IPL 2019 | મેચ 44 | જ્યારે શેઠ બહાર હોય ત્યારે…જેવો CSKનો દેખાવ

0
300
Photo Courtesy: news18.com

મહેન્દ્ર સિંગ ધોની અને બે અન્ય મહત્ત્વના ખેલાડીઓની ગેરહાજરીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમ પણ કેવી નબળી દેખાઈ શકે છે તે આ મેચમાં જોવામાં આવ્યું.

Photo Courtesy: news18.com

જ્યારે ટીમના ત્રણ મહત્ત્વના ખેલાડીઓ ન રમી રહ્યા હોય ત્યારે ટીમને સહન કરવાનું તો આવે પરંતુ જ્યારે ટીમનો કેપ્ટન જ મેચ જે તરફ વહેતી હોય એના વહેણમાં જ તણાઈ જતો હોય અને કોઇપણ પ્રકારની કલ્પનાશક્તિનો તેના માં અભાવ હોય ત્યારે ટીમને એક મોટી હાર મળતી હોય છે તે આ મેચમાં સાબિત થયું  હતું.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોનીને તાવ હોવાથી તેને આરામ આપવામાં આવ્યો હતો જ્યારે ફાફ દુ પ્લેસી અને રવિન્દ્ર જાડેજાને પ્લે ઓફ્સમાં ટીમ પહોંચી ગઈ હોવાથી આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ મેચમાં CSKનો દેખાવ અને અંતિમ પરિણામ જોતા આ બંનેમાંથી કોઈ એકને રમાડવામાં આવ્યા હોત તો ટીમ કદાચ આનાથી વધુ સારું પરફોર્મન્સ જરૂર દેખાડી શકી હોત.

પીચ પર ટર્ન હોવાને લીધે જાડેજા કામમાં આવ્યો હોત અથવાતો ફાફ દુ પ્લેસી જે સાઉથ આફ્રિકાનો કેપ્ટન છે તેને રમાડીને સુરેશ રૈનાની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હોત તો પણ ટીમ બહેતર દેખાવ કરી શકી હોત જ. સુરેશ રૈનાની કપ્તાનીમાં છેલ્લા બે વર્ષમાં આશ્ચર્ય પમાડે એટલી હદે નાવીન્યનો અભાવ જોવા મળી રહ્યો છે. બે સિઝન અગાઉ ગુજરાત લાયન્સની કપ્તાની કરતી વખતે સુરેશ રૈનાએ સારી એવી કપ્તાની કરી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સની હાર માટે એક તરફ જો ટીમ કોમ્બીનેશન અને નબળી કપ્તાની જવાબદાર હતી તો બીજી તરફ તેમના બેટ્સમેનોની, જેમાં કેપ્ટન રૈના પણ સામેલ છે, તેમના બેજવાબદાર શોટ્સ પણ એટલા જ જવાબદાર હતા. શેન વોટ્સનને આપણે અન લકી કહી શકીએ કારણકે તેણે જે પ્રકારનો શોટ માર્યો હતો તે મલિંગાનો બોલ ખુબ ખરાબ લાઈન પર નાખેલો હતો અને જ્યાં તેનો કેચ થયો ત્યાં આ પ્રકારના બોલ પર કેચ આઉટ થવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે.

પરંતુ, વોટ્સન સિવાયના CSKના બાકીના બેટ્સમેનોના શોટ્સ જુઓ અને તેમની વિકેટો જુઓ તો આપણને એમ લાગે કે આ લોકોને ડગ આઉટમાં પરત થવાની એવી તે શી ઉતાવળ હશે? મુરલી વિજય જે આ સિઝનમાં પહેલીવાર રમી રહ્યો છે તેણે અન્યો કરતા લાંબી બેટિંગ તો કરી પરંતુ પહેલીવાર રમી રહ્યો હોવાથી તેને અત્યંત સંઘર્ષ કરવો પડ્યો. તો બાકીના બેટ્સમેનોમાંથી એક કે બે બેટ્સમેનોએ ટકીને બેટિંગ કરવાને બદલે વિકેટો ફેંકી દીધી હતી.

ટૂંકમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો દેખાવ આ મેચમાં એવો રહ્યો હતો કે દુકાનનો શેઠ (મહેન્દ્ર સિંગ ધોની) ગેરહાજર હોય તો એની નીચે કામ કરનારાઓ જેવી રીતે દુકાન ચલાવે એવી રીતે ટીમના ખેલાડીઓ રમ્યા હતા. તો બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ છ દિવસની રજા પછી પહેલીવાર રમ્યા હતા અને કેપ્ટન રોહિત શર્મા આજે તેના ઓરીજીનલ રંગમાં હતો અને હાફ સેન્ચુરી પણ મારી હતી જે અંતિમ પરિણામમાં એકમાત્ર પરીબળ સાબિત થયું હતું.

આ જીત સાથે MI એ પણ પ્લે ઓફ્સમાં પોતાનું સ્થાન લગભગ નક્કી કરી લીધું છે. હજી તેણે 3 મેચ રમવાની બાકી છે એમાંથી એક જીત પણ તેને પ્લે ઓફ્સમાં નિશ્ચિત કરી આપશે.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 44 | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ

એમ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ

ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)

મુંબઈ ઇન્ડિયન્સ 155/4 (20) રન રેટ: 7.75

રોહિત શર્મા 67 (48)

એવિન લુઇસ 32 (30)

હાર્દિક પંડ્યા 23* (18)

માઈકલ સેન્ટનર 2/13

ચેન્નાઈ સુપર કિંગ્સ 109 – ઓલ આઉટ (17.4) રન રેટ: 6.26

મુરલી વિજય 38 (35)

માઈકલ સેન્ટનર 22 (20)

લસિથ મલિંગા 4/37 (3.4)

કૃણાલ પંડ્યા 2/7 (3.0)

જસપ્રીત બુમરાહ 2/10 (3.0)

પરિણામ: મુંબઈ ઇન્ડિયન્સ 46 રને જીત્યા

મેન ઓફ ધ મેચ: રોહિત શર્મા (મુંબઈ ઇન્ડિયન્સ)

અમ્પાયરો: અનિલ ચૌધરી અને નાઈજલ લોંગ | વિનીત કુલકર્ણી (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here