આરામથી ખિસ્સામાં મૂકી દીધેલી મેચને દિલ્હી કેપિટલ્સ પરિણામ સુધી પહોંચવા છેક છેલ્લી ઓવર સુધી ગયા હતા. આ મેચમાં રવિચંદ્રન અશ્વિનનું પણ એક નવું રૂપ જોવા મળ્યું હતું.

ઇન્ડિયન પ્રિમિયર લીગની આ સિઝન બે બાબતોએ ખાસ યાદ રાખવામાં આવશે. એક તો લગભગ દરેક મેચમાં ટીમો દ્વારા ટોસ જીતીને પહેલા બોલિંગ લેવાના નિર્ણય બાબતે અને બીજું મોટાભાગની મેચોનું છેલ્લી ઓવરમાં પરિણામ આવવું જેમાંથી આ મેચની જેમ અમુક મેચોમાં તેની કોઈજ જરૂર ન હતી.
શનિવારની બંને મેચો ધીમી અને નીચા ઊછળ ધરાવતી પીચો પર રમાઈ હતી. સવાઈ માનસિંગ સ્ટેડિયમની મેચ અને ફિરોઝશાહ કોટલા પર રમાયેલી આ મેચ. બંને મેચોમાં ટોસ જીતી ગયેલી ટીમોએ પહેલા બોલિંગ લઈને રન ચેઝ કરવાનું રિસ્ક લીધું એ પણ એક અન્ય કોમન બાબત રહી હતી.
કિંગ્સ ઈલેવન પંજાબનું સ્કોર કાર્ડ જોઈએ તો તેમાં ક્રિસ ગેલ….વિકેટો…મનદીપ સિંગ…વિકેટો બસ તેના સિવાય બીજું ખાસ ન હતું. તેમાં પણ ક્રિસ ગેલની જ બેટિંગ ટ્વેંટી20ને શોભે તેવી હતી જ્યારે મનદીપ સિંગ ઉપર ટીમને ભેગી રાખવાની જવાબદારી આવી પડતા તે એટલી ઝડપથી નહોતો રમી શક્યો. દિલ્હી કેપિટલ્સની બોલિંગ અને ફિલ્ડીંગ આજે અદભુત રહી હતી, આ ઉપરાંત શ્રેયસ ઐયરની કપ્તાની પણ નોંધપાત્ર રહી હતી.
ક્રિસ ગેલનો કેચ જે રીતે બાઉન્ડ્રી ક્રોસ કરવાના ડરે કોલિન ઇન્ગ્રામે અક્ષર પટેલને જે તેનાથી ખાસ્સો દૂર ઉભો હતો તેને પાસ કર્યો અને અક્ષરે તેને શાંતિથી કેચ પણ કર્યો એ ક્ષણ આ IPLની યાદગાર ક્ષણોમાંથી એક જરૂર ગણાશે. ધીમી પીચ પર 163 રનનો સ્કોર બીજી બેટિંગ કરવા આવનારી ટીમ પર પૂરતું દબાણ મૂકી શકે તેવો સ્કોર કહી શકાય છે.
તેમ છતાં દિલ્હીને પૃથ્વી શૉ અને શિખર ધવને ઠીક ઠીક કહી શકાય તેવી શરૂઆત આપી હતી. પૃથ્વીના આઉટ થયા બાદ ધવન અને શ્રેયસ ઐયરે 10 ઓવરમાં 92 રનની ભાગીદારી ઉભી કરી હતી જેણે DCની જીતનો પાયો નાખ્યો હતો. તો બીજી તરફ પંજાબની બોલિંગ અને ફિલ્ડીંગ આજે કોઈ ખાસ રહી ન હતી સિવાય કે છેલ્લી અમુક ઓવરોમાં.
ઋષભ પંતની બેજવાબદાર બેટિંગ વિષે અહીં ઘણું લખાઈ ચૂક્યું છે અને તેણે આ મેચમાં પણ એ જ પ્રકારની બેટિંગ કરી હતી. માત્ર 7 રન પ્રતિ ઓવરની રેટ પર જ રમવાની જરૂર હોવા છતાં ફરી એકવાર પંત એક ખરાબ અને બિનજરૂરી શોટ મારીને આઉટ થઇ ગયો હતો. છેલ્લી બે ઓવરમાં 10 જ રન કરવાના હોવા છતાં દિલ્હી કેપિટલ્સ કોઈ અજાણ્યા પ્રેશરમાં આવી ગયા હતા અને રન બનાવવામાં તેમને મુશ્કેલી થઇ રહી હતી.
આવામાં અક્ષર પટેલ રન આઉટ થતા દિલ્હીના ફેન્સને અચાનક તેમનો KXIP સામેનો મોહાલી ખાતેનો મુકાબલો યાદ આવી ગયો જેમાં દિલ્હી મેચ જીતવાને આરે હતું તેમાંથી ધબડકો થતાં હારી ગયું હતું અને સેમ કરને હેટ્રિક લીધી હતી. પરંતુ આજે શ્રેયસ ઐયર જીત મેળવવા માટે કૃતનિશ્ચયી હતો અને તેણે છેલ્લી ઓવરમાં ટીમને જીત આપી હતી. પોતાના કેપ્ટન પાસેથી ઋષભ પંત ઘણું શીખી શકે છે.
આ મેચમાં એક બીજી નોંધપાત્ર ઘટના પણ બની હતી. આ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબના કપ્તાન રવિચંદ્રન અશ્વિને શિખર ધવનને પોતે બોલિંગ કરી રહ્યો હોય ત્યારે ક્રિઝની બહાર ન નીકળવાની બે વખત વોર્નિંગ આપી હતી. આવું જ જો અશ્વિને શરૂઆતની મેચોમાં રાજસ્થાન રોયલ્સના જોસ બટલર સાથે કર્યું હોત અને પછી તેને માંકડીંગ દ્વારા આઉટ કર્યો હોત તો એની આટલી ટીકા પણ ન થાત. ખૈર! દેર આયે દુરસ્ત આયે.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 37 | દિલ્હી કેપિટલ્સ વિ. કિંગ્સ ઈલેવન પંજાબ
ફિરોઝશાહ કોટલા, દિલ્હી
ટોસ: દિલ્હી કેપિટલ્સ (બોલિંગ)
કિંગ્સ ઈલેવન પંજાબ 163/7 (20) રન રેટ: 8.15
ક્રિસ ગેલ 69 (37)
મનદીપ સિંગ 30 (27)
સંદીપ લમીશાને 3/40 (4)
કાગીસો રબાડા 2/23 (4)
દિલ્હી કેપિટલ્સ 166/5 (19.4) રન રેટ: 8.55
શ્રેયસ ઐયર 58* (49)
શિખર ધવન 56 (41)
હાર્ડસ વિલ્યોન 2/39 (4)
મોહમ્મદ શમી 1/21 (4)
પરિણામ: દિલ્હી કેપિટલ્સ 5 વિકેટે જીત્યા
મેન ઓફ ધ મેચ: શ્રેયસ ઐયર (દિલ્હી કેપિટલ્સ)
અમ્પાયરો: ઉલ્હાસ ગંધે અને સી શમ્સુદ્દીન | બ્રુસ ઓક્સેનફર્ડ (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: પ્રકાશ ભટ્ટ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું