કોઇપણ મેચનું પરિણામ જ્યારે છેલ્લા બોલે નક્કી થાય ત્યારે કલ્પના કરી શકાય છે કે એ મેચ કેટલી રસપ્રદ રહી હશે. આ મેચમાં તો છેલ્લા બોલે બંને ટીમો જીતી શકતી હતી અથવાતો ટાઈ પડવા સાથે સુપર ઓવર પણ શક્ય હતી.

IPLનું આ અગિયારમું સંસ્કરણ છે અને લિમિટેડ ઓવરના બધા જ ગુણો ધરાવતી અસંખ્ય મેચો આ અગિયાર વર્ષમાં રમાઈ ગઈ છે આ મેચને પણ એ IPL ક્લાસિક મેચોમાં સ્થાન આપવું પડે એવી દિલધડક બની હતી.
ચિન્નાસ્વામી સ્ટેડિયમની વિકેટ બેટિંગ વિકેટ હોય છે અને અહીં ટ્વેંટી20 ક્રિકેટમાં 200 ઉપરના ટાર્ગેટ પણ સિદ્ધ કરવામાં આવ્યા છે. તેમ છતાં આજે કદાચ હવામાનને લીધે બોલ થોડો સ્વિંગ થઇ રહ્યો હતો જેનો લાભ બંને ટીમોએ લીધો હતો અને બીજી ટીમને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી દીપક ચાહરે આ સ્વિંગ બોલિંગનું સુંદર પ્રદર્શન કર્યું હતું જેમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીની પ્રાઈસ વિકેટ મળી હતી.
કોહલી બાદ એ બી ડી વિલીયર્સ, અક્ષદીપ નાથ અને મોઈન અલીએ પોતપોતાના નાના નાના પ્રદાન આપ્યા પરંતુ બેંગ્લોરની ઇનિંગને બાંધી રાખી હતી પાર્થિવ પટેલે. આ મેચમાં પાર્થિવ પટેલે પોતાના નાના કદ કરતાં પણ કેટલાક ઊંચા અને યાદગાર શોટ્સ રમ્યા હતા.
તો બીજી તરફ આજે ચેન્નાઈની ફિલ્ડીંગ સુપર ક્લાસ રહી હતી. તેમાં પણ ફાફ દુ પ્લેસીના બે કેચ અને એક કેચ જે તેણે બાઉન્ડ્રી નજીક કરતા કરતા સબસ્ટીટ્યુટ શૌરીને પાસ કરી દીધો હતો તે તેની ઉચ્ચ સ્તરની ફિલ્ડીંગ કળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.
અગાઉ જણાવ્યું તેમ ચિન્નાસ્વામીની બેટિંગ વિકેટ પર 162 રનનું લક્ષ્ય સિદ્ધ કરવું તે CSK જેવી મજબૂત બેટિંગ લાઈનઅપ માટે જરાય અઘરું ન હતું. પરંતુ સ્વિંગની હાજરીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જબરી તકલીફ ઉભી કરી દીધી હતી. અને જ્યારે આટલો બધો સ્વિંગ ઉપલબ્ધ હોય ત્યારે તેનો સહુથી મોટો ફાયદો હાલમાં જ RCB સાથે જોડાયેલા ડેલ સ્ટેન સિવાય બીજું કોણ લઇ શકે? સ્ટેને તેની પહેલી જ ઓવરમાં શેન વોટ્સન અને સુરેશ રૈનાને આ જ સ્વિંગને લીધે આઉટ કર્યા હતા જેમાં તેનો રૈનાને નાખેલો યોર્કર તો લાજવાબ હતો!
બસ પછી તો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે લક્ષ્ય અચાનક જ અઘરું ને અઘરું બનતું ગયું કારણકે તેના એક પછી એક બેટ્સમેનો આઉટ થતા ગયા. પાર્થિવની જેમ એક છેડે મહેન્દ્ર સિંગ ધોનીએ ઝડપથી સ્કોર બનાવવાનું ચાલુ રાખ્યું પરંતુ તેને સામે છેડે કોઈ જ સમર્થન નહોતું મળી રહ્યું. પરિણામે છેલ્લી ઓવરમાં જીત માટે 26 રન જોઈતા હતા ત્યારે ધોનીએ 4-6-6-2-6 મારીને ટીમને જીતની સાવ લગોલગ પહોંચાડી દીધી હતી.
છેલ્લા બોલે જીત માટે માત્ર 2 રન જોઈતા હતા અને એક રન લઈને મેચ ટાઈ કરવાના ચક્કરમાં ધોની બાયનો એક રન લેવા ગયો પરંતુ શાર્દુલ ઠાકુર તેની ક્રિઝ સુધી પહોંચે તે પહેલા જ પાર્થિવ પટેલ જેણે પહેલેથી જ પોતાનું એક વિકેટકીપર ગ્લવ કાઢી નાખ્યું હતું તેણે તેને રન આઉટ કરી દીધો હતો. આમ આ વખતે લિમિટેડ ઓવર્સ ક્રિકેટનો ઓલ ટાઈમ ગ્રેટ ફિનીશર મહેન્દ્ર સિંગ ધોની પણ ટીમને બચાવી શક્યો ન હતો.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 39 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર
ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 161/7 (20) રન રેટ 8.05
પાર્થિવ પટેલ 53 (37)
મોઈન અલી 26 (16)
દીપક ચાહર 2/25 (4)
રવિન્દ્ર જાડેજા 2/29 (4)
ચેન્નાઈ સુપર કિંગ્સ 160/8 (20) રન રેટ: 8.0
મહેન્દ્ર સિંગ ધોની 80* (48)
અંબાતી રાયુડુ 29 (29)
ડેલ સ્ટેન 2/29 (4)
ઉમેશ યાદવ 2/47 (4)
પરિણામ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 1 રને જીત્યા
મેન ઓફ ધ મેચ: પાર્થિવ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)
અમ્પાયરો: રોડ ટકર અને વિનીત કુલકર્ણી | અનિલ ચૌધરી (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: જવાગલ શ્રીનાથ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું