આ વખતે મારો મત કોંગ્રેસને જ….શરતો લાગુ – કિન્નર આચાર્ય

0
131
Photo Courtesy: asianage.com

શરત માત્ર એટલી કે ભારતના વડા પ્રધાન બનવા માંગતા રાહુલ ગાંધી ભારત વિશે નીચે આપેલાં 23 પ્રશ્નોમાંથી કોઈપણ 3 સવાલોના જવાબ આપી બતાવે!

Photo Courtesy: asianage.com

મારા પ્રશ્નો રોકેટ સાયન્સને લગતા નથી, મિસાઈલ ટેક્નોલોજીના વિષયના પણ નથી. સાવ સામાન્ય છે. અર્થતંત્ર, સમાજજીવન, કળા, સ્વાતંત્ર્ય સંગ્રામ, ભૂગોળ, સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ વિષયોના સાવ બેઝિક સવાલો. કોઈ રાજ્યનાં ધારાસભ્યને પણ આવડવા જોઈએ. વડા પ્રધાન બનવા કૂદકા મારતા લોકોને તો તમામ વિસ સવાલોના જવાબ કંઠસ્થ હોવા જોઈએ. પણ, રાહુલનું જ્ઞાન ધ્યાનમાં રાખી ને વિશિષ્ટ છૂટછાટ આપી છે. તેઓ 23માંથી માત્ર 3ના જ જવાબ આપે તો પણ આપણું સમર્થન રાહુલને. ભારત વિશે કમસે કમ આટલું જાણતા હોય તેને જ મત સર્વોચ્ચ પદ માટે મત માંગવાનો નૈતિક અધિકાર છે. રાહુલજીની સરળતા માટે પ્રશ્નાવલીમાં અનેક વિષયો આવરી લીધા છે.

રાહુલ ગાંધીએ ભારતમાંથી સૌથી વધુ નિકાસ થતી પાંચ ચીજોના નામ આપવા પડે. સૌથી વધુ આયાત થતી પાંચ ચીજના નામ આપે તો પણ ચાલશે.

અથવા….

ભારતીય સૈન્યના કોઈપણ દસ શસ્ત્રોનું નામ જણાવે. બોફોર્સ તો એમને યાદ જ હશે, હવે નવ નામ જ યાદ કરવા પડશે.

અથવા…

ભારત-પાકિસ્તાન વચ્ચે કેટલા કિલોમીટરની લાઇન ઓફ કન્ટ્રોલ છે, પાકિસ્તાનની સરહદ કુલ કેટલા રાજ્યો ધરાવે છે? ચીન સાથે આપણી સરહદ કેટલા રાજ્યોમાં છે… બસ આટલું કહી દે તો ચાલશે.

અથવા…

ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી કોઈપણ દસ યોજનાના નામ આપે અને તેનો શો લાભ છે, એ એક-બે લીટીમાં સમજાવે. સાવ સહેલું છે. આવડશે?

અથવા…

ભારતમાં સૌથી વધુ ઘઉં ક્યાં પાકે છે? સૌથી વધુ ચોખા, તુવેર, મકાઈ, બાજરો, તલ, મગફળીની ઉપજ લેતા રાજ્યો ક્યા? આ તો આવડવું જ જોઈએ…

અથવા…

દેશમાં ક્યા પાંચ સેક્ટરમાં સૌથી વધુ રોજગારની તકો છેલ્લા પાંચ વર્ષમાં સર્જાઈ? ક્યા ક્ષેત્રમાં માણસોની સૌથી વધુ અછત છે?

અથવા…

દેશમાં અત્યારે વીજળીની સ્થિતિ કેવી છે? કેટલા મેગા વૉટનું કુલ ઉત્પાદન છે? દેશનાં દરેક ઘર અને પ્રત્યેક ખેતરમાં 24 કલાક વીજળી પહોંચાડવા કેટલું વીજ ઉત્પાદન હાંસલ કરવું પડે?

અથવા…

હિમાલય પર કુલ કેટલા રાજ્યો વસેલા છે? તેમની મુખ્ય ત્રણ સમસ્યા કઈ? એમને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા કયા ત્રણ ક્ષેત્રોનો વિકાસ અનિવાર્ય ગણાય?

લાગતું વળગતું: ખેડૂતોના ‘તારણહાર’ રાહુલ ગાંધીએ જ ખેડૂતોની જમીન પચાવી પાડી

અથવા…

દેશનાં સૌથી વ્યસ્ત ગણાય એવા પાંચ પોર્ટ અને પાંચ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના નામ આપો…

અથવા…

દેશમાં સૌથી વધુ દૂધ એકત્ર કરતી મહેસાણાની ડેરીનું નામ આપે, પ્રથમ ક્રમ તો મહેસાણાનો છે… ટોપ-5ની યાદીમાં આવતી બાકીની ત્રણ ડેરી કઈ?

અથવા…

હિન્દુ ધર્મના ચાર ધામ, 51માંથી કોઈપણ ત્રણ શક્તિપીઠ, હિમાલયના ચાર ધામ, ચાર જ્યોતિર્મઠનું નામ જણાવો… જનોઈધારી દત્તાત્રેયગોત્રી બ્રાહ્મણને તો આટલી સામાન્ય માહિતી કંઠસ્થ જ હોય.

અથવા…

પટોળાં, બનારસી, કાંજીવરમ, બાંધણી, ચંદેરી, લહેરિયા, ફુલકારી વગેરે સાડીઓ ક્યાં અને કેવી રીતે બને? એક-એક લીટીમાં જવાબ આપો તો પણ ચાલે. ઉદાહરણ તરીકે: પટોળાં ગુજરાતમાં બને છે, સિલ્ક, વનસ્પતિ રંગ અને સોનાંના તારમાંથી એ તૈયાર થાય છે. બસ આટલું જ. આ સાડીઓના ઉદ્યોગ પર લાખો લોકો નભે છે, મુદ્દો વ્યર્થ નથી.

અથવા…

ભારતીય ક્લાસિકલ સંગીતના હાલનાં કોઈપણ પાંચ ગાયક/ગાયિકાના નામ આપો. કોઈપણ ત્રણ ઘરાનાનાં નામ? કોઈપણ ત્રણ પ્રકારના નામ. ઉદાહરણ તરીકે: ધ્રુપદ અને ઠુમરી.

અથવા…

દેશના કોઈપણ પ્રાંતના પાંચ લોકનૃત્યોના નામ આપો. ઉદાહરણ તરીકે: ભાંગડા અને દાંડિયા. પાંચમાંથી બે નામ મેં આપ્યા, હવે ત્રણ જ શોધવાના. પાંચ શાસ્ત્રીય નૃત્યો ક્યા?

અથવા…

કાલિદાસની કોઈપણ ત્રણ કૃતિ… રામની માતાનું નામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની માતાનું નામ, વાલીના ભાઈનું તથા તેમનાં રાજ્યનું નામ.

અથવા…

હિન્દીના સર્વકાલીન પાંચ સાહિત્યકારોનું નામ આપશો? પાંચ મહાકવિ, પાંચ ઉર્દુ શાયર… ક્ષેત્રીય કે પ્રાંતિય ભાષા વિશે પૂછ્યું નથી. પ્રશ્નપત્ર સાવ સહેલું જ રાખ્યું છે .

અથવા…

દેશની પ્રથમ ક્રમાંકની નેશનલાઈઝડ બેન્ક SBI છે. બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે કઈ બેન્ક આવે છે? પ્રાઇવેટ સેક્ટરની ટોપ-5 બેંકો કઈ? ક્રમવાર કહો…

અથવા…

ભારતીય રેલવેની કોઈપણ દસ ટ્રેનના નામ આપો. એક સ્લિપર કલાસ ડબ્બામાં કેટલી સીટ હોય? સેકન્ડ એ.સી.માં કેટલી હોય?

અથવા…

દેશમાં જેટલા રજવાડાં હતા તેમાંથી સૌથી સમૃદ્ધ એવા દસ રજવાડાં, ગાંધીજી, નહેરુ, સરદાર, ભગતસિંહ, આઝાદ, બોસ તથા લાલ-બાલ-પાલને છોડી ને અન્ય દસ સ્વાતંત્ર્ય વીરોના નામ? બંધારણ સમિતિના કોઈપણ ત્રણ સભ્યોના નામ?

અથવા…

ત્રિફળામાં ક્યા ત્રણ ઔષધોનો ઉપયોગ થાય? આયુર્વેદના કોઈપણ ત્રણ મહાગ્રંથોના નામ?

કોઈપણ પાંચ સ્વિસ બેન્કોના નામ આપો… તેનાં હેડ ક્વાર્ટર ક્યાં છે?

સ્વિસ બેન્કો પર વિવિધ સરકારોએ દબાણ આણ્યું એ પછી ભારતીયો કાળું નાણું ક્યા ત્રણ દેશોની બેન્કોમાં જમા કરે છે?

હિન્દુ આતંકવાદ અને સેફ્રોન ટેરર જેવા મહાન શબ્દોની રચના કોણે અને ક્યારે, શા કારણે કરી?

નોંધ: હું જાણું છું કે, છેલ્લા ત્રણ પ્રશ્નોનો જવાબ તમને ખ્યાલ છે અને ઊંઘમાં પણ તમે એ વિશે કહી શકો. પણ દુઃખની વાત એ છે કે, એ માત્ર તમારી ફીરકી લેવા માટે છે. તમારે તો એકથી 20માંથી જ જવાબ આપવાનો છે. મમ્મીને પૂછવાનું નહીં, એમને પણ જવાબ નથી આવડતાં.

eછાપું

તમને ગમશે: રામરહીમ અને હનીપ્રિતનું નામ ધરાવતા ગર્દભોની જોડી રૂ. 11,000 વેંચાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here