આ ઉનાળામાં આવો જાણીએ ચુંટણીલક્ષી આરોગ્ય વિષે

2
503
Photo Courtesy: newsx.com

આ ઉનાળે ચૂંટણીની પણ સિઝન આવી છે અને બરોબરની જામી પણ છે. રાજકારણમાં રસ ધરાવતા લોકો ભરબપોરે જાહેરસભા સાંભળવા પણ જતા હોય છે. એવામાં આરોગ્યની દ્રષ્ટીએ કેવો ખોરાક લેવો જોઈએ એ જાણવું અત્યંત જરૂરી છે.

Photo Courtesy: newsx.com

ધમધોકાર ઉનાળો જામી પડ્યો છે,સાથે ચુંટણીની મૌસમ જામી છે. ચોકીદારથી લઇ ચોર સુધી તમામને કોણ આવે ને કોણ જાય એમાં રસ છે. આ વખતે શું લાગે છે? એ પ્રશ્ન કોમન બની ગયો છે. હિન્દીમાં કહેવાય છે એમ ગીલા, શીકવા અને વાદાની મૌસમ ખીલી છે. આટલા તાપમાં ભલભલાની જીભ લપસી જાય છે અને જનતા મજા લ્યે છે. પાર્ટી બદલુંઓ કમોસમી વરસાદ ની જેમ તૂટી પડ્યા છે.

ઉનાળો કહે કે કાલથી હું તાપ ના બદલે ઠંડી ઋતુમાં જોડાઈ ત્યાં સેવા આપીશ તો ચાલશે? બોર્ડરનો એક સૈનિક કહી દે કે કાલથી હું પાકિસ્તાન તરફથી લડીશ હવે મજા નથી આવતી ભારત તરથી લડવાની, બસ હોટલમાં જમવા જઈએ એમ ચેન્જ ખાતર પાકિસ્તાન તરફથી લડીશ તો ચાલશે? સેવા કરવાના ઉદ્દેશ્યથી રાજકારણમાં જોડાતા લોકો હકીકતમાં કેટલી સેવા કરે છે એ જોવા જાણવા જેવું છે. ખેર યોગ્ય વ્યક્તિની પસંદગી માટે, અને લોકશાહી માટે મને-કમને લોકોને ધોમધખતા તાપમાં ફરવું પડે છે, આવો આજે ચુંટણીલક્ષી આરોગ્ય જોઈએ…

ઉનાળો આમ જોઈએ તો અપકર્ષણની ઋતુ છે, આ ઋતુમાં શરીરનું બળ ખેંચાઈ જાય છે. શરીરમાંથી સતત પરસેવો નીકળી જવાથી સ્નાયુઓ વગેરે પણ નબળાં લાગે છે. તરસ છીપાવવાની લ્હાયમાં સતત ઠંડું પાણી પીવાથી અગ્નિ મંદ બને છે અને અરુચિ, અપચો, મંદાગ્નિ વધતા જાય છે. રાતે મોડે સુધી જાગવું અને સવારે મોડા ઉઠવું એક ચલણ બની ગયું હોવાથી સુસ્તી પણ વધતી જાય છે. ઠંડકને કારણે કામ કરવાની ક્ષમતા વધે છે, આથી બર્ફીલા દેશોના લોકો વિષુવવૃત્તિય દેશોના લોકો કરતા બળવાન, ચપળ, ઉત્સાહી, મહેનતુ અને મગજકસવાની વૃત્તિવાળા જોવા મળે છે. ઉનાળામાં પ્રચારમાં બપોરે ચોક્કસ આરામ કરવો, પણ વધુ પડતો આરામ નુકસાનકારક નીવડી શકે.

જાહેર સભાઓમાં પાણીના પાઉચ, છાશ, અમુક પીણાં વગેરે અપાય છે. પાણીના પાઉચ બન્યા પછી દરેક તબક્કે અતિશય તપેલા હોય છે પછી છેલ્લે એને ઠંડા કરી વહેંચવામાં આવે છે. પ્લાસ્ટિક હલકી કક્ષાનું અને પાણી પણ સાદું જ હોય છે. આવા તપેલા પાઉચ ટાળવા. બીજું કે છાશમાં ધાણા-જીરું અને સાકર હોય તો જ સારી બાકી મીઠું-મસાલા નાંખેલી છાશ પિત્ત ચોક્કસ વધારે છે, એ ત્યજવી.

આ મૌસમમાં સતત ચા- કોફી જેવા ઉત્તેજક પીણાં અને તળેલાં નાસ્તા ટાળવા, કોક વાર તેનાથી તાપમાં ફર્યા બાદ લૂ લાગી હોય એવો અનુભવ થઇ શકે. ખરા બપોરે જમવાનું ટાળવું, સભાઓમાં 12 વાગ્યા પછી ન જ જમવું, આ સીઝનમાં દાળ-શાક મોટેભાગે ઉતરી જતા હોય છે જેથી ચકાસી ને જ જમવું.

બજારમાં સુગંધી વાળો ગાંધીની દુકાને મળે છે, શક્ય હોયતો તેનું શરબત કે પાણી બનાવી જોડે રાખવું એનેજ સતત પીવું, તે ફ્રીજના પાણી કરતા ઠંડક વધુ આપશે અને તરસ પણ છીપાવશે. સભામાં કોકને ગરમીને લીધે ચક્કર આવી જાય તો આ પાણીના ટીપાં નાકમાં નાંખશો તો ચોક્કસ ફાયદો થશે. બંદોબસ્તમાં રહેતાં પોલીસકર્મીઓ અને સ્ત્રીઓએ આનું ખાસ સેવન કરવું જોઈએ.

લૂ થી બચવા શેરડીનો રસ, નાળીયેરનું પાણી, ખાંડનું પાણી, ગળ્યું દૂધ, ગળ્યા શરબત કે એકાદ ગળ્યું ફળ જોડે રાખવું. નાની ડુંગળીનો રસ પી ને જ નીકળવું અથવા જોડે રાખવી, લુ લાગે તો નાકમાં પણ તેના ટીપાં પાડી શકાય. કેરીનું શરબત કે આમલીનું પાણી પણ લૂ લાગવાથી બચાવે છે.

દૂધ ગરમીનો નાશ કરવાની સાથે તરત જ તાકાત આપતું હોવાથી ગળ્યું ઠંડુ દૂધ ચા ના બદલે પીવું જોઈએ, આર્ટીફીશીયલ કલર ફ્લેવરવાળા દૂધ ન જ પીવા, બપોરે એકાદ વાર તો દૂધ લેવું જ.

છાશ કરતા લસ્સી કે દૂધને અગ્રીમતા આપવી, છાશ પીવી જ હોયતો અગાઉ કહ્યું એમ ધાણાજીરું અને સાકર મેળવીને પીવી.

પાકા તાજા ફળોના રસ –સરબત બનાવી ધાણાજીરું, સિંધવ, સાકર મેળવી તાજા જ પીવા, ફ્રીજમાં મુકી રાખેલા વાસી જ્યુસ, કોલેરા જેવા રોગોને આમંત્રણ આપે છે. ગરવાળા ફળોના રસમાં ગોળ ઉમેરી ચોળી ને પી શકાય. કાચી કેરી બાફીને તેનો ગરમાં ઠંડું પાણી, ધાણાજીરું, ગોળ, સિંધવ ઉમેરી બનાવતું આમપન્ના કે કેરીનો બાફલો ખુબ જ ઠંડક અને બળ આપે છે. તૈયારમાં આવી મજા આવતી નથી. તેને સાદી ખીચડી કે રોટલી સાથે ભેળવીને પણ ખાઈ શકાય છે.

લાગતું વળગતું: ઉનાળામાં થતા Food Poisoning થી તમે જરૂર બચી શકો છો

અત્યારે રોડ પર ઠેર ઠેર શેરડીના રસના, કેરીના રસના તંબુઓ જોવા મળે છે. શેરડી મોટેભાગે ચાવીને ખવાય એ ગુણકારી છે. પણ તાજો રસ મળે તો ગમે તેવા ઢીલા ઢફ્ફ થઇ ગયા હોવ તરત જ બળ મળે છે. તેમાં આદુ, ફુદીનો, ધાણા, લીંબુનો રસ અને સિંધવ ઉમેરી પીવાની મજા ઓર આવે છે. તાપમાં તપેલીમાં પડી રહેલો રસ ન જ પીવો, એક જ તપેલા પાણીમાં ધોવાતા ગ્લાસમાં રસ ન પીવો. ગ્રાહક છો તો પ્લાસ્ટિકનો ગ્લાસ જ માંગવો. અથવા સાથે પેપર કપ લઈને જ નીકળવું. બરફ સારો હોયતો નખાવવો અથવા નહિ જ…

મરચાં, મરી, ખારો, રાઈ, મીઠું વગેરે ઓછા લેવા. બહુ ઉપવાસ ન કરવા અને ગરમ વસ્તુઓ ઓછી લેવી પછી જ નીકળવું. કોઈ વ્યસન હોય તો ત્યાગ કરવો. તીણા અવાજવાળા સ્પીકર વગેરેથી દુર જ રહેવું.

હાલ શેરડીના રસની જેમ તડબુચ પણ ઠેર ઠેર જોવા મળે છે, કાપીને બરફ પર રાખેલ તડબુચ કે અન્ય ફળોની ફ્રુટ ડીશનું ચલણ પણ વધતું જાય છે. આવું ફળ ન લેવું. તડબુચ વિશ્વાસપાત્ર વેપારી પાસેથી સેકરીનના ઇન્જેક્શન માર્યા વગર ના જ લાવવા. તડબુચથી શુક્રધાતુ નો નાશ થાય છે આથી પુરુષો એ સેવન પહેલા વિચારવું. ઘણી વાર લાલ ગર બગડેલો હોય ને ખબર ના પડે તો તડબુચથી ઝાડા પણ થતા હોય છે આથી આવા વખતે બાળકો ને આપતા પહેલા ખાસ જોવું.

બાળકોને આ સીઝનમાં ઝાડા થાય તો તરત જ લીંબુ-સિંધવ શરબત, ORS, નાળીયેર પાણી, દાડમનો રસ, ભાતનું ઓસામણ વગેરે ચાલુ કરી દેવા. તે પેશાબ બરાબર જાય છે કે નહિ તે તપાસતા રહી રાહ ન જોતા તરત જ ડોક્ટર પાસે લઇ જવું.

કેરી આ સીઝનનો રાજા છે, પાકી કેરીનો રસ ખાંડ, સુંઠ, ઘી મેળવીને જ ખાવો. આથી કેરી વાયડી પડતી નથી. બજારૂ રસમાં ભેળસેળ ચોક્કસ હોય છે આથી ઘરે મહેનત કરી મીઠા ફળ ખાવા. કેરીનો રસ કે તેનાથી બનતી કોઈ પણ વસ્તુ ખાવાના એક કલાક પહેલા અને પછી દૂધ કે દૂધની કોઈ જ વસ્તુ ખાવી નહિ. કેરી સાથે દૂધ વિરુદ્ધઆહાર છે અને તે ચામડી ના રોગો થી માંડીને ગાંડપણ સુધીનું નુકસાન કરી શકે છે. કેરીના રસને સાકર, સુંઠ, ઘી, મરી, પાણી નાંખી પકાવીને આમપાક બનાવી શકાય છે. ઠંડું પડે તેમાં તજ, તમાલપત્ર, એલચી જેવા તેજાના છાંટી મધ ઉમેરી સાચવીને ભરી રાખી લાંબો સમય વાપરી શકાય છે. મુખવાસ સિવાય કેરીના ગોટલા છાશના બદલે વાપરી તેની કઢી પણ બનાવી શકાય છે.

આ સીઝનમાં તાંદળજો, દુધી, તુરિયા, ગલકાં, કોળું, કોબી, બટાટા, પરવળ, ટીંડોળા વગેરે ઠંડા શાક છે. આવા શાક ખુબ મસાલા, રાઈ તેલમાં વઘારવાના બદલે ઘી, ધાણા, જીરું, કોથમીર નાંખી બનાવાય તો ગુણકારી નીવડે છે.

સંબંધ માં શીતળતા માટે લેખ માં કોઈ પરેજી નથી, બીજું AC વાપરનારે આવતા ચોમાસે એકાદ વૃક્ષ ચોક્કસ વાવવું…

eછાપું

તમને ગમશે: અમિત કુમાત: દેવાળું ફૂંકવાની પરિસ્થિતિમાંથી બનાવી 2700 કરોડની સ્નેક્સ કંપની

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here