અન્ડર 19 વર્લ્ડ કપના ટીમ ઇન્ડિયાના કેટલાક હિરોઝમાંથી એક રિયાન પરાગ પણ છે. રિયાન પરાગને રાજસ્થાન રોયલ્સે આ વર્ષે IPLમાં રમવાની બહુ મોડી તક આપી પરંતુ જ્યારથી તેને આ તક મળી છે ત્યારથી તેણે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે.

કહે છે કે યુવાનો પર ભરોસો કરવો જોઈએ, પરંતુ આપણે ત્યાં વડીલો યુવાનો પર એટલી જલ્દીથી ભરોસો નથી કરતા. ગયા વર્ષે ન્યૂઝીલેન્ડમાં રમાયેલા અન્ડર 19 વર્લ્ડ કપની વિજેતા ટીમ ઇન્ડિયાના કેટલાક ઝળહળતા સિતારાઓમાં રિયાન પરાગનું નામ પણ સામેલ હતું. રિયાનને રાજસ્થાન રોયલ્સે ઓક્શનમાં પસંદ કર્યો હતો. અગાઉ પણ IPLની આ રિવ્યુ સિરીઝમાં બલકે રાજસ્થાનની ગત મેચમાં જ રિયાન પરાગને બેટિંગમાં મોડો મોકલવાની ટીકા કરવામાં આવી હતી.
આ મેચમાં પણ તેને ફોર્મ વિહોણા બેન સ્ટોક્સ પછી જ બેટિંગમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ રિયાને પોતે કેમ હજી પણ ઓછામાં ઓછો એક નંબર ઉપર આવીને બેટિંગ કરવાનો મજબૂત દાવેદાર છે એ તેની બેટિંગ અને ધૈર્યથી બતાવી દીધું હતું. જ્યારે રિયાન પરાગ બેટિંગમાં આવ્યો હતો ત્યારે RRની સ્થિતિ બિલકુલ સારી ન હતી, પરંતુ જે રીતે રિયાને એક પછી એક શોટ્સ મારીને રન ભેગા કરવાની શરૂઆત કરી તે કાબિલે દાદ હતી! હા તેનું હીટ વિકેટ આઉટ થવું, જ્યારે તે રોયલ્સને લગભગ જીત સુધી પહોંચાડી ચૂક્યો હતો, તે તેનું કમનસીબ કહેવાય પરંતુ તેમ છતાં તેની આ મેચની બેટિંગ ઘણા લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.
તો રિયાનના આઉટ થયા બાદ એક અન્ય યુવા એટલે કે ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચરે રાજસ્થાન રોયલ્સ મેચના 4 બોલ નાખવાના બાકી હોય ત્યારે જ જીતી જાય એ નિશ્ચિત કરી બતાવ્યું. જોફ્રા આર્ચર આ સિઝનનો અન સંગ હીરો છે અને બદનસીબે તેના આટલા સારા અને દરેક મેચ બાદ સુધરતા દેખાવ છતાં ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાં તેને સ્થાન નથી મળ્યું જે યુવાનો પર વડીલોના ઓછા વિશ્વાસનું રિયાન પરાગ બાદ બીજું ઉદાહરણ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની વાત કરીએ તો કેપ્ટન કાર્તિકને અન્ય કોઇપણ બેટ્સમેને તેને યોગ્ય રીતે સાથ નહોતો આપ્યો. જો આમ થયું હોત તો કોલકાતા આરામથી 200 રન ઉપરનો સ્કોર ઉભો કરી શક્યું હોત કારણકે કાર્તિક તેના શ્રેષ્ઠ ફોર્મમાં હતો. અહીં વરુણ એરોનનું નામ પણ ખાસ નોંધવું જોઈએ કારણકે એ પણ ઘણા લાંબા સમય બાદ કમબેક કરી રહ્યો છે અને આજે તેણે પોતાની તેજ ગતિ ઉપરાંત ગતિમાં વારંવાર ફેરફાર કરીને KKRના બેટ્સમેનોને મૂંઝવણમાં નાખ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલમાં નીચેના ચાર સ્થાનોની પરીસ્થિતિ ખૂબ મજેદાર છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેવી ટીમો જે મોડે મોડે જાગી છે તેમણે રીતસર ટાંટિયા ખેંચની રમત શરુ કરી છે. તેઓ એક પછી એક જીત મેળવીને એકબીજાના પગ તો ખેંચે જ છે પરંતુ તેમની સહેજ ઉપર રહેલી ટીમોને પણ હરાવીને તેમને પણ પ્લે ઓફ્સથી એક કે બે ડગલાં દૂર રાખી રહ્યા છે. હજી પણ RR અને RCB પ્લે ઓફ્સમાં ટેક્નિકલી ક્વોલીફાય થઇ શકે તેમ છે, પરંતુ નેટ રનરેટ નેગેટિવ હોવાથી તેના ચાન્સીઝ બહુ ઓછા છે. તો બીજી તરફ KKR તેની છેલ્લી પાંચેય મેચો હારી ગયું છે જે તેના માટે મુસીબતથી ઓછું બીજું કશું જ નથી.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 43 | કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. રાજસ્થાન રોયલ્સ
ઈડન ગાર્ડન્સ, કોલકાતા
ટોસ: રાજસ્થાન રોયલ્સ (બોલિંગ)
કોલકાતા નાઈટ રાઈડર્સ 175/6 (20) રન રેટ: 8.75
દિનેશ કાર્તિક 97* (50)
નિતીશ રાણા 21 (26)
વરુણ એરોન 2/20 (4)
ઓશાને થોમસ 1/32 (4)
રાજસ્થાન રોયલ્સ 177/7 (19.2) રન રેટ: 8.85
રિયાન પરાગ 47 (31)
અજીન્ક્ય રહાણે 34 (21)
જોફ્રા આર્ચર 27 (12)
પિયુષ ચાવલા 3/20 (4)
સુનિલ નારાયણ 2/25 (4)
પરિણામ: રાજસ્થાન રોયલ્સ 3 વિકેટે જીત્યા
મેન ઓફ ધ મેચ: વરુણ એરોન (રાજસ્થાન રોયલ્સ)
અમ્પાયરો: અનિલ દાંડેકર અને ઇયાન ગુલ્ડ | નિતીન મેનન (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું