ક્રિકેટમાં હાર અને જીત વચ્ચે નાની નાની બાબતો મહત્ત્વ ધરાવતી હોય છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે આવી જ બે બાબતો પર ખાસ ધ્યાન આપ્યું હોત તો પરિણામ બદલી શકાયું હોત્ય.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર લગભગ પ્લે ઓફ્સની રેસમાંથી બહાર છે, તેમ છતાં હવે તેમણે મોડે મોડે પ્રયાસ શરુ કરી દીધા છે હવે જોવાનું એ રહેશે કે આમ કરીને પણ તેમનો સંઘ કાશીએ પહોંચશે કે નહીં?
કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ પર કોલકાતા નાઈટ રાઈડર્સ સારી બેટિંગ ન કરે એવું આ સિઝનમાં બન્યું નથી. આજે પણ એમ જ થયું હતું પરંતુ તેમનાથી વિજયતો બે પગલાં દૂર જ રહ્યો હતો. બેટિંગ પીચ અને ઝડપી આઉટફિલ્ડ ધરાવતા મેદાન પર ટોસ જીતીને કોલકાતાએ રન ચેઝ કરવાનું પસંદ કર્યું. નવમી ઓવરમાં 59 રન જેવા સામાન્ય સ્કોર પર પહોંચેલા બેંગલોરે બે વિકેટો ગુમાવી દીધી હતી. એમ તો RCB છેક 13મી ઓવરમાં 100 રન પર પહોંચ્યું હતું.
પરંતુ પહેલા મોઈન અલી અને બાદમાં કેપ્ટન કોહલીએ KKRના બોલર્સને જે બેરેહમીથી ફટકાર્યા હતા તેને લીધે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે છેલ્લી 10 ઓવરોમાં 143 રન બનાવ્યા હતા. મોઈન અલીએ કુલદીપ યાદવની એક ઓવરમાં 27 રન ફટકાર્યા હતા જેને લીધે કુલદીપ લગભગ રડવા લાગ્યો હતો તેવા ભાવુક દ્રશ્યો પણ આ મેચમાં જોવા મળ્યા હતા. જો કે એ ઓવરના છેલ્લા બોલે કુલદીપે જ મોઈન અલીને આઉટ કર્યો હતો.
આ મેચ યાદ રાખવાના જો બે કારણો હોય તો એમાંથી પહેલું કારણ છે વિરાટ કોહલીની સેન્ચુરી. અન્ય કોઈ આક્રમક બેટ્સમેનોથી વિરુદ્ધ વિરાટ કોહલીના શોટ્સ ક્રિકેટ કોચિંગ બુકમાં લખેલા જ શોટ્સ હોય છે અને આથી જ તેની બેટિંગ અન્ય રફ એન્ડ ટફ બેટ્સમેનો કરતા વધુ માણવા લાયક બનતી હોય છે. આ મેચની કોહલીની બેટિંગ આવી જ આકર્ષક બની હતી. બીજું કારણ આપણે આર્ટીકલના અંતમાં જોઈશું.
બેંગલોરે ભલે 213 જેટલો વિશાળ સ્કોર બનાવ્યો પરંતુ કોલકાતાની બેટિંગ લાઈનઅપ અને બેટિંગ પીચને લીધે એ પૂરેપૂરો સુરક્ષિત તો ન જ હતો, ખાસ કરીને આન્દ્રે રસલની એ બેટિંગ લાઈનઅપમાં હાજરીને લીધે. અને બન્યું પણ એવું જ. KKRના ટોપ ઓર્ડરના બેટ્સમેનો તરત આઉટ થઇ ગયા અને તેને લીધે કદાચ મોટા સ્કોરનું દબાણ તેમના પર રહેતા ધબડકો પણ કરી બેસે એવું લાગી રહ્યું હતું. પરંતુ નિતીશ રાણા અને આન્દ્રે રસેલે પડકાર ઝીલી લીધો.
આ બંનેએ ભેગા મળીને પાછલી 10 ઓવરોમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની જેમ જ 143 રન બનાવ્યા પરંતુ 214નું લક્ષાંક તેમનાથી સતત આગળ જ રહ્યું અને કોલકાતા નાઈટ રાઈડર્સને હારનો સામનો કરવો પડ્યો. છેલ્લી દસ ઓવરોમાં બેંગ્લોર જેટલો જ સ્કોર કરવા છતાં બે બાબતો તેમને નડી ગઈ. એક તો એ કે RCBએ KKR કરતા પહેલી દસ ઓવરોમાં 10 રન વધુ બનાવ્યા હતા અને બીજી રોબીન ઉથપ્પાની ધીમી બેટિંગ. ઉથપ્પાએ સ્વભાવ વિરુદ્ધ 20 બોલમાં માત્ર 9 રન બનાવ્યા અને એ પણ વચ્ચેની ઓવરોમાં જેણે છેલ્લે આન્દ્રે રસલ અને નિતીશ રાણાનું કાર્ય અશક્ય બનાવી દીધું.
આમ આ બધી નાની નાની વાત છે પરંતુ આવી જ નાની બાબતો ક્રિકેટમાં હાર અને જીત નક્કી કરતી હોય છે એ પણ હકીકત છે, જે આ મેચની બીજી એવી બાબત હતી જેને લીધે પણ આ મેચ કાયમ યાદ રહેશે.
ટૂંકું સ્કોર કાર્ડ
IPL 2019 | મેચ 35 | કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ઈડન ગાર્ડન્સ, કોલકાતા
ટોસ: કોલકાતા નાઈટ રાઈડર્સ (બોલિંગ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 213/4 (20) રન રેટ: 10.65
વિરાટ કોહલી 100 (58)
મોઈન અલી 66 (28)
આન્દ્રે રસલ 1/17 (3.0)
સુનિલ નારાયણ 1/32 (4)
કોલકાતા નાઈટ રાઈડર્સ 203/5 (20) રન રેટ: 10.15
નિતીશ રાણા 85* (46)
આન્દ્રે રસલ 65 (25)
ડેલ સ્ટેન 2/40 (4)
નવદીપ સૈની 1/31 (4)
પરિણામ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 10 રને જીત્યા
મેન ઓફ ધ મેચ: વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)
અમ્પાયરો: ઇયાન ગુલ્ડ અને નિતીન મેનન | અનિલ દાંડેકર (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું