પોતાના જ ઘરમાં માંકડીંગ થયા બાદ જીતેલી બાજી અચાનક જ હારી જનાર રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ બદલો લેવાની મેચ હતી અને તેમને બદલો લેવાનો મોકો પણ મળ્યો હતો.

આ એક એવી મેચ હતી જેમાં બન્ને ટીમોને મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડરનો ધબડકો સહન કરવો પડ્યો હતો પરંતુ તેની વધુ અસર રાજસ્થાન રોયલ્સને થઇ કારણકે તેઓ ટાર્ગેટ ચેઝ કરી રહ્યા હતા.
પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર સતત બે મેચ હારી જનાર કિંગ્સ ઈલેવન પંજાબ માટે આ મેચ જીતવી ખૂબ મહત્ત્વની હતી. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સને એના જ ઘરમાં હરાવીને રાજસ્થાન આત્મવિશ્વાસથી ભરપૂર તો હતું જ પરંતુ તેને જયપુરમાં પંજાબના કેપ્ટન અશ્વિને કરેલી હરકતનો બદલો લેવા માટે પણ આ મેચ જીતવી ખૂબ જરૂરી હતી.
લોકેશ રાહુલ અને ક્રિસ ગેલે ફરી એકવાર KXIPને ઠીક ઠીક શરૂઆત આપી હતી. આ બંનેએ પહેલી વિકેટ માટે 30 રન જોડ્યા હતા. ગેલના આઉટ થયા બાદ રાહુલે પહેલા મયંક અગરવાલ સાથે અને બાદમાં ડેવિડ મિલર સાથે ભાગીદારી કરીને કિંગ્સ ઈલેવન પંજાબને મજબૂતી આપી હતી. ડેવિડ મિલર ઘણા સમય બાદ તેના જાણીતા ફોર્મમાં હતો. આ વખતે એક વિકેટ પડ્યા બાદ પણ પંજાબે રન ગતિમાં કોઈજ કમી આવવા નહોતી દીધી જે તેની અત્યારસુધીની નબળાઈ રહી છે.
પરંતુ આજે તેમને એક સમયે ઘણીબધી વિકેટો એક સાથે પડી જવાની નવી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. છેવટે છેલ્લી ઓવરોમાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિને જરૂરી શોટ્સ મારીને KXIPને 182ના અત્યંત જરૂરી સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
રાજસ્થાન રોયલ્સે આ મેચમાં જોસ બટલર સાથે કેપ્ટન અજીન્ક્ય રહાણેને સ્થાને રાહુલ ત્રિપાઠીને ઓપનીંગ કરવા મોકલ્યો હતો. જોસ બટલર ફરી એકવાર જોરદાર ફટકાબાજી કરી રહ્યો હતો પરંતુ તે ડેબ્યુ કરી રહેલા કિંગ્સ ઈલેવન પંજાબના યુવા બોલર અર્શદીપ સિંગની બોલિંગમાં આઉટ થઇ ગયો હતો. ત્રિપાઠી સામાન્ય રીતે આક્રમક બેટિંગ કરતો હોય છે પરંતુ આ મેચમાં તેને શોટ્સ મારવામાં તકલીફ પડી રહી હતી તેમ છતાં તેણે એક છેડો જાળવી રાખ્યો હતો.
સંજુ સેમસન અને રહાણેએ ત્રિપાઠી સાથે ભાગીદારી તો કરી પરંતુ તેઓ પોતાની મળેલી સારી શરૂઆતને મોટી ઇનિંગમાં પરિવર્તિત ન કરી શક્યા અને પરિણામે રાજસ્થાનને પણ મિડલ ઓર્ડરના ધબડકાનો સામનો કરવાનો આવ્યો અને તેમણે લગભગ 16મી ઓવરમાં જ મેચ પરની પક્કડ ગુમાવી દીધી હતી. છેલ્લી ઓવરોમાં આ સિઝનમાં પહેલીવાર રમી રહેલા સ્ટુઅર્ટ બિન્નીએ કેટલાક શોટ્સ મારીને પંજાબને થોડો સમય ડરાવ્યું પરંતુ લક્ષ્ય એટલું દૂર હતું કે KXIP છેવટે 12 રને આસાન કહી શકાય તેવો વિજય મેળવી ગયું.
આ જીત સાથે કિંગ્સ ઈલેવન પંજાબ ફરીથી ટોપ ફોરમાં પહોંચી ગયું છે જ્યારે રાજસ્થાન રોયલ્સ માટે હવે પ્લે ઓફ્સ માટે કપરાં ચઢાણ છે.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 32 | કિંગ્સ ઈલેવન પંજાબ વિ. રાજસ્થાન રોયલ્સ
આઈ એસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી (ચંડીગઢ)
ટોસ: રાજસ્થાન રોયલ્સ (બોલિંગ)
કિંગ્સ ઈલેવન પંજાબ 182/6 (20) રન રેટ: 9.10
લોકેશ રાહુલ 52 (47)
ડેવિડ મિલર 40 (27)
જોફ્રા આર્ચર 3/15 (4)
ધવલ કુલકર્ણી 1/37 (4)
રાજસ્થાન રોયલ્સ 170/7 (20) રન રેટ: 8.5
રાહુલ ત્રિપાઠી 50 (45)
સંજુ સેમસન 27 (21)
રવિચંદ્રન અશ્વિન 2/24 (4)
અર્શદીપ સિંગ 2/43 (4)
પરિણામ: કિંગ્સ ઈલેવન પંજાબ 12 રને જીત્યા
મેન ઓફ ધ મેચ: રવિચંદ્રન અશ્વિન (કિંગ્સ ઈલેવન પંજાબ)
અમ્પાયરો: અનિલ કુમાર ચૌધરી અને વિનીત કુલકર્ણી | એસ રવિ (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું