ્લે નડી ગયો હતો. દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. તેમ છતાં મિડલ ઓર્ડરમાં કેપ્ટન શ્રેયસ ઐયર, કોલિન મનરો અને વિકેટ કિપર બેટ્સમેન ઋષભ પંતે મજબૂત બેટિંગ કરીને દિલ્હીને ફાઈટીંગ ટોટલ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
કોલિન મનરો આ સિઝનની પહેલી મેચ રમી રહ્યો હોય એવું તેના શોટ્સ અને આત્મવિશ્વાસથી બિલકુલ નહોતું લાગી રહ્યું. તો બીજી તરફ ઋષભ પંત ફરીથી ઇનિંગ પત્યા અગાઉ એક બેજવાબદાર શોટ રમીને આઉટ થઇ ગયો હતો.
તેમ છતાં આ વિકેટ પર 155નો સ્કોર લડાયક કહી શકાય તેવો તો હતો જ. SRHની શરૂઆત અદભુત રહી હતી. તેના બંને ઓપનીંગ બેટ્સમેનો ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોએ ભાગ્યેજ આ આખી સિઝનમાં ટીમને ખરાબ ઓપનીંગ આપ્યું હશે. અહીં પણ આ બંનેએ માત્ર દસ ઓવરની અંદર જ 72 રનની ભાગીદારી કરીને સન રાઈઝર્સ હૈદરાબાદને જીત માટેનો પાયો નાખી આપ્યો હતો.
હૈદરાબાદને જો મુંબઈ ઇન્ડિયન્સ સામે કશું નડ્યું હોય તો તે હતો મિડલ ઓર્ડરનો મેચમાં ઓછી બેટિંગ કરવાનો અનુભવ અને આ મેચમાં તેમને નડી ગયું વધુ પડતા ફેરફાર. કેપ્ટન કેન વિલિયમ્સન બેશક અદભુત બેટ્સમેન છે પરંતુ આ સિઝનમાં તેણે બે થી વધુ મેચ નથી રમી અને આ રીતે તરતજ એક સ્લો બેટિંગ વિકેટ પર આવીને રન કરવા તેના માટે અઘરું હતું. ત્યારબાદ સાવ બિનઅનુભવી રિકી ભુવીને SRH દ્વારા ચાન્સ આપવામાં આવ્યો આ પણ તેમની ભૂલ કહી શકાય.
આ પ્રકારની ભૂલોને લીધે MIની સામે જે રીતે સન રાઈઝર્સ હૈદરાબાદ 130 રનનો ટાર્ગેટ પણ એચીવ નહોતો કરી શક્યા તેમને માટે 156 રન તો વધુ પડતા કહી શકાય. એ મેચની જેમ આ મેચમાં પણ હૈદરાબાદના બેટ્સમેનો અત્યંત ખરાબ અને કસમયના શોટ્સ તેમજ કાગિસો રબાડા અને કીમો પોલની ઈન્ટેલીજન્ટ બોલિંગના મિશ્રણ સામે ઘૂંટણિયે આવી ગયા હતા અને જીતી શકાય એવી મેચ હારી ગયા હતા.
દરેક ટીમો માટે IPL 2019માં હવે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે એક હાર તેમને પ્લે ઓફ્સમાં સ્થાન પામવાથી દૂર રાખી શકે છે અને એક જીત તેમને એ સ્થાન પાક્કું કરી શકે છે. મજાની વાત એ છે કે સન રાઈઝર્સ હૈદરાબાદ તેમની છેલ્લી ત્રણ મેચ હાર્યા છે જેઓ એક સમયે ટોચની ચાર ટીમોમાં હતા અને દિલ્હી કેપિટલ્સ તેમની છેલ્લી ત્રણ મેચો જીત્યા છે.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 30 | સન રાઈઝર્સ હૈદરાબાદ વિ. દિલ્હી કેપિટલ્સ
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલ (હૈદરાબાદ)
ટોસ: સન રાઈઝર્સ હૈદરાબાદ (બોલિંગ)
દિલ્હી કેપિટલ્સ 155/7 (20) રન રેટ: 7.75
શ્રેયસ ઐયર 45 (40)
કોલિન મનરો 40 (24)
ખલીલ અહમદ 3/30 (4)
ભુવનેશ્વર કુમાર 2/33 (4)
સન રાઈઝર્સ હૈદરાબાદ 116 ઓલ આઉટ (18.5) રન રેટ: 6.27
ડેવિડ વોર્નર 51 (47)
જોની બેરસ્ટો 41 (31)
કાગીસો રબાડા 4/22 (3.5)
કીમો પોલ 3/17 (4)
પરિણામ: દિલ્હી કેપિટલ્સ 39 રને જીત્યા
મેન ઓફ ધ મેચ: કીમો પોલ (દિલ્હી કેપિટલ્સ)
અમ્પાયરો: અનિલ ચૌધરી અને બ્રુસ ઓક્સેનફર્ડ | ક્રિસ ગેફની (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી
પોઈન્ટ્સ ટેબલ
eછાપું