બેજવાબદાર નેતાઓ પર પ્રતિબંધ યોગ્ય પરંતુ ભેદભાવ નહીં!

0
268
Photo Courtesy: dnaindia.com

લોકસભાની ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચાર દરમ્યાન કેટલાક વરિષ્ઠ આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલા બેજવાબદાર નિવેદનો પર ચૂંટણી પંચની કાર્યવાહી યોગ્ય તો છે પણ ન્યાયી છે ખરી?

Photo Courtesy: dnaindia.com

છેવટે બેજવાબદાર નિવેદનો આપતા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોતાની જવાબદારી સમજતા ચૂંટણી પંચે કેટલાક સ્ટાર નહીં પરંતુ સુપર સ્ટાર પ્રચારકો વિરુદ્ધ આકરા પગલા લેતા તેમના પર અમુક કલાક ચૂંટણી પ્રચાર ન કરવા જેવો કઠોર પ્રતિબંધ મૂક્યો છે જે સર્વથા યોગ્ય છે. તેમ છતાં અત્યારસુધીમાં જેટલા પણ નેતાઓ પર આ પ્રકારનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં લગભગ એક સરખો ગુનો હોવા છતાં સજા આપવામાં પંચે ભેદભાવ કર્યો હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશની સેનાને ‘મોદીજી કી સેના’ કહી અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાનના કોમવાદી બયાનનો જવાબ એ જ ભાષામાં આપ્યો તો તેમના પર 72 કલાક, જે આજે સવારે 6 વાગ્યે શરુ થયા હતા, કોઇપણ પ્રકારનો પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ મુસ્લિમોને એક થઈને માત્ર તેમની જ પાર્ટીને મત આપવાની અપીલ કરી એટલે કે યોગીની જેમજ કોમવાદી લાઈન પર વાત કરી તો તેમના પર 48 કલાકનો પ્રતિબંધ મુકાયો!

યોગીને જવાબ આપવા માટે મજબૂર કરતું કોમી ભાષણ આપનાર અને બાદમાં તમામ મર્યાદાઓ તોડીને રામપુરમાં પોતાના પ્રતિસ્પર્ધી જયા પ્રદા પર અતિશય નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનાર આઝમ ખાન પર બે-બે ગુનાઓ માટે 72 કલાકનો પ્રતિબંધ મુકવામાં આવ્યો. તો મુસલમાનો જો પોતાને મત નહીં આપે તો ચૂંટાયા બાદ તેમનું કામ તેઓ નહીં કરી શકે તેવી ચેતવણી આપનાર સુલતાનપુરના ભાજપ પ્રત્યાશી અને કેન્દ્રીયમંત્રી મેનકા ગાંધી પર આઝમ ખાન પ્રકારના કે યોગી પ્રકારના ગુના હોવા છતાં તેમને 48 કલાકના પ્રચાર પ્રતિબંધનો સામનો કરવાનો આવ્યો છે.

ચૂંટણી પંચ નિષ્પક્ષ હોય તે દરેક બાબતમાં લાગુ પડે છે. અહીં પક્ષાપક્ષીની વાત નથી પરંતુ શું પુરુષ અને મહિલાઓ વચ્ચેનો ભેદ શા માટે જ્યારે ગુનેગાર ચારેય વ્યક્તિઓના ગુનાની અસર લગભગ એક સરખી છે? શું મહિલાઓને સજામાં ચૂંટણી પંચ ખાસ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે?  જો ગુનાની ગંભીરતા જ જોવાની હોય તો આઝમ ખાનને તો કદાચ પ્રચાર સમાપ્ત ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત કરી શકાય એવી ભાષા તેમણે વાપરી હતી.

લાગતું વળગતું: આચારસંહિતા એટલે ચૂંટણી પંચનું અગડમ બગડમ

આ તો ઠીક છે પરંતુ ગઈકાલે મધ્ય પ્રદેશના વિદિશામાં સમાજવાદી પાર્ટીના એક નેતાના પિતાના અંતિમ સંસ્કાર માટે જ્યારે આઝમ ખાન પહોંચ્યા હતા ત્યારે પત્રકારોએ એમને તેમના પર લાગેલા પ્રતિબંધ વિષે પૂછ્યું તો આઝમ ખાને તેમના તોછડા સ્વભાવ મુજબ જ કહી દીધું હતું કે, “હમ ઇધર આપકે અબ્બા કી મૌત પર આયે હૈ!” સજા ભોગવવાનું હજી તો શરુ પણ નહોતું કર્યું અને ત્યાંજ આઝમ ખાને બીજો ગુનો આચરી દીધો, તો શું પંચ તેના પર કોઈ કાર્યવાહી કરશે?

માયાવતીએ પણ ગઈકાલે સાંજે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં પંચ મોદી અને શાહના ઈશારે કામ કરી રહ્યું છે એવો આરોપ મૂકી દીધો અને લોકશાહી માટે આજનો દિવસ કાળો દિવસ છે એમ પણ કહી દીધું, તો શું આ પંચનું અપમાન નથી? માયાવતી પર કોઈ એક્સ્ટ્રા કાર્યવાહી થશે કે નહીં?

ખરેખર તો બે દિવસ અગાઉ સુપ્રિમ કોર્ટે પ્રચાર દરમ્યાન કરવામાં આવી રહેલા બેફામ વાણીવિલાસથી ગુસ્સે થઈને ચૂંટણી પંચને આડે હાથે લીધું હતું. આથી અચાનક જ જાગૃત થયેલા પંચે આ નિર્ણયો લીધા હતા, કારણકે અગાઉ યોગી આદિત્ય નાથને જે ગુના માટે સજા આપી છે તે માટે પંચે, “આગળથી જરા ધ્યાન રાખજો” જેવી હળવી ચેતવણી આપીને છોડી દીધા હતા.

આમ ચૂંટણી પંચની કાર્યવાહી ઉતાવળી અને અન્યાયી હોવા છતાં હાલના સંજોગોમાં તો યોગ્ય લાગે જ છે. યથા રાજા તથા પ્રજાના ન્યાયે જો આગેવાનો જ પોતાની જીભ પર કાબુ નહીં રાખી શકે તો પછી પ્રજા પાસેથી એવી કોઈ અપેક્ષા રાખવી અયોગ્ય જ ગણાશે. પરંતુ સાથે સાથે પંચે એ વિધાન પણ યાદ રાખવું જરૂરી છે જે સુપ્રિમ કોર્ટ પોતાના ઘણા ચુકાદાઓમાં ટાંકી ચુક્યું છે કે, “ન્યાય થાય એ તો જરૂરી છે જ પણ તેનાથી વધુ જરૂરી એ છે કે ન્યાય ખરેખર થયો છે એવું લોકોને લાગે!”

eછાપું

તમને ગમશે: જીણાના પુત્રી દિના વાડિયા અંગેની રસપ્રદ હકીકતો તમે જાણો છો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here