VIDEO: મોદી દ્વેષીઓ હજી તમારે કેટલા નવા તળિયાં શોધવા છે?

0
299
Photo Courtesy: @BJP4Gujarat

ગઈકાલે ગુજરાતના પાટણમાં આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાના સંબોધનમાંથી એક વાક્યને ઉપાડી, તેને વિકૃત કરીને તેનો વિડીયો વાયરલ કરીને મોદીદ્વેષીઓએ પોતાના દ્વેષનું નવું તળિયું શોધી કાઢ્યું છે.

Photo Courtesy: @BJP4Gujarat

પરમ મોદીભક્ત પણ ક્યારેય એવો દાવો નથી કરતો કે છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકાર તમામ ક્ષેત્રે સફળ રહી છે. વિપક્ષો પાસે રાફેલ સિવાય એવા ઘણા મુદ્દાઓ હતા જેને ધ્યાનમાં રાખીને તેઓ પોતાના ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી અને તેમની સરકારને કોર્નરમાં લઇ શકે તેમ હતા, પરંતુ તેમણે તેના સ્થાને રફેલ, ચોકીદાર ચોર હૈ કે પછી હિંદુ આતંકવાદ જેવા બિનમુદ્દાઓને મુદ્દા બનાવ્યા અને છેવટે સુપ્રિમ કોર્ટ સુધી નિષ્ફળ જતા હવે અત્યંત નીચલી કક્ષાના આરોપો વડાપ્રધાન મોદી પર મુકવા લાગ્યા છે.

આમ તો જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના હાલના તમામ ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે ડિક્શનરીમાં એવો એક પણ અપશબ્દ નથી બચ્યો જે વિપક્ષોએ તેમની વિરુદ્ધ નહીં ઉચ્ચાર્યો હોય, આથી એવું લાગી રહ્યું છે કે વિપક્ષોની ખાસકરીને કોંગ્રેસ અને વામપંથી વિચારધારા ધરાવતા અન્ય પક્ષોની અને એમના સમર્થકોની મોદી માટે ખાસ રચવામાં આવેલી અપશબ્દોની ડિક્શનરી ખાલી થઇ ગઈ છે એટલે તેઓ હવે સામેચાલીને મોદીના મોઢામાં અપશબ્દો ઠોંસવા માંગે છે.

જો એવું ન હોત તો ગઈકાલે નરેન્દ્ર મોદીની ગુજરાતના પ્રચાર માટેની આખરી જાહેરસભા જે પાટણમાં બોલાવવામાં આવી હતી તેમાં તેમના સંબોધનને વિકૃત રીતે એડિટ કરીને તેનો વિડીયો વાયરલ ન કર્યો હોત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પાટણની ચૂંટણી સભાને સંબોધિત કરતા એમ કહ્યું હતું કે, “લોકો એમ કે’ છે કે ભવિષ્યની લડાઈઓ પાણીની થવાની છે, અલ્યા ભ’ઈ બધા એમ કે’ છે કે પાણીની થવાની છે તો અમે અત્યારથી પાણી પહેલા પાળ કેમ ન બાંધીએ?” હવે The Quint નામક એક વેબસાઈટની લાઈવમાંથી કોંગ્રેસ સમર્થક ગૌરવ પાંધીએ આ સ્ટ્રીમમાંથી વડાપ્રધાનના ઉપર જણાવેલા સાવ સાદા વાક્યને પકડીને એક વિડીયો બનાવ્યો જેમાં આ વાક્યમાં એક જગ્યાએ મોટાભાગની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતીય ભાષાઓમાં સર્વસામાન્ય બની ગયેલા એક અપશબ્દનું ડબિંગ કરી દીધું અને તે વિડીયોને કરીને Tweet વાયરલ કરી દીધો.

બસ, જેવું આમ થયું કે મોદીને રક્ત અને પરસેવાના એક એક ટીપાંથી નફરત કરતા દ્વેષીઓ રાસડા લેવા માંડ્યા. ખુદ પાંધીએ પણ દોઢડાહ્યા થઈને વડાપ્રધાનને અપમાનિત કરે તેવી ભાષાનો પ્રયોગ કરીને આ વિડીયો Tweet કર્યો હતો. ચાલો પાંધીતો નોન ગુજરાતી છે પણ આપણા ગુજરાતમાં પણ જાણેકે આ વિડીયોથી આવતીકાલના મતદાન પર ભારે અસર પડશે અને બસ ભાજપ તો ગઈજ એમ વિચારીને ગુજરાતી મોદી દ્વેષીઓમાં વિડીયો સાચો છે કે ખોટો કે એમાં રહેલી ગુજરાતી ભાષા બરોબર સાંભળ્યા વગર જ  આનંદ આનંદ છવાઈ ગયો.

રાજકીય મહેચ્છા ધરાવતા અને ભૂતકાળમાં ગુજરાતના આગેવાનોનું એક યા બીજી રીતે અપમાન કરી ચૂકેલા અને ગુજરાતની શાંતિ જોખમાવવાના આરોપસર જેલની સફર પણ ખેડી ચૂકેલા અમુક વ્યક્તિઓને કદાચ ખબર હતી કે આ વિડીયો ફેક છે એટલે એમણે કાયદાકીય તકલીફમાંથી બચવા માત્ર એટલુંજ કહ્યું કે “વડાપ્રધાને જાહેરમાં અપશબ્દ કહ્યા, શરમજનક કહેવાય!” બાકીનું કામ અન્યોને અંધભક્ત કહેતા એમના પર્સનલ અંધભક્તોએ પૂરું કર્યું કે એમના એ વિધાનની નીચે પેલો ફેક વિડીયો તરતો મૂકી દીધો.

હજી તો આ રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા વ્યક્તિ હતા અહીં તો એવા લોકો પણ છે કે જેમને મોદી સરકારના પાંચ વર્ષથી તેમના વ્યક્તિગત જીવનમાં ખાસ કોઈજ ફેર નથી પડ્યો પણ મોદીનો વિરોધ એટલે વિરોધ એવું તેઓ ગળથુથીમાં લઈને જન્મ્યા છે અને  જેમને ભારતના વડાપ્રધાનને ઉતારી પાડવા માટે કાયમ પાકિસ્તાની વડાપ્રધાનની આરતી કરવી ગમે છે એવા લોકો પણ જોરમાં આવી ગયા.

લાગતું વળગતું: ભક્ત અંધ જ હોય પણ દ્વેષીને ચાર આંખો છે

આ એવા વ્યક્તિઓ હતા જેઓ ભણેલા છે, જેઓ આખો દિવસ ટેક્નોલોજીમાં રત રહેતા હોય છે તેની સાથે જ કામ પાર પાડતા હોય છે, પરંતુ અઘોર મોદીદ્વેષ એમની માનસિકતામાં એટલો વ્યાપી ગયો છે કે ખબર હોવા છતાં કે આ પ્રકારના વિડીયો ફેક છે કે નહીં એ પહેલા ચેક કરવું જોઈએ એ પહેલા જ બસ, મોદી વિરુદ્ધ અને એમના પ્રશંસકો જેમને તેઓ ભક્ત કહે છે તેમની વિરુદ્ધ અદેખાઈ ભરી પોસ્ટ કરવા માંડ્યા.

રાજકીય મહેચ્છા ધરાવનાર કે પછી મોદીદ્વેષમાં જ સોશિયલ મિડિયા પર કોંગ્રેસને સમર્થન કરનારાઓની વાત તો અલગ હતી પરંતુ અહીં તો ખુદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ પેલા ફેક વિડીયોને વાયરલ કરવામાં ઓરીજીનલ વિડીયો ચેક કરવાની તમા ન કરી અને ગુજરાતી હોવા છતાં પેલા ફેક વિડીયોને વધુ વાયરલ કરી દીધો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પેલો વિડીયો વાયરલ કર્યો એ પહેલા એટલી તસ્દી પણ ન લીધી કે તેઓ ઓરીજીનલ વિડીયો ચેક કરે.

Photo Courtesy: Twitter

પછી જ્યારે આ ભૂલ સમજાઈ હશે ત્યારે ઓરીજીનલ વિડીયો જોઇને પણ એમજ રટણ ચાલુ રાખ્યું કે ના વડાપ્રધાન અપશબ્દો તો બોલ્યા જ છે. હવે જ્યારે તેમનું મન છેલ્લા 17 વર્ષથી સતત મોદીની ટીકા કરવામાં જ વ્યસ્ત રહ્યું હોય ત્યારે એ Well Programmed મન તમને જે સંદેશો મોકલાવે એ જ તમે જોવા અને સાંભળવા માંગો છો અને એ ન્યાયે અર્જુનભાઈએ પણ ફેક વિડીયો સાચો હોવાનું કહ્યું.

મુદ્દો એ છે કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે વિપક્ષો પાસે મુદ્દાઓ હોવા છતાં તે મુદ્દાઓનું વિશ્લેષણ કરવાની મહેનત કરવાની તેમની કોઈજ ઈચ્છા નથી અને આથીજ તેઓ આ રીતે સરળતાથી પ્રજાને ભરમાવવાની છેવટે નિષ્ફળતા અપાવતી મહેનતમાં પોતાનો સમય બગાડતા હોય છે. પરંતુ સોશિયલ મિડિયાને લીધે કોઇપણ પ્રકારનું જૂઠ તરતજ પકડાઈ જાય છે પછી તે મેઈન સ્ટ્રીમ મિડીયાનું હોય કે પછી રાજકીય પક્ષનું, તેમના આગેવાનોનું કે પછી તેમના અંધ સમર્થકોનું.

ફેક સમાચારો અને ફેક વિડીયો ચારેય તરફથી ફેલાવવામાં આવતા હોય છે, તમારી રાજકીય તરફેણ ગમેતે તરફની હોય પરંતુ જ્યારે પણ મનમાં સંશય હોય અને ખાસકરીને ત્યારે જ્યારે વડાપ્રધાન જેવી અતિશય મહત્ત્વની જવાબદારી ધરાવતી વ્યક્તિ પર કોઈ આરોપ હોય ત્યારે, રાહ જોવામાં જ સમજદારી છે. આવા કિસ્સાઓમાં વધુમાં વધુ 12 કલાક બાદ સત્ય આપોઆપ સામે આવી જતું હોય છે.

નરેન્દ્ર મોદી અંગેના એ વિડીયોને ફેક સાબિત કરતો વિડીયો:

eછાપું

તમને ગમશે: …અને સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ અને પ્રશાંત ભૂષણ વચ્ચે થઇ તકરાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here