IPL 2019| મેચ 36 | નવા કેપ્ટન સાથે રાજસ્થાન રોયલ્સનું નવું નસીબ જોડાયું?

0
158
Photo Courtesy: iplt20.com

રાજસ્થાન રોયલ્સે સતત હારી રહેલા અને ફોર્મ વિહોણા કપ્તાન અજીન્ક્ય રહાણેને સ્થાને સ્ટીવન સ્મિથને કપ્તાન બનાવ્યો હતો અને તેમનું નસીબ બદલાઈ ગયું હતું.

Photo Courtesy: iplt20.com

રાજસ્થાન રોયલ્સ આ મેચની શરૂઆત પહેલા પોઈન્ટ્સ ટેબલ પર છેલ્લેથી બીજા નંબરે હતા અને મુંબઈ ઇન્ડિયન્સ પહેલેથી બીજા નંબરે. કદાચ આ જ કારણસર રાજસ્થાને બાકીની સિઝન માટે અજીન્ક્ય રહાણેને સ્થાને સ્ટીવ સ્મિથને કપ્તાન બનાવ્યો હતો.

ધીમી પીચ પર RRએ ટોસ જીતીને મુંબઈ ઇન્ડિયન્સને પહેલા બેટિંગ કરવાનું કહ્યું. રોહિત શર્માના વહેલા આઉટ થઇ જવા છતાં ક્વિન્ટન ડી કોક જેણે પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે તેણે અને સુર્યકુમાર યાદવે મુંબઈને ત્વરિત શરૂઆત આપી હતી. પીચ ભલે ધીમી હશે પરંતુ આ બંનેની બેટિંગ જોઇને એવું લાગતું ન હતું. જો કે શરૂઆતમાં જોફ્રા આર્ચરે ડી કોકનો કેચ છોડ્યો હતો જે રાજસ્થાન રોયલ્સને ભારે પડી ગયો હતો. એમ તો આર્ચરે આજે ત્રણ કેચો છોડ્યા હતા.

દસમી ઓવર સુધીમાં 80 રન પાર કર્યા બાદ MIને ધીમી પીચનો અનુભવ થવા લાગ્યો હતો અને હાર્દિક પંડ્યાની ઝડપી ઇનિંગ છતાં તેઓ આ પીચ પર સ્પર્ધાત્મક કહી શકાય તેવા 161 રનના સ્કોર સુધી પહોંચી શક્યા હતા જે તેમની શરૂઆતને જોતા લગભગ 10 થી 12 રન ઓછા જરૂર કહી શકાય.

કેપ્ટન પદના ભાર વગર રમી રહેલા અજીન્ક્ય રહાણે પાસેથી આજે ઘણી આશા હતી પરંતુ તેણે હોમ ક્રાઉડને ફરીથી નિરાશ કર્યા હતા. રહાણેના આઉટ થયા બાદ નવા નીમાયેલા કેપ્ટન સ્ટીવન સ્મિથ અને સંજુ સેમસને રાજસ્થાનની ઇનિંગને ગતિ આપવાની કોશિશ તો કરી પણ સંજુ સેમસન અને તેની બાદ આવેલા બેન સ્ટોક્સ રાહુલ ચાહરની એક જ ઓવરમાં આઉટ થઇ જતા દબાણ ફરીથી RR પર આવી ગયું હતું.

પીચ ધીમી હોવાને લીધે ક્યાંક રાજસ્થાન રોયલ્સ બાકી રહેલા રન બનાવી શકશે કે કેમ તેવો પ્રશ્ન પણ ઉભો થયો હતો પરંતુ અન્ડર 19ની ચેમ્પિયન ભારતીય ટીમનો હિસ્સો રહેલા રિયાન પરાગે કેપ્ટન સ્મિથનો બરોબર સાથ નિભાવતા રાજસ્થાનને જીતના દ્વાર સુધી પહોંચાડી દીધું હતું. અહીં પણ RRની બે વિકેટો જરૂર પડી ગઈ હતી પરંતુ કપ્તાન સ્ટીવન સ્મિથે વધુ કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખીને ટીમને પાંચ બોલ પહેલા જ જીતાડી દીધી હતી.

રાજસ્થાન રોયલ્સ આજે નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતર્યા હતા અને મેચ પણ જીત્યા હતા, તો શું નવો કેપ્ટન ટીમ માટે નવું નસીબ લઈને આવ્યો છે એમ કહી શકાય? એ તો આવનારી મેચોના પરિણામ જ કહી શકશે.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 36 | રાજસ્થાન રોયલ્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ

સવાઈ માનસિંગ સ્ટેડિયમ, જયપુર

ટોસ: રાજસ્થાન રોયલ્સ (બોલિંગ)

મુંબઈ ઇન્ડિયન્સ 161/5 (20) રન રેટ: 8.05

ક્વિન્ટન ડી કોક 65 (47)

સુર્યકુમાર યાદવ 34 (33)

શ્રેયસ ગોપાલ 2/21 (4)

સ્ટુઅર્ટ બિન્ની 1/19 (3)

રાજસ્થાન રોયલ્સ 162/5 (19.1) રન રેટ: 8.48

સ્ટીવન સ્મિથ 59* (48)

રિયાન પરાગ 43 (29)

સંજુ સેમસન 35 (19)

રાહુલ ચાહર 3/29 (4)

જસપ્રીત બુમરાહ 1/21 (4)

પરિણામ: રાજસ્થાન રોયલ્સ 5 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: સ્ટીવન સ્મિથ (રાજસ્થાન રોયલ્સ)

અમ્પાયરો: યશવંત બારડે અને એસ રવિ | નંદન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈયર

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here