એક તરફ જેમને હિંદુ નામ સાંભળતા જ કીડીઓ ચડે છે તો બીજી તરફ એવા લોકો પણ છે જેઓ જન્મે તો હિંદુ નથી પરંતુ તેઓ એક સામાન્ય ભારતીય હિંદુ કરતા હિંદુ ધર્મ અને હિંદુત્વનો મતલબ બહેતર રીતે જાણે છે.

લોકસભા ની ચૂંટણી ખરો રંગ પકડી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સાત માંથી બે તબક્કા પુરા થઇ ગયા છે. આ પબ્લિશ થશે ત્યારે ત્રીજા તબક્કાને કલાકોની વાર હશે જેમાં eછાપું ની સમગ્ર ટિમ, અને ઘણા વાંચકો મતદાન કરવાના છે. અને દિવસે દિવસે આ ચૂંટણી વધારે રસપ્રદ બનતી જાય છે. જેમાં સહુથી વધારે ધ્યાન ખેંચે છે ભોપાલ ની બેઠક, જેમાં કોંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહ સામે ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતાર્યા છે. ભાજપનાં આ પગલાંથી ભોપાલની બેઠક માટેની લડાઈ માત્ર બે પાર્ટીઓ વચ્ચે નહિ પરંતુ બે વિચારધારા વચ્ચે લડાઈ રહી છે. દિગ્વિજય સિંહ છેલ્લા કેટલાક વર્ષોથી સતત હિન્દૂ આતંકવાદ નામના એક કાલ્પનિક મુદ્દાને હવા આપતા હતા, જયારે પ્રજ્ઞા ઠાકુરને હિન્દૂ આતંકવાદી કહી ફસાવવામાં આવેલા. દિગ્વિજય સિંહ અને કોંગ્રેસે હિંદુત્વને આતંકવાદી ધર્મ કહેલો. પણ આ સત્ય નથી એ આપણે સહુ જાણીએ છીએ, હિન્દુત્વ એ વિશ્વના સહુથી જુના અને સહુથી ઓપન માઇન્ડેડ ધર્મ માનો એક છે. આવો આ લિબરલ હિન્દુત્વ વિષે થોડું જાણીએ.
એક સંસ્કૃતિ તરીકે ભારતનો અભ્યાસ કરવો એ છેક ગ્રીક-રોમન કાળથી ચાલ્યું આવતું હતું. અંગ્રેજો જયારે ભારતમાં નવા નવા હતા ત્યારે આપણા પર અંગ્રેજી થોપવાને બદલે પોતે હિન્દી શીખતાં હતા (મંગલ પાંડે માં ગોર્ડન સાહેબને લગભગ અસ્ખલિત હિન્દી બોલતા દેખાડ્યો છે). અંગ્રેજો (અને યુરોપિયનો)એ આફ્રિકા અને એશિયન રાષ્ટ્રોમાં લાંબા સમય સુધી રાજ કર્યું એનું એક કારણ એ પણ છે કે એ લોકો પોતાની પ્રજાની સંસ્કૃતિ વિષે જાણતા અને એમાં રસ લેતા. ભારત વિષે અને ભારતની સંસ્કૃતિ વિશેના અભ્યાસને જયારે યુનિવર્સીટીઓમાં સ્થાન મળ્યું ત્યારે એ વિષયને ઇન્ડોલોજી એવું નામ મળ્યું. આ ઇન્ડોલોજીનો અભ્યાસ કરનાર ઇન્ડોલોજીસ્ટ કહેવાય. આવા લોકો મોટેભાગે વિદેશીઓ હોય છે જેમાં વિવાદાસ્પદ અમેરિકન ઇન્ડોલોજીસ્ટ Audri Truschke, એનાજ દેશના અને હિન્દુત્વ તરફી Dr. David Frawley ઉર્ફે વામદેવ શાસ્ત્રી જેવા લોકો છે. પણ આજે આપણે જેના વિષે વાત કરવાના છીએ એ ફ્રેન્ચ ઇન્ડોલોજીસ્ટ Francois Gautier અને એના ત્રણ વર્ષ જુના લેખ What is special about being hindu? વિષે. આ લેખ અને એના મુદ્દાઓ આપણી આંખ ઉઘાડી દે છે અને બીજું કઈ તો નહિ પણ જરૂર દેખાડે છે કે બીજા ધર્મોની સરખામણીમાં આપણને કેટલી છૂટ મળી છે. આપણો ધર્મ જડ મનુવાદી નહિ પણ લિબરલ હિન્દુત્વ છે.
- શું તમે ભગવાનમાં વિશ્વાસ ધરાવો છો? તમે આસ્તિક છો, તમે હિન્દૂ છો.
- શું તમને ભગવાનમાં વિશ્વાસ નથી? કઈ વાંધો નહિ, તમે નાસ્તિક છો, અને હિન્દૂ પણ છો.
- તમને તમારા ભગવાન મૂર્તિઓમાં સારા લાગે છે? ઓકે, તમે મૂર્તિપૂજક હિન્દૂ છો.
- તમને મૂર્તિપૂજા નથી ગમતી? કઈ વાંધો નહિ, તમે નિર્ગુણ બ્રહ્મ ને પૂજો, એ પણ હિંદુત્વ જ છે.
- તમને હિન્દુત્વ વિષે કઈ નથી ગમતું? કોઈ વાંધો છે? તમને હિંદુત્વમાં કોઈ ખરાબી છે? આવો અને ચર્ચાઓ કરો, આખરે ન્યાય, તર્ક વગેરે હિન્દુત્વનો જ ભાગ છે.
- તમારે તમારી જૂની શ્રદ્ધા અને વિશ્વાસ એમનો એમ રાખવો છે. કોઈ વાંધો નહિ, તમે હિન્દુવ અને આ શ્રદ્ધા બંને સાથે રાખી શકો છો.
- તમને ભગવદ ગીતા પસંદ છે- જોરદાર, એ વાંચો, જય શ્રી કૃષ્ણ
- તમને ઉપનિષદો માં વિશ્વાસ છે- સરસ, એને ફોલો કરો.
- તમને પુરાણોમાં વિશ્વાસ છે.-વાહ, એમાં પણ ઘણું સારું લખેલું છે.
- તમને પુરાણો, ગીતા, વેદ, ઉપનિષદો નથી ગમતા? અઘરા લાગે છે?- કોઈ વાંધો નહિ, તમે ભક્તિ ટ્રેડિશનમાં જોડાઓ (મીરાંબાઈ, તુલસીદાસ સહીત ઘણા કવિઓ અને સાહિત્યકારો એક સમયે ભક્તિ ટ્રેડિશનના ભાગ હતા, ધાર્મિક કથાઓને લોકસાહિત્યમાં લાવી અને લોકોને સમજાય એવું બનાવવામાં આવા મહાનુભાવોનો ફાળો હતો)
- તમને ભક્તિ પસંદ નથી? આવી રીતે ભક્તિ કરવાનો સમય નથી? કઈ વાંધો નહિ, ભગવાન કૃષ્ણે કર્મયોગ નો પણ મહિમા ગાયો છે. તમે કર્મયોગી બનો.
- તમારે જીવન મોજ મજા કરીને જીવવું છે? દેવું કરીને પણ ઘી પીવું છે? – વેલ, આવું કહેવા વાળા એક વ્યક્તિ ચાર્વાકને હિંદુત્વમાં ઋષિમુનિ નું સ્થાન મળ્યું છે.
- મોજમજા નથી કરવી? આ સંસાર બોજ સ્વરૂપ લાગે છે? – તમે તપ કરો, તપસ્વી સાધુ બનો. હિંદુત્વમાં ઘણા તપસ્વી સાધુઓ થઇ ગયા.
- જે દેખાતા નથી એ ઈશ્વર ના અસ્તિત્વ પર શંકા જાગે છે? તો હિંદુત્વમાં જે દેખાય છે એ પ્રાણીઓ, વૃક્ષો અને આસપાસના જગતને ઈશ્વર તરીકે પૂજ્યા છે. તમે પણ આવું કરી શકો છો.
- બહુ બધા ઈશ્વર તમને કન્ફ્યુઝ કરે છે? તમે એક જ ઈશ્વર કે એક જ મહાશક્તિમાં માનો છો? તમે એકલા નથી, ઘણા લોકો આ વાત ને માને છે, હિંદુત્વએ એને અદ્વૈત તરીકે સ્વીકાર્યો છે.
- હિન્દુત્વ, વેદો વગેરેનું જ્ઞાન મેળવવા તમને ગુરુ ની જરૂર છે? – તમે તમારી અનુકૂળતા અને શક્તિ પ્રમાણે તમારા ગુરુ શોધો અને એની પાસેથી જ્ઞાન મેળવો.
- તમને લાગે છે કે તમને કોઈ ગુરુની જરૂર નથી? કઈ વાંધો નહિ, તમે તમારી જાતે પણ આ અધ્યયન કરી શકો છો, એકલા એકલા ધ્યાન અને અભ્યાસ પણ કરી શકો છો. હિંદુત્વમાં આ બધુજ સ્વીકાર્ય છે.
- તમને સ્ત્રીઓની શક્તિ માં શ્રદ્ધા છે? હિંદુત્વમાં માં શક્તિ પણ પૂજનીય છે. (આડ વાત, હજુય અમુક ધર્મોમાં કોઈ દેવી નથી, આ ધર્મોના બધાજ પૂજનીય વ્યક્તિઓ પુરુષ છે, જયારે આપણે હિંદુત્વમાં સંસ્કૃતિની શરૂઆત થી ઋગ્વેદમાં વહેલી સવારની દેવી ઉષાને સ્થાન આપેલું છે.)
- તમને એવું લાગે છે કે બધા લોકો સરખા છે? તમે સમાનતા માં માનો છો? અરે વાહ!!! હિંદુત્વમાં વસુધૈવ કુટુંમ્બક્મ ની ભાવના સદીઓ થી છે. ચાલો આ ભાવનાનો ઉત્સવ માનવીએ.
- ઉત્સવ પર થી યાદ આવ્યું, આ ઉત્સવ તમે ન માનવી શક્યા? કોઈ વાંધો નહિ, આપણા હિંદુત્વમાં તો દરેક દિવસ માં કૈક ને કૈક ઉત્સવ મનાવવામાં આવે છે. ક્યારેક તો એકજ દિવસમાં બે-ત્રણ ઉત્સવ આવી જાય છે.
- નોકરી ધંધા માંથી ઊંચા નથી આવતું અને ભક્તિ નથી થતી? કઈ વાંધો નહિ, તમે તોય હિન્દૂ છો.
- તમને મંદિરે જવામાં મજા આવે છે? વાહ!! ભગવાનને તો એ ખુબ ગમે કે કોઈ પોતાના ઘરે આવે.
- તમને મંદિર સહેજેય નથી ગમતા? કઈ વાંધો નહિ. હિન્દૂ હોવા માટે મંદિરે જવું ફરજીયાત નથી.
- તમને ખબર છે કે હિન્દુત્વ એક જીવન જીવવાની રીત છે. અને આ રીતમાં ઘણી નોંધપાત્ર સ્વતંત્રતા છે.
- તમને એ વાતમાં વિશ્વાસ છે કે ઈશ્વર બધે જ છે. દરેક વસ્તુમાં ઈશ્વર સમાયેલા છે. એટલે તમે તમારા માતા, પિતા, ગુરુ, આસપાસના વૃક્ષો, નદીઓ દરેકની પૂજા કરો છો. પ્રાણી-માત્રને ઈશ્વર માનો છો અને આ ધરતી, બ્રહ્માંડ બધાની પૂજા કરો છો.
- અને તમને ઉપર કહેલી વાતમાં ય વિશ્વાસ ન હોય તોય વાંધો નહિ, એક હિન્દૂ હોવાના નાતે એક હિન્દૂ તરીકેનાં તમારા આ દ્રષ્ટિકોણનો પણ હું આદર કરું છું.
અને હા,
- सर्वे जनाः सुखिनो भवन्तु (દરેક લોકો સુખી થાય)
લાગતું વળગતું: પુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા |
હિન્દુત્વનો આજ સાર છે, કે એમાં બધુજ આવકાર્ય છે. એકેશ્વરવાદી, નિરીશ્વરવાદી, આસ્તિક, નાસ્તિક, સ્ત્રી, પુરુષ, LGBT, ભક્ત(2014 પહેલાના અને પછીના બંને), બીઝી બિઝનેસમેન બધા માટે જગ્યા છે. લિબરલ હિન્દુત્વ એડજસ્ટેબલ છે, અને એટલેજ બહારથી અને અંદરથી આટઆટલા આક્રમણ ને એ ખમી શક્યું છે અને એની સામે ટકી શક્યું છે. અને આ બધામાંથી સારી વસ્તુનો પોતાનામાં સમાવેશ કરી શકે છે. અને એટલેજ હિન્દુત્વ કાળજયી(એટલેકે immortal) છે.
ઋગ્વેદ જે આપણું અને સમગ્ર માનવજાતનું સહુપ્રથમ સાહિત્ય છે, એમાં એક સરસ સૂક્ત છે. आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः આ સુક્તનો અર્થ એવો થાય છે કે અમને વિશ્વની સર્વ દિશાઓથી સારું જ્ઞાન (સારા વિચારો) પ્રાપ્ત થાઓ. હિંદુત્વએ ઋગ્વેદના આ સુક્તને સંપૂર્ણ રીતે અમલમાં મૂક્યું છે.
આપણે નાનપણથી એ શીખતાં આવ્યા છીએ કે બધા ધર્મો સરખા જ હોય છે. કદાચ હા, કારણકે વિશ્વના પાંચ ધર્મો માંથી બહુમતી ત્રણ ધર્મો એકજ માન્યતા અને એકજ જગ્યા એ થી ઉદ્ભવ્યા છે. આ ત્રણે અબ્રાહમીક ધર્મો, ઇસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી એક જ મૂળ ધરાવે છે. આ ત્રણે ધર્મો માં ઘણી ધાર્મિક કથાઓ સરખી છે. ત્રણેય ધર્મમાં નામ પણ સરખા છે, ઇસ્લામનું યુસુફ ખ્રિસ્તી અને યહૂદીઓ માટે જોસેફ થઇ જાય. ખ્રિસ્તી-યહૂદીઓ ના ડેવિડ અને મોઝીસ ઇસ્લામમાં દાઉદ અને મૂસા થઇ જાય. આ ત્રણેય ધર્મમાં અબ્રાહમ અને એના બલિદાનની કથા નું મહત્વ છે અને આ ત્રણેય ધર્મ અબ્રાહમ(અબુ) અથવા એના પુત્ર આઇઝેક(ઇસાક)ને પોતાના પૂર્વજ માને છે, જેના ઉપરથી આ ત્રણેય ધર્મોને અબ્રાહમીક ધર્મ કહયા છે. અને વિશ્વમાં આ ધર્મમાં માનતા ઘણા લોકો છે, જેના માટે બધા ધર્મ એક હોઈ શકે. પણ ઉપર કહ્યું એમ હિન્દુત્વ આ બધાથી અલગ છે. એ ફ્રી અને ફ્રી માઇન્ડેડ છે. આવો ફ્રી માઇન્ડેડ ધર્મ આતંકવાદી કદી ન હોઈ શકે આ ધર્મ એક ખરું લિબરલ હિન્દુત્વ છે. હિન્દુત્વ એક એવું પેરન્ટ છે જેને પહેલેથીજ એના બાળકની બધી જીદ વિષે ખબર છે અને એના માટે એ તૈયાર પણ છે.
આ કોલમમાં છેલ્લા એકાદ મહિનાથી આપણે લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ કરતાં આવ્યા છીએ. અને આ લેફ્ટ રાઈટ ની કૂચ ભારતની લોકશાહી માટે ખાસ જરૂરી છે. આ લેફ્ટ અને રાઈટ વચ્ચેનો એક નાનકડો ફરક આપણે આવતા અંકમાં જોઈશું.
ત્યાં સુધી
મે ધ શક્તિ બી વિથ યુ
eછાપું
તમને ગમશે: રાફેલ ડીલ આરોપમાં પણ કોંગ્રેસનો સેલ્ફ ગોલ?