કૈક નવું બનાવીએ? – ખૂબ સરળતાથી બની જશે બટેટાની કઢી!

0
295
Photo Courtesy: manoramaonline.com

આમ તો બટેટાની કઢી એ સૌરાષ્ટ્રના ઘણાબધા પરિવારોમાં બને છે, પરંતુ બાકીના સમગ્ર ગુજરાત માટે આ રેસિપી નવી હોઈ શકે છે. અહીં આપણે બટેટાની કઢી માટેની જે રેસિપી સમજવાના છીએ તે એકદમ સરળ છે.

ગુજરાતના લગભગ દરેક ઘરમાં સવારની રસોઈ તો ફટાફટ બની જતી હોય છે, પરંતુ સાંજે શું બનાવવું તેની માથાકૂટ કાયમ રહેતી હોય છે. ગૃહિણી પોતાના સંતાનો અને પતિ માટે દરરોજ સાંજે કશુંક નવું રાંધવાની ઈચ્છા તો રાખતી હોય છે પરંતુ તેને દરેક વિકલ્પ જાણીતો અને “આ તો હમણાંજ બનાવ્યું હતું” એવો લાગે છે. આવામાં છેવટે પિત્ઝા, પાસ્તા, સમોસા અથવાતો છેવટે ફટાફટ બની જાય એવી વાનગીઓ બનાવવાનો જ સમય બચે છે.

પરંતુ જો આ સમસ્યાને દૂર કરવી હોય તો ઘણીવાર કેટલીક સાત્વિક વાનગીઓ બનાવવાથી પણ ગૃહિણીને વિકલ્પ મળી રહે છે અને પરિવાર પણ નવી વાનગી ખાઈને ખુશ થઇ જતું હોય છે. આવી જ એક વાનગી અમે આપની માટે લઇ આવ્યા છીએ જેનું નામ છે ‘બટેટાની કઢી’. સૌરાષ્ટ્રના વાચકો માટે કદાચ આ વાનગી નવી નહીં હોય પરંતુ જે કોઇપણ વાચક માટે આ વાનગી નવી છે તેને આ રેસિપી જરૂરથી રસપ્રદ લાગશે. તો ચાલો જાણીએ બટેટાની કઢી કેવી રીતે બનશે.

લાગતું વળગતું: રેસિપી: પરંપરાગત છાશને મળ્યો છે આદુ અને લીંબુનો ટ્વિસ્ટ!

બટેટાની કઢી

Photo Courtesy: manoramaonline.com

બનાવવાનો કુલ સમય: 40 મિનીટ

તૈયારી કરવાનો સમય: 40 મિનીટ

જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ બટેટા
  • 70 ગ્રામ ચણાનો લોટ
  • 125 ગ્રામ ખાટું દહીં
  • 2 ટી સ્પૂન મીઠું
  • ½ ટી સ્પૂન મરચું પાઉડર
  • ½ ટી સ્પૂન જીરું
  • દોઢ નંગ લાલ મરચું
  • ½ ટી સ્પૂન ધાણા પાઉડર
  • 2 કપ તેલ
  • ગોળ, મીઠાં લીમડાના પત્તાં ને પાણી જરૂરિયાત મુજબ (કઢી ગળી બનાવવી હોય તો જ ગોળની જરૂરિયાત રહેશે)

બટેટાની કઢી બનાવવાની રીત

  1. એક ઊંડા પેનમાં બટેટા ડૂબે એટલું પાણી લઈને તેને મિડીયમ ફ્લેમ પર ઉકાળો અને જ્યારે પણ બટેટા થોડા પોચાં લાગે એટલે તેને પેનમાંથી બહાર કાઢીને તેની છાલ કાઢી નાખો અને તમને મનપસંદ સાઈઝના ટુકડા કરો.
  2. હવે એક અન્ય પેનમાં થોડું તેલ લઈને તેને મિડીયમ ફ્લેમ પર ગરમ કરો. જ્યારે તેલ ગરમ થાય ત્યારે તેમાં ટુકડા કરેલા બટેટા અને ઉપર જણાવેલા પ્રમાણ અનુસાર મીઠું, ચણાનો લોટ, મરચું પાઉડર નાખી દો. આ મિશ્રણને થોડો સમય હલાવતા રહીને જ્યાંસુધી તે થોડું ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહો. નોંધ: આ મિશ્રણમાંથી જ્યારે વરાળ નીકળવા લાગે ત્યારે તેમાં જો તમને ગળી કઢી ખાવાની ઈચ્છા હોય તો તમને યોગ્ય લાગે એ પ્રમાણમાં ગોળ નાખી દો.
  3. જેવું આ મિશ્રણ ખદબદે કે તેમાં મીઠાં લીમડાના પત્તાં, લાલ મરચું અને જીરું નાખી દો અને ફરીથી તેને હલાવો.
  4. હવે તેમાં ખાટું દહીં ઉમેરી તેમાં થોડું મીઠું અને ધાણાનો પાઉડર ઉમેરીને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દો.
  5. દહીં નાખ્યા બાદ આ મિશ્રણ વધુ ઘટ્ટ થશે અને તમને યોગ્ય લાગે તેટલું ઘટ્ટ થયા બાદ તેને પેનમાંથી કાઢીને સર્વિંગ બાઉલમાં લઈને પરોઠાં, ભાખરી, થેપલાં કે પૂરી સાથે પીરસી દો.

eછાપું

તમને ગમશે: કોંગ્રેસને લીધે દેશમાં ફરીથી શરુ થઇ ગઈ ‘ચાય પે ચર્ચા’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here