IPL 2019 | મેચ 41 | આખરે વોટ્સનનું બેટ બોલ્યું; CSK પ્લે ઓફ્સમાં

0
296
Photo Courtesy: news18.com

આ મેચની જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનની એવી પહેલી ટીમ બની ગઈ છે જેણે પ્લે ઓફ્સમાં પોતાનું સ્થાન બનાવી લીધું હોય, તેમ છતાં તેણે હજી પણ અમુક બાબતો અંગે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે.

Photo Courtesy: news18.com

ક્રિકેટની એક લોકપ્રિય કહેવત છે, “ફોર્મ કામચલાઉ હોય છે પરંતુ ક્લાસ કાયમી હોય છે.” અહીં ક્લાસ એટલે કોઈ બેટ્સમેન કે બોલરની બેટિંગ અથવા બોલિંગ કરવાની અદભુત ક્ષમતા. આ ક્ષમતા પર કોઈ ટીમ અથવા કેપ્ટનને વિશ્વાસ હોય તો પછી તેના ફોર્મને પરત આવવાની રાહ જોવાથી છેવટે તો ટીમને જ ફાયદો થતો હોય છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ મેચ જીતવી અત્યંત જરૂરી હતી. આમ તો તેઓ પ્લે ઓફ્સમાં પહોંચી જ ગયા હતા પરંતુ પરિસ્થિતિ રેલ્વેના RAC જેવી હતી અને ટીકીટ હજી કન્ફર્મ થવાની બાકી હતી. આ ઉપરાંત ચેન્નાઈ પોતાની છેલ્લી બંને મેચો હારી ગયું હતું અને આથી ટીમને જીતના પાટા પર પરત લાવવી પણ અત્યંત જરૂરી હતી જેથી આવનારી મેચોમાં ખેલાડીઓનો આત્મવિશ્વાસ જળવાઈ રહે.

CSK દ્વારા પહેલી બેટિંગ કરવાનું આમંત્રણ મળતા સન રાઈઝર્સ હૈદરાબાદ દ્વારા તેના બે ખતરનાક ઓપનીંગ બેટ્સમેનો દ્વારા ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોની તેમનાજ હોમ ગ્રાઉન્ડ પર શી હાલત કરશે તે જોવાની દરેકને તાલાવેલી હતી. પરંતુ જોની બેરસ્ટોને હરભજન સિંગે તરત જ ચાલતો કર્યો અને એક ધમાકેદાર શરૂઆતની આશા ધૂળમાં મળી ગઈ.

તેમ છતાં આજે ઘણા વખતે ફોર્મમાં આવેલા મનીષ પાંડેએ તેના ખુદના ભરપૂર ટેલેન્ટની કદર કરી હોય એ રીતે બેટિંગ કરીને દર્શકોની નિરાશાની અસર મોટેભાગે ઓછી કરી દીધી હતી. ડેવિડ વોર્નર સાથે મળીને પાંડેએ હૈદરાબાદને 72 બોલમાં 115 રન બનાવી આપ્યા હતા. એક સમયે પાંડે વોર્નર કરતા પણ ઝડપથી એટલેકે 200ના સ્ટ્રાઈક રેટથી રમી રહ્યો હતો. આ સમયે SRH 200ના સ્કોરની આસપાસ પહોંચે એવું લાગી રહ્યું હતું. પરંતુ પછી જેમ બને છે તેમ છેલ્લી ઓવરોમાં CSKના બોલરોએ તેમને 175ના સ્કોર પર બાંધી દીધા હતા.

ઇનિંગની ત્રીજી જ ઓવરમાં માત્ર 1 રને ફાફ દુ પ્લેસીના રન આઉટ થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સને એક મજબૂત શરુઆત આપવાની જવાબદારી શેન વોટ્સન પર આવી ગઈ હતી. અત્યારસુધી સાતત્ય વિહોણી બેટિંગ દર્શાવનાર વોટ્સનના ફોર્મ પર નહીં પરંતુ તેના ‘ક્લાસ’ પર કદાચ ધોની અને ચેન્નાઈની ટીમના મેનેજમેન્ટને અતૂટ વિશ્વાસ હશે અને એટલેજ તેને અત્યારસુધી ટીમમાં જાળવી રાખવામાં આવ્યો અને તેના મીઠાં ફળ આજે તેમને ચાખવા મળ્યા હતા.

શેન વોટ્સન આજે દરેક બોલ પર આક્રમક પ્રહાર કરી રહ્યો હતો. સન રાઈઝર્સ હૈદરાબાદની બોલિંગના હુકમના એક્કા જેવા રશીદ ખાન પર આજે વોટ્સન કદાચ વધારે પડતો જ ‘મહેરબાન’ હતો અને એટલેજ તેને તેણે ચેપોકની ચારે તરફ ફટકાર્યો હતો. વોટ્સનને સુરેશ રૈનાનો બખૂબી સાથ મળ્યો હતો. જો કે શેન વોટ્સન પોતાની સદી માત્ર 4 રને ચૂકી ગયો હતો પરંતુ તેણે આઉટ થતા અગાઉ એ સુનિશ્ચિત કરી દીધું હતું કે તેની ટીમ ભલે આજે પણ છેલ્લી ઓવર સુધી મેચ લઇ જાય પણ જીત તો તેમની જ થાય.

આ જીત સાથે હવે CSK આ સિઝનની એવી પહેલી ટીમ બની ગઈ છે જે પ્લે ઓફ્સ માટે ક્વોલીફાય કરી ચૂકી છે. હવે તેણે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તે પોઈન્ટ્સ ટેબલ પર પહેલા કે બીજા નંબરે રહે જેથી તેને પહેલી ક્વોલીફાયર મેચ ચેપોક પર જ રમવા મળે.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 41 | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. સન રાઈઝર્સ હૈદરાબાદ

એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ

ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)

સન રાઈઝર્સ હૈદરાબાદ 175/3 (20) રન રેટ: 8.75

મનીષ પાંડે 83* (49)

ડેવિડ વોર્નર 57 (45)

હરભજન સિંગ 2/39 (4)

દિપક ચાહર 1/30 (4)

ચેન્નાઈ સુપર કિંગ્સ 176/4 (19.5) રન રેટ: 9.02

શેન વોટ્સન 96 (53)

સુરેશ રૈના 38 (24)

ભુવનેશ્વર કુમાર 1/18 (4)

ખલીલ અહમદ 0/26 (4)

પરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સ 6 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: શેન વોટ્સન (ચેન્નાઈ સુપર કિંગ્સ)

અમ્પાયરો: નાઈજલ લોંગ અને અનીલ કુમાર ચૌધરી | વિનીત કુલકર્ણી (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here