Home ભારત રાજકારણ ભાજપ બાદ હવે કોંગ્રેસમાં રહીને પક્ષ સાથે શત્રુતા નિભાવતા શત્રુઘ્ન સિન્હા

ભાજપ બાદ હવે કોંગ્રેસમાં રહીને પક્ષ સાથે શત્રુતા નિભાવતા શત્રુઘ્ન સિન્હા

0
158
Photo Courtesy: vtvgujarati.com

નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી પદ ન મળતા પાંચ વર્ષ સુધી સતત ભાજપ વિરુદ્ધ નિવેદનો કરતા રહેલા શત્રુઘ્ન સિન્હાએ હવે કોંગ્રેસમાં જોડાઈને પણ પોતાની નવી પાર્ટી વિરુદ્ધ એક કામ કર્યું છે.

Photo Courtesy: vtvgujarati.com

શત્રુઘ્ન સિન્હાનું નામ તો ભગવાન રામના ચોથા ભાઈ શત્રુઘ્ન પર પડ્યું છે. એમના બંને પુત્રોના નામ પણ લવ કુશ છે અને એટલુંજ નહીં એમના ઘરનું નામ પણ રામાયણ છે. પરંતુ રાજનીતિમાં શત્રુઘ્ન સિન્હા થોડા કેટલાક સમયથી વિભીષણની ભૂમિકા ભજવી રહ્યા છે.

જ્યારે 2014માં નરેન્દ્ર મોદી સરકાર બની ત્યારે અરુણ શૌરી અને યશવંત સિન્હાની જેમ શત્રુઘ્ન સિન્હાને પણ લાગ્યું હતું કે અટલ બિહારી વાજપેયીની સરકારમાં અમે મંત્રી હતા એટલે બાય ડિફોલ્ટ અમને મોદી પણ મંત્રી બનાવશે, પરંતુ આ બધાના બદનસીબે અને ભારતના સદનસીબે આમ થયું ન હતું. હવે જેમને માટે મંત્રી પદ જ સર્વસ્વ હોય તેમને માટે પછી માત્ર સંસદ સભ્ય બનીને મૂંગા રહેવું અઘરું બની જતું હોય છે.

એમાંય આ તો વળી શત્રુઘ્ન સિન્હા હતા જેમનો ફેવરીટ ડાયલોગ ભલે “ખામોશ!” હોય પરંતુ તે ખુદ ક્યારેય શાંત રહી શકતા નથી. એટલે તેઓ શરૂઆતથી જ પહેલા કોમળ શબ્દોમાં અને બાદમાં કડક અને ખુલ્લેઆમ નરેન્દ્ર મોદી સરકારની નીતિઓની તેમજ નરેન્દ્ર મોદીની ટીકા કરવા લાગ્યા. શત્રુઘ્નને એમ કે તેમની ટીકાઓથી કંટાળીને પક્ષ તેમને પક્ષમાંથી હાંકી કાઢશે અને પછી તેઓ વિક્ટિમ કાર્ડ રમીને પોતાનું સંસદ સભ્ય તરીકેનું પદ જાળવીને લાલુપ્રસાદની પાર્ટીમાં કે પછી કોંગ્રેસમાં જોડાઈ જશે.

પરંતુ એવું ન થયું. ભારતીય જનતા પક્ષની ટોચની નેતાગીરીએ શત્રુઘ્ન સિન્હાને સાવ એકલા પાડી દીધા. એમના બયાનો પર કોઈ નોંધ પણ ન લેવામાં આવી. આવુંને આવું ત્રણ ચાર વર્ષ ચાલ્યું એટલે હવે શત્રુ પણ ગૂંચવાયા. એમણે પોતાના નિવેદનો વધારે તીખા કર્યા પણ પરિણામ હજી પણ શૂન્ય. તકલીફ તો ત્યારે આવી કે ગયા વર્ષે જ્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ હાર નિશ્ચિત હોવા છતાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત લાવી ત્યારે કમને શત્રુઘ્નએ પાર્ટીના પક્ષમાં મત આપવો પડ્યો.

લાગતું વળગતું: કોંગ્રેસથી ગુસ્સે નવજોત સિંગ સિદ્ધુ; ન ઘરના રહ્યા ન ઘાટના

કારણકે તેમણે જો પક્ષના દંડકની સૂચના અનુસાર પાર્ટી વિરુદ્ધ મત આપ્યો હોત તો તેમને પક્ષ પલટા વિરોધી કાયદાનો સામનો કરવો પડત. હવે લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ અને છેવટે ભાજપે પોતાના પત્તા ખોલ્યા અને શત્રુઘ્ન સિન્હાની બેઠક પટના સાહિબ પરથી કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદને ટીકીટ આપી. આખરે શત્રુઘ્નએ જાતે પક્ષમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસમાં જોડાઈ ગયા. કોંગ્રેસે પણ શત્રુઘ્નને તરત જ પટના સાહિબની ટીકીટ આપી દીધી.

પરંતુ, ઘરમેળે નક્કી કર્યું હોય કે કોઈ અન્ય બાબત હોય થોડા જ દિવસો અગાઉ શત્રુઘ્નના પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને એમને પક્ષે લખનૌમાં રાજનાથ સિંહ સામે ટીકીટ આપી. હવે જે શત્રુઘ્ન સિન્હાને છેલ્લા પાંચ-પાંચ વર્ષથી પોતાના જ પક્ષ વિરુદ્ધ બોલવાની અને અન્ય પ્રવૃત્તિ કરવાની આદત પડી ગઈ હોય એ તરત તો કેમ છૂટે? આથી તેમણે પરમદિવસે પોતાના પત્ની પૂનમ સિન્હા માટે લખનૌમાં પ્રચાર કરી દીધો.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન સામે કોંગ્રેસ પણ લડી રહી છે. જ્યારે શત્રુ પટના સાહિબમાં કોંગ્રેસના  ઉમેદવાર છે! હવે પોતાની જ પાર્ટીના એક ઉમેદવાર પોતાની સામે લડી રહેલી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરે એ લખનૌના કોંગ્રેસી ઉમેદવાર આચાર્ય પ્રમોદ કૃષ્ણાને કેમ પોસાય? એમણે જ્યારે આ અંગે સવાલ કર્યો ત્યારે શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે તેઓ તો માત્ર પતિ ધર્મ નિભાવી રહ્યા છે! તો કૃષ્ણાએ વળતો જવાબ આપ્યો કે તો હવે પતિ ધર્મ નિભાવી લીધો હોય તો પાર્ટી ધર્મ નિભાવતા તેમણે એમના માટે પણ પ્રચાર કરવો જોઈએ!

હવે શત્રુઘ્ન ફિક્સમાં મૂકાયા છે, હવે જો તેઓ આચાર્ય પ્રમોદના કહેવા પ્રમાણે તેઓ લખનૌમાં એમના માટે પણ પ્રચાર કરે તો પછી મતદારોમાં ખોટો સંદેશ જાય અને ન જાય તો તેઓ કોંગ્રેસમાં માત્ર પોતાના ફાયદા માટે જ જોડાયા છે એ સાબિત થઇ જાય. અગાઉ પણ જ્યારે શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાયા એ દિવસની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એક-બે વાક્યો કોંગ્રેસ વિરુદ્ધ પણ બોલી નાખ્યા હતા. પછી વાતને વાળી નાખતા કહ્યું હતું કે આજે એમનો પહેલો દિવસ છે એટલે ટેવ પડતા વાર લાગશે.

ખરેખર તો પોતાની જ પાર્ટી વિરુદ્ધ સતત બોલે રાખવું અને એ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા રહેવી એ શત્રુઘ્ન સિન્હાની આદત બની ગઈ છે. શત્રુઘ્ન સિન્હા જેવા આગેવાનો જે પોતાની પાર્ટીના નથી થઇ શક્યા જેમાં તેમને વર્ષો સુધી માનપાન મળ્યા હતા તે બીજી પાર્ટીમાં જઈને તેમના કેવી રીતે થઇ શકે એ એક મોટો સવાલ છે. તો એક સવાલ એ પણ છે કે કોંગ્રેસ નેતાગીરી જેમાં રાહુલ ગાંધી પણ સામેલ છે તે પોતાની વિરોધી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરનાર શત્રુઘ્ન સિન્હાની એ પ્રવૃત્તિને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણશે ખરા કે માત્ર મોદીને હરાવવા માટે તેઓ આ પાપ પણ ચલાવી લેશે?

eછાપું

તમને ગમશે: હેપ્પી બર્થડે નોટબંધી : કાળા નાણા વિરુદ્ધ સામી છાતીએ જંગ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!