શું હવે રવિશ કુમાર અને તેમની ગેંગ નક્કી કરશે કે વડાપ્રધાને શું કરવું?

1
289
Photo Courtesy: YouTube

અદાકાર અક્ષય કુમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લેવામાં આવેલા બિનરાજકીય ઇન્ટરવ્યુની પણ ટીકા કરનાર રવિશ કુમાર જેવા પત્રકારો અને તેમના સમર્થકોની ગેંગ તો હવે નક્કી નહીં જ કરી શકે કે આ દેશ હવે કેમ આગળ વધશે!

Photo Courtesy: YouTube

હવે બિનરાજકીય ચર્ચા પણ રાજકીય હલચલ મચાવવા માટે સમર્થ બની ગઈ છે, કારણ માત્ર એક જ છે દ્વેષ! વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે દેશના મિડીયામાં એટલો બધો દ્વેષ છે કે બે દિવસ અગાઉ પ્રસારિત થયેલા અક્ષય કુમારના ઇન્ટરવ્યુ પાછળ દેશનું મિડિયા નહાઈ ધોઈને પાછળ પડી ગયું છે. આ વિરોધનો ઝંડો usual suspectsમાં ટોચનું સ્થાન ધરાવતા રવિશ કુમાર અને તેમના અંધ ભક્તોની ગેંગે લીધું છે.

માત્ર મોદી વિરોધી વલણ ધરાવતા રવિશ કુમારને તેમની અસંગઠિત અને આંધળી ગેંગના સભ્યો કઈ દિશાએથી તટસ્થ ગણે છે એ સવાલને સમજવા કદાચ આપણે એક હજાર જન્મ લઈએ તો પણ ઓછા પડે એવું છે. અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે બિનરાજકીય ઇન્ટરવ્યુ પ્રસારિત થયો તેની રાત્રે જ રવિશ કુમારે અક્ષય કુમારના પેંગડામાં પગ નાખવાની ધરાર કોશિશ કરી અને ઉંધે માથે પછડાયા.

પોતાના કાર્યક્રમ પ્રાઈમ ટાઈમમાં કાયમની જેમ ગરીબડું મોઢું કરીને એક બિનરાજકીય ઇન્ટરવ્યુ સામે પોતાનો કાર્યક્રમ બિનરાજકીય જાહેર કરીને રવિશ કુમારે માત્ર રાજકીય વાતો જ કરી જે અક્ષયના ઇન્ટરવ્યુ જે ખરેખર બિનરાજકીય હતો તેનો દક્ષિણ ધ્રુવ બની ગયો હતો. પરંતુ તેમ છતાં રવિશ કુમારની ગેંગે તેને વધાવી લીધો કારણકે એમ કરવા સિવાયની બુદ્ધિ એમનામાં રહી જ નથી. અદાકારમાંથી એક દિવસના પત્રકાર બનેલા અક્ષય કુમારની નીચલી કક્ષાની મશ્કરી કરનારાઓને એક દિવસના અદાકાર અને એ પણ સાવ બાલીશ અદાકાર એવા રવિશ કુમારનો જયજયકાર બોલાવવાનું ખૂબ ગમ્યું.

મુદ્દો એ છે કે ચૂંટણીના સમયમાં બિનરાજકીય ઇન્ટરવ્યુ કેમ? તો તેનો જવાબ છે કેમ નહીં? કોઇપણ રાજકીય પાર્ટી અને તેના આગેવાનો જ્યારે ચૂંટણી ચાલી રહી હોય ત્યારે જો કાયદાની મર્યાદામાં રહીને પોતાનો પ્રચાર કોઈ નોખી રીતે કરે તો કોઈને શો વાંધો હોય? વાંધો એક જ છે અને એ છે કે આ નોખો પ્રચાર નરેન્દ્ર મોદીએ કર્યો હતો. રાહુલ ગાંધીએ પણ પ્રચારની શરૂઆતના દિવસોમાં ચેન્નાઈ અને પુણેમાં વિદ્યાર્થીઓ વચ્ચે જઈને પોતાનો પ્રચાર કર્યો હતો પણ તેને તો ‘Awww, cho chweet’ કહીને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો?

લાગતું વળગતું: બરખા દત્ત અને રવિશ કુમારને એક આમ આદમીનો ખુલ્લો પત્ર!

2014ના પ્રચારમાં સોશિયલ મિડિયાનો યોગ્ય ઉપયોગ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીએ કર્યો ત્યારે એમના પર સોશિયલ મિડીયાનો ઉપયોગ કેમ કર્યો એવો આરોપ મુકવામાં આવ્યો અને હવે અક્ષય કુમારને બિનરાજકીય ઇન્ટરવ્યુ કેમ આપ્યો એવો! જો રવિશ કુમાર અને તેમની 47મી નબળી ફોટોકોપી ધરાવતા ગુજરાતી પત્રકારોની વાત નરેન્દ્ર મોદી માનવા લાગે તો તેઓ પોતાના ઘરની બહાર પણ ન નીકળી શકે!

અક્ષય કુમારની સાથે તો અમસ્તુંય આપણા પત્રકારોને વાંધો છે કારણકે તેણે ‘બેબી’, ‘ટોઇલેટ એક પ્રેમકથા’ કે પછી ‘પેડમેન’ એવી ફિલ્મો કરી છે જેનાથી દેશમાં એક સારો, દેશભક્તિનો અને સ્વચ્છતાનો સંદેશ પહોંચ્યો છે. વળી આ બધી ફિલ્મો હીટ પણ ગઈ છે એટલે વામપંથી કોંગ્રસ તરફી તટસ્થ પત્રકારોને પેટમાં જબરદસ્ત બળતરા થઇ છે. હવે એ જ અક્ષય કુમાર જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બિનરાજકીય ઇન્ટરવ્યુ લે તો તો પછી એ બળતરા જ્વાળામુખી ન બને તો જ નવાઈ.

અમુક તો પાછા સુષ્ઠુ સુષ્ઠુ એમ લખે કે આમતો હું કોઈનોય ફેન નથી પણ અક્ષય કુમારે આમ નહોતું કરવા જેવું. તો અમુકે અચાનક જ અક્ષયની અદાકારીની ટીકા શરુ કરી દીધી જાણેકે અક્ષય કુમારને ધૂળ બરોબર પણ એક્ટિંગ ન આવડતી હોય અને લોકોને પૈસા ખવડાવીને બોલિવુડમાં આટલી ઉંચાઈએ પહોંચ્યો હોય! તો કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આ ઇન્ટરવ્યુ અંગે હાસ્યાસ્પદ બયાન કરતા કહ્યું હતું કે રાજકારણ છોડ્યા પછી નરેન્દ્ર મોદીને ફિલ્મોમાં સારો ચાન્સ છે!

હવે રવિશ કુમાર પર પરત આવીએ. નરેન્દ્ર મોદી જ્યારથી પોતાની ઈચ્છા વિરુદ્ધ અને દેશની પ્રજાના બદનસીબે દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ રવિશ કુમારને તેમનો ઇન્ટરવ્યુ લેવાની ખૂબ ઈચ્છા છે. શરૂઆતમાં આ ઈચ્છા  હતી પછી તે વિનંતીમાં પરિવર્તિત થઇ અને પછી પણ કોઈ મેળ ન પડતા તે ધમકી અને પડકારમાં પરિવર્તિત થઇ ગઈ. આ જ રવિશ કુમારે છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીને એટલા બધા ખુલ્લા પત્રો લખ્યા છે કે દરેક ખુલ્લો પત્ર પ્રકાશિત થયાના કલાકોમાં રવિશ ખુદ ખુલ્લા પડી જાય છે.

પરંતુ આ એમનો વ્યક્તિગત વાંક નથી તેમનો વાંક માત્ર એટલો જ છે કે તેઓ એક એવી ઈકોસિસ્ટમનો ભાગ બની ગયા છે જેનું કાર્ય કોંગ્રેસ ભક્તિ કરવાનું છે અને કોંગ્રેસ માટે એક એવું ચિત્ર ઉભું કરવાનું છે  કે દેશ કોંગ્રેસના શાસન વગર બરબાદ થઇ જશે. આ ઈકોસિસ્ટમને હવે દેશભક્તો વિવિધ સ્તરે અને મંચ પર ખુલ્લો પડકાર આપી રહ્યા છે અને સફળ પણ થઇ રહ્યા છે અને આથી રવિશ કુમાર અને તેમની  ગેંગ આ નિષ્ફળતા ન પચાવી શકતા માત્ર ઝેર ઓકવા સિવાય કશું જ કરી શકતા નથી.

આ લોકોનો દ્વેષ એટલી હદ સુધી પહોંચી ગયો છે કે, “કૌન જાત હો” પછીનો બીજો સવાલ જો એમ હોય કે, ‘કૌન પાર્ટી કો સપોર્ટ કરતે હો?” તો તેના જવાબમાં ભાજપ કહેનાર વ્યક્તિને આ લોકો બે ચાર લાફા પણ ઠોકી દે.

ઈકોસિસ્ટમના ભાગ એવા તમામ લોકોએ હવે એક હકીકત સમજી લેવાની જરૂર છે કે હવે તમે કહેશો એમ તો આ દેશ નહીં જ ચાલે. મેઈન સ્ટ્રીમ મિડિયા પ્રત્યેના લોકોના વિશ્વાસના પતન માટે તમે જ જવાબદાર છો એ વાત સોશિયલ મિડીયાના આગમન અને ફેલાવા અને મજબૂતી બાદ સામાન્ય જનતા સમજી ગઈ છે, એટલે બહુ લોડ ન લેવો અને બને તો પોતાના અંતરાત્માને સાંભળવાની કોશિશ કરો!

eછાપું

તમને ગમશે: PMUY – આતંકવાદ ગ્રસિત જમ્મુ કાશ્મીરના લોકોના ઘા રૂઝવવાનો પ્રયાસ

1 COMMENT

  1. સર,જેમ તમારી ગેંગ ને વારે તહેવારે મોદી સાહેબ ની દરેક નીતિઓને બહુત ખુબ કરી ને વહોરી લેવાનો હક છો તેમ રવિશ ની ગેંગ ને પણ પોતાના વડાપ્રધાન ને પ્રશ્ર્ન પૂછવાનો હક છે અને તેમાં કટાર કરીને પ્રાઈમટાઈમ ચલાવે તો એમાં કઈ ખોટું નથી. આપણું સંવિધાન આપણા વડાપ્રધાન ને “Primus inter pares” એટલે first among equals ગણે છે, લોકશાહી માં કોઈ પણ પ્રશ્નોત્તરી થી ઉપર નથી. બની શકે કે તેઓ ની ગેંગ બરોબર ચૂંટણી ના મધ્યસમયે આ વડાપ્રધાન ના પારિવારિક સ્ટેટ્સ, તેમની દિનચર્યા કે જેના પર બહુ ઇન્ટરવ્યૂ થઇ ચુક્યા છે કે પછી તેઓ કેરી ખાય છે કે નહિ તેનાથી વધુ જાણવાની અપેક્ષા કરતી હોય !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here