IPL 2019 | મેચ 31 | ચેલેન્જર્સની ચેલેન્જનો અંત આણતા મુંબઈ ઇન્ડિયન્સ

0
133
Photo Courtesy: iplt20.com

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ મેચ અગાઉથી જ બધીજ મેચો ફાઈનલ જેવી જ હતી, એટલેકે તેણે બધીજ મેચો જીતવી જરૂરી હતી અને તો જ એ પ્લે ઓફ્સમાં સ્થાન બનાવી શકે તેમ હતું. પરંતુ તે માટે તેણે મજબૂત દેખાવ કરવો પણ જરૂરી હતો.

Photo Courtesy: iplt20.com

જેનો અંત સારો તેનું સહુ સારું એવી એક ગુજરાતી કહેવત છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આનાથી ઊંધું કહી શકાય કે જેની શરૂઆત ખરાબ તેનું બધું જ ખરાબ.

મુંબઈ ઇન્ડિયન્સ માટે તો આ મેચ મહત્ત્વની હતી જ પરંતુ બેંગ્લોર માટે તે વધુ મહત્ત્વની હતી કારણકે ગઈ મેચમાં જીત મેળવ્યા બાદ હવે તેમણે આવનારી બધી જ મેચો જીતવાની રહેતી હતી અને તો જ તેઓ પ્લે ઓફ્સ માટે ક્વોલીફાય થવાની આશા રાખી શકત. એક મેચમાં હાર અને RCB રેસમાંથી બહાર એવું ચોખ્ખું સમીકરણ તેમની સમક્ષ હતું.

મુંબઈને પોતાની બેટિંગ પર ભરોસો હોવાથી તેમણે પહેલી બોલિંગ કરવાનું પસંદ કર્યું અને કેપ્ટન કોહલીની વિકેટ તરત જ મળી જતા તેમનો નિર્ણય સાચો પણ સાબિત થયો. પાર્થિવ પટેલે કાયમની જેમ પોતાની રીતે ઝડપી રન બનાવ્યા પરંતુ તેને પણ થોડા સમય બાદ ચાલતી પકડવી પડી. ત્યારબાદ એ બી ડી વિલીયર્સ અને મોઈન અલીએ 61 બોલમાં 95 રનની ધમાકેદાર પાર્ટનરશીપ ઉભી કરી.

હવે આ ભાગીદારીએ ઉભા કરેલા સ્કોરને થોડો વધુ પુશ કરવાની જરૂર હતી જેથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 180+ના સ્કોર સુધી પહોંચી શકે, પરંતુ આ સમયે જ તેની એક પછી એક વિકેટો પડવા લાગી અને લોઅર ઓર્ડરમાં કોઈ સારો ઓલ રાઉન્ડર ન હોવાને લીધે તેમને 171 રનથી જ સંતોષ માનવો પડ્યો. ચાર મેચ બાદ MI માટે રમી રહેલા લસિથ મલિંગાએ પોતાની ઉપયોગીતા ફરીથી સાબિત કરી અને 4 વિકેટો લીધી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ માટે આ ટોટલ સર કરી શકાય તેવો હતો અને એવામાં ક્વિન્ટન ડી કોક અને રોહિત શર્માએ એક પછી એક સિક્સરો મારીને એ સુનિશ્ચિત કર્યું કે તેમની ટીમને એક ઝડપી અને મજબૂત શરૂઆત મળી રહે. જો કે વચ્ચેની ઓવરોમાં મુંબઈ સહેજ ધીમું પડી ગયું હતું અને તેને લીધે મેચ થોડી રસપ્રદ પણ બની. ઉપરથી તેની કેટલીક વિકેટો પણ પડી. પરંતુ હવે છેલ્લી ઓવરોના માસ્ટર બની ચૂકેલા હાર્દિક પંડ્યાએ પોતાની ફટકાબાજીથી એ સુનિશ્ચિત કર્યું  કે MI હવે જીતવાની પરીસ્થિતિમાંથી હાર ન જુએ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે હવે પ્લે ઓફ્સના દ્વાર લગભગ બંધ થઇ ગયા છે અને કોઈ ચમત્કાર જ જેમકે અન્ય ટીમોની  એક-બે મેચમાં વરસાદનું વિઘ્ન આવે. પરંતુ તેમણે પોતે તો બાકીની મેચો જીતવી જ પડશે જે આ મેચમાં તેમના બોલરોના નિમ્ન સ્તરની બોલિંગ જોઇને લાગતું ન હતું કે હવે એ શક્ય બનશે.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 31 | મુંબઈ ઇન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ

ટોસ: મુંબઈ ઇન્ડિયન્સ (બોલિંગ)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 171/7 (20) રન રેટ: 8.55

એ બી ડી વિલીયર્સ 75 (51)

મોઈન અલી 50 (32)

લસિથ મલિંગા 4/31 (4)

હાર્દિક પંડ્યા 1/21 (3.0)

મુંબઈ ઇન્ડિયન્સ 172/5 (19.0) રન રેટ: 9.05

ક્વિન્ટન ડી કોક 40 (26)

હાર્દિક પંડ્યા 37 (16)

મોઈન અલી 2/18 (4)

યુઝવેન્દ્ર ચાહલ 2/27 (4)

પરિણામ: મુંબઈ ઇન્ડિયન્સ 5 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: લસિથ મલિંગા (મુંબઈ ઇન્ડિયન્સ)

અમ્પાયરો: મરાઈસ ઈરેસ્મસ અને નિતીન મેનન | નંદ કિશોર (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here