ટીમનો અતિશય મહત્ત્વનો ખેલાડી જો ન રમે તો આખી ટીમ પર તેની કેવી અસર પડે એનું ઉદાહરણ આ મેચમાં જોવા મળ્યું હતું. ધોનીની ગેરહાજરીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી બિલકુલ નહોતી લાગી રહી.

એક ખેલાડી અને એક કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંગ ધોની પોતાની ટીમ માટે કેટલો મહત્ત્વનો છે એ આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના દેખાવ અને મેચના પરિણામથી ફરીથી સાબિત થઇ ગયું છે.
આ IPLની પરંપરાથી વિરુદ્ધ જઈને ચેન્નાઈએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ નિર્ણય લેવાના ઘણા કારણો પણ હતા. પહેલું કારણ તો એ કે તેઓ પ્લે ઓફ્સમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી ચૂકયા છે. બીજું કારણ એ કે પ્લે ઓફ્સમાં પહોંચવાને લીધે તેઓ એ સમયે જો પહેલી બેટિંગ કરવાની આવે તો તેનો તાજો અનુભવ પણ ત્યારે કામમાં આવી શકે તેમ છે. આ નિર્ણય લેવા પાછળ એક વધારાનું કારણ એ પણ હતું કે પીઠના દર્દનો સામનો કરી રહેલા ધોનીને આ મેચમાં આરામ આપવામાં આવ્યો હોવાને લીધે ટીમમાં ફિનીશરનો અભાવ હતો.
હૈદરાબાદની છેલ્લી અમુક મેચો કરતા આ મેચ પર ગતિ અને બાઉન્સ બંને બેટ્સમેનોને મજા આવે એ પ્રકારના હતા અને આવી વિકેટ પર CSKના ઓપનીંગ બેટ્સમેનો શેન વોટ્સન અને ફાફ દુ પ્લેસીએ એક જબરદસ્ત શરૂઆત કરી હતી. માત્ર દસ ઓવરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે એક વિકેટ ગુમાવીને 79 રન બનાવી પણ દીધા હતા. તેમ છતાં એક પછી એક વિકેટો પડી જતા અથવાતો એમ કહીએ કે બિનજરૂરી શોટ્સ લગાવવાની કોશિશમાં વિકેટો ફેંકી દેતા ચેન્નાઈ બાકીની 10 ઓવરમાં માત્ર 53 રન જ બનાવી શક્યું હતું.
છેલ્લી મેચોમાં લગાતાર હાર અને ફિલ્ડીંગમાં ધોની જેવા સમર્થ કપ્તાનની રણનીતિની ગેરહાજરીમાં ફરી એકવાર સન રાઈઝર્સ હૈદરાબાદને તેમના બેજોડ અને આક્રમક ઓપનર્સ દ્વારા એક સારી અને ફાસ્ટ શરૂઆતની જ દરકાર હતી જે તેમણે પૂરી પાડી હતી. છેલ્લી અમુક મેચોમાં હૈદરાબાદની હાર પાછળ ડેવિડ વોર્નરની ધીમી બેટિંગ પણ ઓછે વત્તે અંશે કારણભૂત હતી પરંતુ આજે વોર્નરે તેનો અસલી રંગ બતાવ્યો હતો અને SRHને જોની બેરસ્ટો સાથે મળીને અત્યંત તેજ શરૂઆત આપી હતી.
જો કે વોર્નર છઠ્ઠી ઓવરમાં જ આઉટ થઇ ગયો હતો પરંતુ તે સમયે સન રાઈઝર્સ હૈદરાબાદ ઓલરેડી 10ના રન રેટ પર રમી રહ્યું હતું. બાકીનું કામ પૂરું કર્યું જોની બેરસ્ટોએ જેણે વોર્નરના આઉટ થયા બાદ પણ રનગતિ જરા પણ ધીમી પડવા ન દીધી. અંતે લગભગ 3 ઓવર બાકી રહેતા SRH આ મેચ જીતી ગયું હતું.
પીચમાં કોઈજ ખરાબી ન હતી ઉલટું આ પીચ બેટિંગ પીચ હતી અને તેમ છતાં પહેલી 10 ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનોની ધીમી બેટિંગ અથવાતો ક્રોસ બેટ શોટ્સ રમવાની યોજના સમજણની બહાર હતી. ફિલ્ડીંગ અને ઓછા સ્કોરને કઈ રીતે ડીફેન્ડ કરવો એની કોઈજ યોજના વચગાળાના કપ્તાન સુરેશ રૈના પાસે ન હતી, પરિણામે ચેન્નાઈ જેવી મજબૂત ટીમને પણ આસાન હારનો સામનો કરવો પડ્યો હતો.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 33 | સન રાઈઝર્સ હૈદરાબાદ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ઉપ્પલ (હૈદરાબાદ)
ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બેટિંગ)
ચેન્નાઈ સુપર કિંગ્સ 132/5 (20) રન રેટ: 6.60
ફાફ દુ પ્લેસી 45 (31)
શેન વોટ્સન 31 (29)
રશીદ ખાન 2/17 (4)
ખલીલ અહમદ 1/22 (4)
સન રાઈઝર્સ હૈદરાબાદ 137/4 (16.5) રન રેટ: 8.30
જોની બેરસ્ટો 61* (44)
ડેવિડ વોર્નર 50 (25)
ઇમરાન તાહિર 2/20 (4)
રવિન્દ્ર જાડેજા 0/22 (4)
પરિણામ: સન રાઈઝર્સ હૈદરાબાદ 6 વિકેટે જીત્યા
મેન ઓફ ધ મેચ: ડેવિડ વોર્નર (સન રાઈઝર્સ હૈદરાબાદ)
અમ્પાયરો: ઉલ્હાસ ગંધે અને ઇયાન ગુલ્ડ | સી શમ્સુદ્દીન (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: પ્રકાશ ભટ્ટ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું