25 એપ્રિલ 2019, ગુરુવારના મુખ્ય સમાચારોની ઝલક, સાંજે 1900 કલાક સુધી.
દેશ
- પ્રિયંકા વાડ્રા મોદી સામે વારાણસીમાં ચૂંટણી નહીં લડે: અગાઉ બનાવેલી હવા કે અફવાથી સાવ વિરુદ્ધ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા વારાણસી લોકસભા બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી નહીં લડે. કોંગ્રેસે આજે બપોરે જાહેરાત કરતા નરેન્દ્ર મોદી સામે અજય રાયને ટીકીટ આપી છે. અજય રાય 2014માં પણ નરેન્દ્ર મોદી સામે લડ્યા હતા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.

- ચિફ જસ્ટિસ સામેના ષડ્યંત્રની તપાસ કરશે પૂર્વ જસ્ટિસ: સુપ્રિમ કોર્ટના ચિફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે લાગેલા શારીરિક અડપલાંના આરોપની તપાસ માટે કોર્ટે એક ખાસ ટીમની રચના કરી છે જેનું નેતૃત્ત્વ સુપ્રિમ કોર્ટના જજ એ કે પટનાયક કરશે. આ તપાસમાં ઈન્ટેલીજન્સ બ્યૂરો (IB) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) તેમને મદદ કરશે.

વિશ્વ
- શ્રીલંકા સરકારે આતંકવાદીઓની શોધ આદરી: ઈસ્ટર બોમ્બ બ્લાસ્ટના ગુનેગારોને શોધવા માટે શ્રીલંકન સરકારે મોટા પાયે લશ્કરને ઉતાર્યું છે. શ્રીલંકાની આર્મી પોલીસને ગુનેગારોને શોધવામાં મદદ કરશે. આ બોમ્બ બ્લાસ્ટમાં 360 લોકોના મોત નીપજ્યા હતા અને તેની જવાબદારી ISIS એ લીધી હતી. શ્રીલંકાના પોલીસ ચીફ અને લશ્કરના ટોચના અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.

ગુજરાત
- મા અંબાના દરબારમાં ગુજરાતના મુખ્યમંત્રી: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે પોતાના પત્ની સાથે અંબાજીમાં મા અંબાજીના દર્શને ગયા હતા. આજે વહેલી સવારે મુખ્યમંત્રીએ મંગળા આરતીનો લાભ લીધો હતો. જો કે અંબાજીથી પરત ફરતા મુખ્યમંત્રીની કારના કાફલાને અકસ્માત નડ્યો હતો. પાયલોટ કારને એક જીપે અડફેટે લેતા ચાર પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

- ગો એરની અમદાવાદ-મુંબઈ માટે બે નવી ફ્લાઈટ: ગો એરે અમદાવાદથી મુંબઈ માટે આજે બે વધારાની ફ્લાઈટ્સની ઘોષણા કરી છે. આ વધારાની સેવા આવતીકાલથી શરુ થશે. રવિવાર સિવાય દરરોજ બપોરે 1 વાગ્યે અને બપોરે 1.50 વાગ્યે આ ફ્લાઈટ્સ અમદાવાદથી મુંબઈ જશે. આમ અમદાવાદથી મુંબઈ માટે ગો એરની હવે દિવસની 5 ફ્લાઈટ છે.

મનોરંજન
- સ્લો મોશનનો વિડીયો રિલીઝ થયો: સલમાન ખાનની આગામી ફિલ્મ ભારતના ગીત ‘સ્લો મોશન મેં’ નો વિડીયો આજે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગીતને વિશાલ-શેખર, નાકાશ અઝીઝ અને શ્રેયા ઘોષાલે ગાયું છે. વિડીયોમાં સલમાન ખાન અને દિશા પાટની જોવા મળે છે.
- એવેન્જર્સ એન્ડ ગેમ ઈન્ટરનેટ પર લીક થઇ: આવતીકાલે રિલીઝ થનારી માર્વેલ સ્ટુડિયોઝની બહુચર્ચિત ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમ વિશ્વભરની ઘણી વેબસાઈટ્સ પર લીક થઇ ગઈ છે. કહેવામાં આવે છે કે એક દિવસ અગાઉ આ ફિલ્મ ચીનમાં રિલીઝ થઇ હતી અને ત્યાંથી તેને લીક કરવામાં આવી છે.

વ્યાપાર અને વાણિજ્ય
- આજનું શેરબજાર: BSE Sensex આજે 323.82 પોઈન્ટ્સ નીચે ઉતરીને 38,730.86 પર બંધ રહ્યો હતો જ્યારે Nifty 84.35 પોઈન્ટ્સ નીચે ઉતરીને 11,641.80 પર બંધ રહ્યો હતો.

- મારુતિ ડિઝલ મોડેલ્સ બંધ કરશે: મારુતિ સુઝુકીએ જણાવ્યું છે કે 1 એપ્રિલ 2020થી જ્યારે BS VI અમલમાં આવશે ત્યારથી તેઓ ડિઝલ મોડેલ્સ બનાવવાનું બંધ કરશે. મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે કહ્યું હતું કે ડિઝલના ભાવ વધતા હવે ગ્રાહકો માટે ડિઝલ કાર અનાકર્ષક બની ગઈ હોવાથી કંપનીએ આ નિર્ણય લીધો છે.

સ્પોર્ટ્સ
- ડેલ સ્ટેન IPLમાંથી બહાર: હજી ગયા અઠવાડિયે જ RCB સાથે જોડાનાર સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ખભાની ઈજાને લીધે બાકીની IPLમાં નહીં રમે. ગઈકાલે KXIP સામેની મેચમાં સ્ટેનને આરામ આપવામાં આવ્યો હતો પરંતુ પરિસ્થિતિ ન સુધરતા તે હવે સાઉથ આફ્રિકા પરત થઇ રહ્યો છે.

eછાપું