હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (7) – શિવસેનાની સર્વપ્રથમ દશેરા રેલી

3
409
Photo Courtesy: gazabhindi.com

શિવસેનાની સ્થાપના તો થઇ ગઈ, પરંતુ તેને મજબૂત બનાવીને એક એક મરાઠી માણૂસ સુધી તે શું કરવા માંગે છે તે સંદેશ પહોંચાડવો જરૂરી હતો. આવામાં બાલાસાહેબને દશેરા રેલી કરવાનો વિચાર આવ્યો.

Photo Courtesy: gazabhindi.com

ગયા અઠવાડિયે આપણે વાંચ્યું કે ફક્ત 18 લોકોની ઉપસ્થિતિમાં બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી. હવે આ સંગઠનને મહારાષ્ટ્રના મેંગો પીપલ સુધી પહોંચાડવા માટેના કામ શરૂ થયા. શિવસેનાની રચના પછી માર્મિકમાં છપાતી ‘રવિવાર ચી જત્રા’ વધુ ખાસ બની. તેમાં લગભગ દરેક પૃષ્ઠના તળિયે એક નાનકડા બોક્સમાં શિવસેનાની જાહેર મીટિંગો અંગે ઘોષણાઓ શરૂ થઈ ગઈ.

શિવસેનાની સ્થાપનાના ચાર મહિના પછી, 30 ઓક્ટોબર, 1966 ના દિવસે, દશેરાનો તહેવાર હતો. માર્મિક દ્વારા ‘મરાઠી માણૂસ પર થતાં અન્યાય’ના મુદ્દે યોજાનારી એક મોટી જાહેરસભા અંગે મરાઠી વાચકોને જાણ કરવામાં આવી. વાચકોને આપવામાં આવેલું આમંત્રણ કંઈક આ રીતનું હતું:

“મહારાષ્ટ્રના પૂજનીય દેવ અને સ્વામી એવા રાજાધિરાજ ‘છત્રપતિ શિવાજી મહારાજ’ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા, શિવસેનાના સૈનિકોની બેઠક રવિવાર 30 ઓક્ટોબર 1966 ના રોજ દાદરમાં શિવાજી પાર્ક ખાતે સાંજે 5.30 વાગ્યે યોજાશે. આ સૈનિકો મહારાષ્ટ્રના પુનઃજાગરણ માટે તૈયાર છે. તમે મહારાષ્ટ્રના ગૌરવશાળી પુત્રો છો. હું તમને દરેકને આ ભવ્ય બેઠકમાં હાજર રહેવા માટે બધાં જ શિવસૈનિકોના વતી વિનંતી કરું છું.

તમારો નમ્ર માહારાષ્ટ્રનો સેવક, બાળ ઠાકરે”

લોકોને આ પહેલા મોટા મેળાવડા માટે મોહિત કરવા શિવસેનાએ મુંબઈ-મહારાષ્ટ્રના મિત્રમંડળ અને વ્યાયામશાળાનો અસરકારક રીતે ઉપયોગ કર્યો. શિવસેનાની સ્થાપના પછી તરત જ જોડાયેલા અને 1968 થી 1978 ની વચ્ચે શિવસેનાના કૉર્પોરેટર રહી ચૂકેલા વિજય ગાંવકરે શિવસેના દ્વારા મિત્રમંડળો અને વ્યાયામશાળાઓનું નેટવર્ક કેવી રીતે ઉપયોગમાં લેવાયું અને વાયુવેગે દશેરા મેળાવડાના સમાચાર લોકો સુધી પહોંચ્યા, એનું વર્ણન કરે છેઃ

પદ્માકર અધિકારી, શ્યામ દેશમુખ, પૂજારી માસ્ટર, ભાઈ ભોસલે, હું અને કેટલાક અન્ય લોકોએ બેઠક માટે લોકોને ગતિશીલ બનાવવાના કામમાં ભાગ લીધો. અમે મધ્ય મુંબઇની તમામ વ્યાયામશાળામાં ગયા અને તેમને શિવસેનાના મહત્વ વિશે સમજાવ્યું. તેમને દશેરા રૅલીમાં આવવા માટે વિનંતી કરી. તે જ સમયે, અમે તે વર્ષે જન્માષ્ટમીમાં ‘ગોવિંદા’ની ઉજવણી માટે એક સંયુક્ત મંડળ બનાવ્યું, જેણે વિવિધ મંડળોને એકત્ર કર્યાં. આમ, શિવસેનાએ શરૂઆતમાં મુંબઇના આ સાંસ્કૃતિક સંગઠનો સાથે મજબૂત બંધન સ્થાપ્યું, જે લોકપ્રિય ગતિવિધિની લાંબી પરંપરા સાથે સામાજિક ક્રિયા-પ્રતિક્રિયા માટે મહત્વપૂર્ણ મુકામ બન્યાં. અને એના પરિણામ સ્વરૂપ મોટા ભાગની મુંબઈની વ્યાયામશાળા અને મંડળોએ મેળાવડામાં ભાગ લીધો.

ઠાકરેએ પોતે એવું શેર કરેલું છે:

દશેરા રૅલીના થોડા દિવસ પહેલા, હું અમારા ઘરે કાર્ટૂન બનાવતો હતો, ત્યારે અમારા શુભચિંતકોમાંના એક, પ્રોફેસર ડી.વી.દેશપાંડે ઘરે આવ્યાં. એ બોલ્યાઃ “બાળ, મેં આજનું માર્મિક વાંચ્યું. તમારી બધી જાહેરાતો દરેક પાને દેખાય છે.” મેં તેઓને કહ્યું: “બીજી એવી કોઈ જગ્યા નથી જ્યાં હું આવી જાહેરાતો છાપી શકું.” તેઓ પ્રશ્નો પૂછતા રહ્યાં: “પરંતુ તમે શા માટે આ મેળાવડા બેઠક માટે શિવાજી પાર્ક પસંદ કર્યું? લગભગ 2 લાખ લોકોને સમાવવાની ક્ષમતા હોય એટલું વિશાળ છે એ ગ્રાઉન્ડ! લોકો તમારા આ મેળાવડાને સારો પ્રતિભાવ નહીં આપે તો?”

મેં તેમને કહ્યું – હવે મેં જાહેરાત કરી નાખી છે.

તેમણે એક સૂચન આપ્યું: કિંગ જ્યોર્જ હાઇસ્કૂલ ગ્રાઉન્ડ (જે શિવાજી પાર્કના કદના લગભગ દસમા ભાગનું છે) લઈ લે. જો ભીડ વધે, તો તમારી પાસે બહાર લાઉડસ્પીકર લગાડવાનો પર્યાય તો હોઈ જ શકે.

મેં આ વાતને નકારી: “તીર ધનુષમાંથી છૂટી ગયું છે. હવે હું પાછળ ન હટી શકું. ચાલો જોઈએ કે હું મૂર્ખ સાબિત થાઉં છું કે લોકો!” પરંતુ બંનેમાંથી કોઈ મૂર્ખ ન હતાં. એટલા લોકો આ મેળાવડામાં આવ્યાં કે શિવાજી પાર્કની જગ્યા પણ ઓછી પડી.

31 ઓક્ટોબર, 1966 ના દિવસે ‘નવાકાળ’ નામના મરાઠી અખબારે આ રૅલીને ‘વ્યાપક, વિશાળ અને જબરદસ્ત’ તરીકે વર્ણવી. અને એવું છાપ્યું હતું કે દશેરાના દિવસે સાંજે 4 વાગ્યાથી જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી સૈનિકોના ટોળેટોળા શિવાજી પાર્ક તરફ કૂચ કરવા લાગ્યાં. આશરે 4 લાખ લોકોએ શિવાજી પાર્કના મેદાનને ઘેરી લીધું હતું, જે આયોજકોની અપેક્ષાઓથી કેટલાયે ગણું વધારે હતું.

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે – ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6

પ્રબોધનકાર ઠાકરે પણ આ પ્રસંગે હાજર હતા અને તેમણે તેમના ભાષણમાં કહ્યું:

આજે મરાઠી ભાઈઓ નવી સીમાઓને પાર કરીને દશેરાને ખરા અર્થમાં ઉજવી રહ્યા છે. ચાલો આપણે, શિવસેના દ્વારા, આપણી સમસ્યાઓ સામે લડીએ અને તેમને દૂર કરવાના ધ્યેયને સમજવાનો પ્રયાસ કરીએ. આ આપણી સંસ્કૃતિના વિવિધ સીમાચિહ્નોની વાસ્તવિક પરીક્ષા હશે. આજે આટલી સંખ્યામાં ઉપસ્થિત રહીને તમે દર્શાવ્યું છે કે મરાઠી માણૂસનું લોહી હજુ સુધી અશુદ્ધ થયું નથી અને મહારાષ્ટ્રવાસીઓ અન્યાય સામે લડવા માટે તૈયાર છે. મરાઠી લોકોએ હવે પોતાના લોકો સાથે લડવું નહી, પરંતુ પોતાના ભાઈઓ સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવા જોઈએ.

મહારાષ્ટ્ર એ નબળા અને કાયરોની ભૂમિ નથી. તે વાઘની ભૂમિ છે. આ વાઘને ડંખવા માટે પ્રયત્નો કરવામાં આવે ત્યારે ઇતિહાસ સાક્ષી પૂરે છે અને જો ભવિષ્યમાં પણ, કોઈ પણ આ હકીકતને સ્પષ્ટ રીતે જોવા માંગતા હોય તો તેમની પણ ઇચ્છા પૂરી થશે.

બૅરિસ્ટર રામરાવ અધિક, પ્રો. એસ.એ. રાનડે અને બળવંત મંત્રી પણ રેલીમાં બોલ્યા. સૌથી છેલ્લા વક્તા બાળ ઠાકરે હતા.

પ્રેક્ષકોને સંબોધતા ઠાકરેએ કહ્યું: મહારાષ્ટ્રએ કઠીણ પ્રયાસો, સંઘર્ષ અને બલિદાન વગર કંઇપણ પ્રાપ્ત કર્યું નથી. એસ. એમ. જોશીએ રાષ્ટ્રવાદની બહાદુરી હેઠળ, શિવસેનાને સાંપ્રદાયિક કહી. મેં તેમની સામે એક ખુલ્લો પડકાર ફેંક્યોં છે – મહારાષ્ટ્રને આજે મહારાષ્ટ્રવાદ કે રાષ્ટ્રવાદની ગંભીર જરૂરિયાત છે કે કેમ તે અંગે તેમને ચૂંટણી લડવી જોઈએ. શિવસેના સાંપ્રદાયિક નથી. કોઈ પણ વ્યક્તિ જે બીજા કોઈના મુશ્કેલીના સમયમાં ગંભીર મિત્રતા સ્થાપિત કરે છે તે એક મરાઠી માણૂસ જ છે. આજે સમાજને રાજકારણ કરતાં સામાજિક કાર્યની જરૂર છે. સેનાને રાજકારણથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે રાજકારણ એ ખાજકારણ (એક ત્વચા રોગ) જેવું છે. મરાઠી માણૂસ હવે જાગ્યો છે. તે ભવિષ્યમાં ક્યારેય અન્યાયને સહન કરશે નહીં. મહારાષ્ટ્ર સરકારે ખૂબ મોડું થાય તે પહેલાં આ બાબત ધ્યાનમાં લેવી જોઇએ.

ઠાકરેએ એ પણ માંગ કરી કે મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં 80 ટકા બેઠકો મહારાષ્ટ્રીયન લોકો માટે અનામત રહેવી જોઈએ, અને સરકારી નોકરીઓ ફક્ત મરાઠી વાંચી અને લખી શકનાર અને જેઓ મરાઠી સારી રીતે બોલી શકે તે લોકોને જ આપવામાં આવે.

ઠાકરેના પ્રથમ ભાષણ પછી, રૅલી માટે આવેલા ટોળાઓએ ઉડિપી હોટલો પર હલ્લાબોલ કર્યોં. બાળાસાહેબના ભાષણને સાંભળીને છોકરાઓનું લોહી ઉકળવા લાગ્યું. દાદર સ્ટેશન તરફ જતા દક્ષિણ ભારતીયોના ‘અડ્ડા’ હતા જ્યાં મટકા (જુગાર) જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ હતી. ગુસ્સે થયેલા ઠાકરેના યુવાનોએ આવા સ્થળો પર હુમલો કર્યો.

31 ઓક્ટોબર, 1966 ના ‘નવાકાળ’ અખબારે અહેવાલ આપ્યો કે શિવાજી પાર્કથી પાછી ફરતી ભીડ પર રાનડે રોડ પરની એક હોટલમાંથી પથ્થર અને સોડા-બોટલો ફેંકી. ઠાકરે આવી અચંબિત સફળતાથી ખુશ થયા. તેઓ યાદ કરે છે: ‘રાત્રે 10.30 વાગ્યે, દેશપાંડે, જેમણે મને પૂછ્યું હતું કે શા માટે મેં શિવાજી પાર્કને સ્થળ તરીકે પસંદ કર્યું હતું, તે ફરી ઘરે પાછા આવ્યા અને કહ્યું. “બાળ, તમે જીતી ગયા”. મેં કહ્યું – હું નહીં, આપણે.’

ઠાકરેની અપીલની પ્રતિક્રિયા એવી હતી કે રાતોરાત મુંબઈમાં શિવસેનાનું બળ સ્થાપિત થઈ ગયું. શહેરને વાઘ મળ્યો, અને એક નવું સૂત્ર જાહેર કર્યું: જય મહારાષ્ટ્ર!

પડઘો

શિવાજી પાર્ક ભારતીય ક્રિકેટ માટે એક પારણા સમાન છે. અણ્ણા વૈદ્ય અને રમાકાંત આચરેકર જેવા ગુરુઓએ આ જ મેદાનમાં ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું નિર્માણ કર્યું છે. કેટલાક પ્રસિદ્ધ નામો છેઃ સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, અજિત વાડેકર, સુહાસ ગુપ્તે, વિજય માંજરેકર, રમાકાંત દેસાઈ, એમ.એસ. પાટિલ, દિલીપ સરદેસાઇ, અશોક વાડેકર, એકનાથ સોલકર, દિલીપ વેંગસરકર, ચંદ્રકાંત પંડિત, લાલચંદ રાજપૂત, સંદીપ પાટિલ, અજીત આગરકર, વિનોદ કાંબલી અને સંજય માંજરેકર!

eછાપું 

તમને ગમશે: વર્લ્ડ બેન્ક ના તાજા રિપોર્ટથી ‘મોદીનોમિક્સ’ના ટીકાખોરોની બોલતી બંધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here